તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
બોલેરોમાં ચાર બળદને ખિચોખીચ ભરી કતલખાને લઇ જતાં ત્રણ શખ્સને ફિલ્મી ઢબે પકડી લેવાયા
આજીડેમ પોલીસ મથકના દેવાભાઇ ધરજીયા, સંજયરાજ બારોટે પીછો કરી બોલેરો ઠેબચડા ચોકડીએ આંતરી લીધીઃ વાંકાનેરમાં રહેતાં ભૂપત પરમાર, વેલા પરમાર અને મુકેશ પરમારની ધરપકડ

રાજકોટ તા. ૧૩: રાજકોટ-ભાવનગર હાઇવે પર શુભ ચોકડીએ આજીડેમ પોલીસે માહિતીને આધારે ગોૈવંશ ભરેલી બોલેરોને આંતરતાં ચાલકે ભગાવી મુકતાં પોલીસે ફિલ્મે ઢબે છેક ઠેબચડા ચોકડી સુધી પીછો કરી બોલેરોને આંતરી લીધી હતી. જેમાં પાછળ તાલપત્રી હટાવીને જોતાં ઠાઠામાં ચાર બળદને ક્રુરતા પુર્વક દોરડાથી ખીચોખીચ બાંધી રખાવેલા હોઇ ચાલક સહિતના ત્રણ સામે ગુનો નોંધી બળદોને મુક્ત કરાવી પાંજરાપોળમાં ખસેડવા તજવીજ કરાઇ હતી.
આજીડેમ પોલીસ મથકના કોન્સ. દેવાભાઇ જાદવભાઇ ધરજીયાએ આ મામલે બોલેરો નં. જીજે૩૬ટી-૮૫૦૩ના ચાલક ભૂપત પોપટભાઇ પરમાર (ઉ.વ.૩૧-રહે. ભાટીયા સોસાયટી ભંગારના ડેલા પાસે વાંકાનેર), વેલાભાઇ મારાજભાઇ પરમાર (ઉ.વ.૫૦-રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર) તથા મુકેશ મારાજભાઇ પરમાર (ઉ.વ.૩૬-રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર) વિરૂધ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી બોલેરો ગાડી કબ્જે કરી હતી.
દેવાભાઇ ધરજીયાએ જણાવ્યું હતું કે રાતના અગિયારથી સવારના પાંચ સુધી મારી નોકરી માંડા ડુંગર વિસ્તારમાં હતી. સાથે કોનસ. સંજયરાજ બાોટ પણ હતાં. અમને બાતમી મળી હતી કે નવા ૧૫૦ રીંગ રોડ શુભ ચોકડીથી કાળીપાટ ચોકડી તરફ એક સફેદ રંગની બોલેરો શંકાસ્પદ રીતે જઇ રહી છે. આ માહિતી પરથી શુભ ચોકડીએ વોચ રાખતાં બોલેરો આવી હતી. જેના ચાલકને ઉભા રહેવા ઇશારો કરતાં તેણે બોલેરો ભગાવી મુકતાં અમે તેનો પીછો કર્યો હતો અને ઠેબચડા ચોકડીએ ગાડીને આંતરી લીધી હતી. પાછળ તાલપત્રી બાંધી હોઇ તે હટાવીને જોતાં અંદર ચાર બળદને ખીચોખીચ દોરડાથી બાંધી રખાયેલા જણાયા હતાં. ચાલક સહિત ત્રણેયની પુછતાછ કરતાં પોતે ગોંડલ પંથકના ગામડાઓમાંથી ભરીને વાંકાનેર કતલખાના તરફ લઇ જતાં હોવાનું રટણ કર્યુ હતું. પીઆઇ એ. બી. જાડેજા, પીએસસાઇ એ. આર. રાઠોડની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.
(4:39 PM IST)










