<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

રાજકોટ માર્કેટયાર્ડના વેપારીઓને ઇન્કમટેકસે ફટકારી નોટીસ : જાણો શું છે સમગ્ર મામલો

વેપારીઓ આગબબુલા થઇ રાજકોટ ખાતેની કચેરીએ દોડી ગયા અને આવક બાબતે આઇટી વિભાગ દ્વારા ખોટું અર્થઘટન કરાયું છે તેવું આવેદન ચીફ કમિશનરને પાઠવ્યું

રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને ઇન્કમટેકસ દ્વારા સામુહિક નોટિસ ફટકારતા હોબાળો મચી ગયો છે. ઇન્કમ ટેક્સ ની નોટિસ મળતા વેપારીઓ આગબબુલા થઇ અને રાજકોટ ખાતેની કચેરીએ દોડી ગયા હતા અને આવક બાબતે આઇટી વિભાગ દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે તેવું આવેદન ચીફ કમિશનરને પાઠવવામાં આવ્યું છે.

આ અંગે રાજકોટ યાર્ડના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટયાર્ડ કમીશન એજન્ટ એસોસીએશન દ્વારા રજુઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીના સોદા કમિશન એજન્ટો દ્વારા થતા હોય છે. જેમાં એજન્ટોને બે ટકા કમિશન નકકી કરવામાં આવ્યું છે અને તે પણ માર્કેટ યાર્ડ જ નક્કી કરે છે. આ કમીશનને આયકર વિભાગે આવક ગણી લીધી છે અને નોટીસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ રજુ કરવા સુચના આપવામાં આવી છે જે ખરેખર અન્યાય કરતા છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, 149 કલમ હેઠળ વેંચાણને કુલ આવક ગણી નોટિસ ફટકારવામાં આવી છે. કમિશનમાં ખેડૂતો ને ચુકવેલ નાણાને પણ ગણી લેવાતા આવક 4900 ટકા વધુ આકારી લીધી હોય જ અંતર્ગત નોટીસ ફટકારવામાં આવી છે.

ખરેખર કમિશન એજન્ટને આવક નથી હોતી પરંતુ બે ટકા કમિશન જ હોય છે તેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ખોટું અર્થઘટન કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વધુમાં એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું છે કે, આયકર વિભાગ દ્વારા કમિશન એજન્ટોને રૂા 90 લાખથી રૂ 4 કરોડ સુધીની નોટિસ ફટકારવામાં આવી છે. અમને થોડો સમય આપો અથવા અમારે શું કરવું તે બાબતે 48 કલાકમાં જવાબ આપો, ખરેખર આવી આવક હોતી જ નથી. વેપારીઓને ખોટી હેરાનગતિ કરવામાં આવે છે.

 આખા વર્ષની 10 લાખ કમિશન થતું નથી અને 90 લાખની નોટીસ કેટલી વ્યાજબી છે. આ નોટિસ રદ કરવા માટે ચીફ કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત કરાઇ છે.

ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું કે, આવકવેરા વિભાગ દ્વારા કમિશન એજન્ટોને રૂ.90 લાખથી રૂ.4 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે તે રદ કરવા માટે આજે રાજકોટ આવકવેરા વિભાગની કચેરી ખાતે રજુઆત કરી છે અને અહીંથી અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી ખાતે આવકવેરા વિભાગની કચેરી ખાતે રજૂઆત કરીશું અને ન્યાય માટે માંગ કરીશું.

(7:44 PM IST)