<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

સાંસદ રુપાલાએ કહ્યું-અમરેલી પોલીસથી ઉતાવળ થઇ : એસપીએ નીમેલી કમિટી જવાબદારો સામે કાર્યવાહી કરશે

સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે 'આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ'નો પ્રારંભ કરાવ્યો

રાજકોટ : સાંસદ પરશોત્તમભાઈ  રૂપાલાએ આજે રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે 'આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ'નો પ્રારંભ કરાવ્યો હતો. જે દરમિયાન તેમણે અમરેલીમાં ચાલી રહેલા બનાવટી લેટરકાંડ અંગે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ઉતાવળ થઇ છે. એસપી દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે. તેની તપાસમાં જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેવી મને આશા છે.

સાંસદ પરશોત્તમભાઈ  રૂપાલાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ  મોદીએ ગુજરાતના તળપદા તહેવાર ઉત્તરાયણને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ સુધીની ગરિમા સુધી પહોંચાડ્યો છે. પ્રધાનમંત્રીએ યોગ, ધ્યાન, ઉત્તરાયણ જેવા આપણા સાંસ્કૃતિક પર્વોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. તેમણે પતંગોત્સવ થકી ઉદ્યોગ, રોજગારી અને પ્રવાસનને વેગ આપ્યો છે.

પતંગ માનવીને પોતાના મૂળ સ્ત્રોત, પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાની શીખ આપે છે, તે ઉપદેશ આપે છે કે, જયાં સુધી આપણે મૂળ સાથે જોડાયેલા છીએ ત્યાં સુધી જ ઉડાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસ્કૃતિનું જોડાણ તૂટતા આપણી પતંગ કપાઈને જમીન દોસ્ત થઈ જાય છે.

અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી જે રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે અને પાટીદારની દીકરી સાથે જે ઘટના ઘટી હતી તેના પગલે રાજકોટના સંસાદ પરશોત્તમભાઈ  રુપાલાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. કે, મે આ અંગે પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે, જે બન્યુ તેમાં પોલીસ દ્વારા ઉતાવળ થઇ છે.

દીકરી સાથે પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. સમગ્ર પ્રકરણને બે દિશામાં જોવાની જરૂર હતી પરંતુ એક દિશામાં લઇ જવાનો પ્રયાસ થઇ રહ્યો છે જે યોગ્યન નથી. નનામી પત્રનો જે મુદ્દો હતો તેનો એક મોટો રોગ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટનાને કોંગ્રેસ અલગ દિશામાં લઇ જઇ રહી છે. એસપી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. એસપીએ નીમેલી આ કમિટી દ્વારા જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી મને આશા છે.

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ આગામી મકરસંક્રાંતિ પર્વની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, રંગીલા શહેર રાજકોટમાં રંગીલો પતંગોત્સવએ અભૂતપૂર્વ નજારો બની રહેશે ત્યારે જીવનમાં પણ પતંગ અવનવું શીખવી જાય છે જેમ કે, સહકાર,સંપ, કરુણા જેવા પતંગોને ચગાવી જીવનને ઉન્નત લઈ જવું અને મોહ,કામ,ક્રોધ જેવા પતંગોને કાપીને તેનાથી દૂર થવું એ ઉતરાયણ પર્વ માનવને શીખવી જાય છે.

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025’માં નેધરલેન્ડ, વિયેતનામ, ઈટલી, સ્પેન, ગ્રીસ, પોલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, પોર્ટુગલ, સાઉથ આફ્રિકા, યુ. એસ., રશિયા, લિથુઆનિયા જેવા 16થી વધુ દેશોના અને પંજાબ, રાજસ્થાન રાજ્યના પતંગબાજોએ ભાગ લઈ અવનવા કરતબો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્વાગત પ્રવચન દ્રારા સર્વનું સ્વાગત અભિવાદન કર્યુ હતું. આર.એમ.સી. કમિશનર તુષાર સુમેરાએ વિદેશથી પધારેલા પતંગબાજોને ભારતીય સંસ્કૃતિમાં પતંગોત્સવના મહત્વ વિશેની જાણકારી આપી હતી.

(5:22 PM IST)