<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

પતંગના દોરાથી ગળુ કપાતાં યુવાનનું મોતઃ બીજા માળેથી પડતાં ૧૦ વર્ષના બાળકનું અને ૧૮ વર્ષના યુવાનનું મોતઃ ૬૦ને ઇજા

મકર સંક્રાતિનું પર્વ રાજકોટમાં જીવલેણ બન્‍યું:૩ મોત : પતંગના દોરાને કારણે બેડલાના પ્રજાપતિ પરિવારનો જુવાનજોધ દિકરો છીનવાયોઃ ઘંટેશ્વર પાસે બ્રહ્મનાદ સોસાયટીમાં ચાંદ્રા પરિવારે દસ વર્ષનો લાડકવાયો ગુમાવ્‍યોઃ જંગલેશ્વરમાં રહેતાં યુપીના ૧૮ વર્ષના પઠાણ યુવાનનું મીરા ઉદ્યોગમાં બીજા માળેથી પડી જતાં મોત : સિવિલ હોસ્‍પિટલમાં દોરાને કારણે ઘાયલ થયેલા ૪૫ અને ધાબા પરથી પડતાં દોરાને કારણે અકસ્‍માતમાં ઘવાયેલા ૧૫ને સારવાર અપાઇઃ ઇમર્જન્‍સી વિભાગ, ખાસ ઓપરેશન થીએટરમાં તબિબો, નર્સિંગ સ્‍ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ રાત સુધી વ્‍યસ્‍ત રહ્યાઃ પોલીસ ચોકીના સ્‍ટાફને સતત એન્‍ટ્રી નોંધાવવા દોડધામ રહી : ૨૮ વર્ષનો પ્રકાશ સરેરીયા બેડલાથી સંક્રાંતિ મનાવવા નવાગામ રહેતાં મોટા ભાઇના ઘરે જતો હતો ત્‍યારે મેંગો માર્કેટ પાસે બનાવઃ દોરો એટલો ઘાતક હતો કે શ્વાસ નળી જ કપાઇ ગઇ : ૧૦ વર્ષનો કશ્‍યપ વિવેકભાઇ ચાંદ્રા પાંચમા ધોરણમાં ભણતો હતોઃ માતા-પિતાનો એક જ લાડકવાયો હતો : જંગલેશ્વરમાં રહેતો ૧૮ વર્ષનો અયાનખાન પઠાણ પણ માતા-પિતાનો એકનો એક પુત્ર હતોઃ મામા સાથે રહી મજૂરી કરતો હતો

 પતંગના દોરાને કારણે ઘાયલ થયેલા લોકો લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં અહિ મીની ઓપરેશન થિએટરમાં તમામને સારવાર અપાઇ હતી. જરૂર પડે તેને દાખલ પણ કરવામાં આવ્‍યા હતાં.  : મીની ઓપરેશન થીએટરમાં દોરાથી ઘવાયેલા લોકોની સારવાર કરવામાં આવી હતી : દોરાથી ગળુ કપાતાં જેનું મોત થયું તે પ્રકાશ સરેરીયા : અગાસી પરથી પટકાતાં બ્રહ્માનંદ સોસાયટીના ચાંદ્રા પરિવારના ૧૦ વર્ષના લાડકવાયા કશ્‍યપનું મૃત્‍યુ થયું હતું

