<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

જીવન થકી ઉત્સવ છે : ઉત્સવ માટે જીવન નથી : ઉત્તરાયણ મહાદાનનું પર્વ છેઃ ઉદય કાનગડ

રાજકોટ :  ધારાસભ્ય શ્રી ઉદય કાનગડએ શહેરીજનોને મકરસંક્રાતિ પર્વની શુભેચ્છા આપણા જણાવ્યું છે કે સંક્રાતિ એટલે ગતિ, એક સ્થાનમાથી બીજા સ્થાનમાં પ્રવેશ કરવો તે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે મકર સંક્રાતિ તરીકે ઓળખાય છે. આ દિવસથી સૂર્ય ઉતર તરફ સહેજ ગતિ કરે છે અને ઉતર તરફ નમે છે, એટલે ઉતરાયણ પણ કહેવાય છે. સૌનો પ્રિય તહેવાર એટલે ઉતરાયણ. આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજીક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવારો વર્ષ દરમિયાન ઉજવાય છે.

તેમાં ઉતરાયણને આપણે સામાજિક તહેવાર કહી શકીએ કેમ કે સમાજના નાના-મોટા, અબાલ-વૃધ્ધ, સ્ત્રી અને પુરૂષ, શ્રીમંત અને ગરીબ, દરેક સમાજનો લોકો માટે આ તહેવારનું પોતપોતાની રીતે આગવું મહત્વ છે.

શ્રી કાનગડ લખે છે કે મકરસંક્રાતિના દિવસે વહેલી સવારથી આકાશમાં પતંગયુધ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પંતગોથી છવાઈ જાય છે. ઠેર-ઠેર 'કાપ્યો છે' ના નાદથી અગાસી-છત-ધાબા ગુંજી ઉઠે છે અને જનસમુદાય પરિવાર- મિત્રવર્તુળની સંગાથે આ તલ–ચીકી–જીજરાની જયાફત ઉડાવી પતંગોત્સવના આ પર્વને રંગેચંગે માણે છે અને સામાજિક એકતાનું દર્શન થાય છે અને ઘાબા—અગાશી ઉપર પારિવારિક, સગા-સ્નોહીઓ, મિત્રોનું સ્નોહમિલન થાય છે. આમ દિવાળીના બે અઢી માસ પછી આવતા આ એકદિવસીય પર્વમાં માનવી ગગનમાં રંગબેરંગી પતંગો ચગાવી પાછો તરોતાજા થાય છે. તાત્વીક-ધાર્મિક દ્રષ્ટિએ જોતા અદૃશ્ય ઈશ્વરીય શકિત કોઈ અજ્ઞાત અગાશીમાં ઉભા રહીને આપણી જીવનરૂપી પતંગ ચગાવે છે.આપણી પતંગનો દોર તેમના હાથમાં છે. તે દોર તેમના હાથમાંથી છુટી ન જાય એટલા માટે પ્રભુને આપણે પ્રાર્થના કરવાની છે, 'હે પ્રભુ, મારો જીવન પતંગ ઝોલે ન ચડે તે માટે તારા હાથમાં મે દોર આપ્યો છે, સંભાળજે.

આ પર્વની મોટી મર્યાદા એ છે કે પતંગોના પાકકા દોરાઓ પંખીઓની પાંખ વીજે છે. નિદોર્ષ પશુપક્ષી ઘાયલ થાય છે. પશુ-પક્ષી પ્રેમીઓ આ પર્વને દાનનો મહિમા પૂરતો રાખવાની યાચના કરે છે. કા તો કાચા દોરા રાખવામાં આવે તો જીવહાનિ થાય નહી.

આ પર્વની બીજી મર્યાદા એ છે લોકો એટલા ગાંડાતુર થાય છે કે અગાસીમાંથી પડી જવાના અઢળક કિસ્સાઓ પણ બને છે. ત્યારે મકરસંક્રાતિના પર્વ દરમ્યાન સાવચેતી અને તકદેરી રાખવી અતિ આવશ્યક છે.

અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપનો વિકાસરૂપી પતંગ ગગનમાં લહેરાઈ રહ્યો છે, અને દેશ વિકસિત ભારત તરફ મકકમ ગતિ કરી રહયો છે ત્યારે આ પર્વને સભાનતાપૂર્વક માણવો જોઈએ. જીવન થકી ઉત્સવ છે.

ઉત્સવ માટે જીવન નથી. ઉત્તરાયણ એ મહાદાનનું પર્વ અને જીવહિંસા ન થાય તે ધ્યાને રાખી ચાલો આપણે સૌ ભારતીય સંસ્કૃતી અનુસાર આ સમાજીક ઉત્સવને સહપરિવાર માણીએ અને નાના ભુલકાઓનું આપણે સૌ ધ્યાન રાખીએ તેમ અંતમાં ધારાસભ્ય શ્રી ઉદય કાનગડએ જણાવેલ છે.

(3:43 PM IST)