રાજકોટ તા. ૧૫: શહેરમાં પતંગોના પર્વ મકર સંક્રાંતિની ઉમંગભેર ઉજવણી થઇ હતી. જો કે બીજી તરફ આ પર્વ કેટલાક પરિવારો માટે આઘાત આપનારુ બની ગયું હતું. રાજકોટના બેડલા ગામે રહેતાં પ્રજાપતિ પરિવારના જુવાનજોધ દિકરાનું પતંગના દોરાથી ગળુ કપાઇ જતાં કમકમાટી ભર્યુ થયું હતું. આ યુવાન બેડલાથી નવાગામ રહેતાં પોતાના મોટા ભાઇના ઘરે સંક્રાંતિ મનાવવા આવી રહ્યો હતો ત્‍યારે ગ્રીનલેન્‍ડ ચોકડી નજીક મેંગો માર્કેટ પાસે ગળામાં પતંગનો દોરો આવી જતાં ઘટના સ્‍થળે જ મોત થયું હતું. જ્‍યારે ઘંટેશ્વર નજીક બ્રહ્મનાદ સોસાયટીમાં રહેતાં ચાંદ્રા પરિવારના ૧૦ વર્ષના દિકરાનું બીજા માળેથી પડી જતાં અને જંગલેશ્વરમાં રહેતાં ૧૮ વર્ષના મુળ યુપીના યુવાનનું મીરા ઉદ્યોગમાં બીજા માળેથી પતંગ ઉડાડતી વખતે પડી જતાં મોત થયું છે.  બીજી તરફ પતંગના દોરાને કારણે ઇજા થવાના ૪૫થી વધુ બનાવ અને દોરાને કારણે તેમજ દોરાને વાહન અકસ્‍માતને કારણે પડી જવાથી તેમજ ધાબા પરથી પડી જવાથી ૧૫ જેટલા બનાવોમાં ઘાયલોને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અપાઇ હતી. આમ કુલ ૬૦ જેટલા લોકોને દોરાને કારણે સારવાર લેવા દોડવું પડયું હતું.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા રોડ પર આવેલા બેડલા ગામે રહેતો પ્રકાશ જયસુખભાઇ સરેરીયા-પ્રજાપતિ (ઉ.વ.૨૮) નામનો યુવાન મકર સંક્રાંતિના દિવસે બપોરે બે વાગ્‍યા આસપાસ પોતાનું મોટરસાઇકલ હંકારીને બેડલાથી નવગામ દિવેલીયાપરામાં રહેતાં મોટા ભાઇ દિપકભાઇના ઘરે સંક્રાંતિ મનાવવા આવી રહ્યો હતો ત્‍યારે ગ્રીનલેન્‍ડ ચોકડી મેંગો માર્કેટ પાસે પહોંચ્‍યો તે વખતે અચાનક તેના ગળામાં પતંગનો દોરો આવી ગયો હતો. બાઇક ચાલુ હોઇ દોરો ખેંચાતાં પ્રકાશનું ગળુ કપાઇ જતાં લોહીલુહાણ થઇ ઘટના સ્‍થળે જ પડી ગયો હતો. લોહીના ખાબોચીયા ભરાઇ જતાં કોઇએ ૧૦૮ને જાણ કરતાં તુરત જ ટીમ પહોંચી હતી. જો કે પ્રકાશનું મૃત્‍યુ થયું હોઇ બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. એકઠા થઇ ગયેલા લોકોમાંથી કોઇએ આ યુવાનના મોબાઇલ ફોનમાંથી તેણે ડાયલ કરેલા નંબરોમાં ફોન જોડતાં તેના સગાનો સંપર્ક થયો હતો અને નવાગામમાં જ રહેતાં તેના મોટા ભાઇ સહિતના પરિવારજનો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતાં.

મૃત્‍યુ પામનાર પ્રકાશ બે ભાઇમાં નાનો હતો. તે માતા-પિતા સાથે બેડલા રહેતો હતો અને કરિયાણાની દૂકાન ચલાવવા સાથે ઇંટોના ભઠ્ઠામાં કામ કરતો હતો. તેના લગ્ન થયા નહોતાં. યુવાન અને આશાસ્‍પદ દિકરાના મોતથી સરેરીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

માસુમ કશ્‍યપ ચાંદ્રા પરિવારનો એકનો એક પુત્ર હતો

બીજા બનાવમાં જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક નજીક બ્રહ્મનાદ સોસાયટી-૬માં રહેતાં વિવેકભાઇ નવીનચંદ્ર ચાંદ્રાનો એકનો એક લાડકવાયો પુત્ર કશ્‍યપ (ઉ.વ.૧૦) સંક્રાંતિના દિવસે બીજા માળની અગાસી પરથી અકસ્‍માતે પડી જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ રાત્રીના તેનું મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. કશ્‍યપ ક્રિસ્‍ટલ સ્‍કૂલમાં ધો-૫માં અભ્‍યાસ કરતો હતો. તેના પિતા વેપાર કરે છે. આ પરિવાર મુળ જામનગરનો વતની છે. લાડકવાયાના મૃત્‍યુથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

અયાનખાન પણ પરિવારનો એક જ આધારસ્‍તંભ હતો

પતંગના કારણે મૃત્‍યુની ત્રીજી ઘટના થોરાળાના મીરા ઉદ્યોગનગર-૨માં આવેલા પ્રોટેક્‍ટ પેકેજીંગ કારખાના પાસે બની હતી. અહિ બીજા માળે પતંગ ઉડાડતી વખતે પડી જતાં હાલ જંગલેશ્વર-૨૯માં રહેતો મુળ યુપી બેહરાઇનનો અયાનખાન શહેજાદખાન પઠાણ (ઉ.વ.૧૮) પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.  થોરાળા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એચ. ટી. ઝીંઝાળા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર અયાનખાન માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ હતો. તે રાજકોટ મામા સાથે રહી કારખાનામાં મજૂરી કરતો હતો.

 

દોરાને કારણે ઇજાના બનાવો

પતંગના દોરાને કારણે અનેક લોકોનો મોઢા, ગળા, નાક, કાન, પગમાં ઇજાઓ પહોંચી હતી. આ તમામને ઇમર્જન્‍સી વોર્ડની બાજુમાં મીની ઓપરેશન થીએટરમાં ઇએનટી, સર્જીકલ વિભાગના તબિબો, નર્સિંગ સ્‍ટાફે સારવાર આપી હતી. જેમાં દક્ષ મનિષભાઇ (ઉ.૨૭), અનિલભાઇ મનજીભાઇ (ઉ.૪૮), હેત્‍વી કેતનભાઇ પાટડીયા (ઉ.૨૧), સંજયભાઇ (ઉ.૩૦), સાનીયાબેન (ઉ.૩૨), આયુષ રાય (ઉ.૧૨), વિશાલ (ઉ.૨૫), આનંદ રાકેશ (ઉ.૩૨), વિવેક જીતુ (ઉ.૧૮), કિશોર ત્રિભોવનભાઇ (ઉ.૪૦), દિપક વાઘેલા (ઉ.૨૪), કલ્‍યાણભાઇ કાનાભાઇ (ઉ.૭૨), કાનાભાઇ (ઉ.૪૫), રાજેશ્રી દેવભાઇ (ઉ.૨૦), સંજય (ઉ.૩૦), સાગર ગોરખભાઇ (ઉ.૨૭), વિજય પ્રવિણભાઇ (ઉ.૪૫), શિવાભાઇ ગોહેલ (ઉ.૩૦), પ્રિયા ચંદ્રેશ (ઉ.૪), પિયુષ કિશોરભાઇ (ઉ.૧૮), કાળુજી હાલાજી (ઉ.૫૦), દશરથ (ઉ.૧૯), દેવજી નાથાભાઇ (ઉ.૪૫), સુનિલ હીરાભાઇ (ઉ.૧૧), શબ્‍બીરભાઇ (ઉ.૩૪), જીતેન્‍દ્રભાઇ (ઉ.૫૨), સંદિપભાઇ (ઉ.૩૮), કમલેશ નંદાભાઇ (ઉ.૨૦), વેલજીભાઇ નાનજીભાઇ (ઉ.૬૪), વિવેક હસમુખભાઇ (ઉ.૨૮) અને મિલન બાબુભાઇ (ઉ.૪૦), શેખ નાઝનીન (ઉ.૧૫), મોહસીન (ઉ.૩૪), અલીશાબેન (ઉ.૧૬), એઝાઝભાઇ (ઉ.૩૦)નો સમાવેશ થાય છે.

જ્‍યારે પંતગના દોરાને કારણે તેમજ ધાબા પરથી પડી જવાથી કે વાહન અકસ્‍માતમાં ઇજા થવાથી પંદરથી વધુ લોકોને સારવાર અપાઇ હતી. પતંગના પર્વમાં દોરાને કારણે ઇજા થતાં સારવાર લેવી પડી હોય તેવા ૬૦થી વધુ લોકોને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં અમુકને પ્રાથમિક સારવાર અપાઇ હતી. અમકને દાખલ કરવા પડયા હતાં. સવારથી રાત સુધી હોસ્‍પિટલમાં ઇમર્જન્‍સી વિગભા, મીની ઓપરેશન થીએટરમાં ધમધમાટ રહ્યો હતો. હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇને એન્‍ટ્રીઓ નોંધાવવા સતત દોડધામ કરવી પડી હતી.

(10:48 AM IST)