News of Sunday, 12th January 2025
શેર બજારમાં ઊંચા નફાની લાલચ આપી પદ્મન સોસાયટીના નિશાબેન પેઢાડીયા સાથે ૧૭.૪૪ ,લાખની છેતરપીંડી: સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ: ઓનલાઈન ફ્રોડની વધુ એક ઘટના બની છે જેમાં એક મહિલા ને શેર બજારમાં વળતરની લાલચ આપી સાડા સત્તર લાખની ઠગાઈ કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ પદમન સોસાયટીમાં રૂક્ષ્મણી હાઇટ્સમાં રહેતાં નિશાબેન યશવંતભાઈ પેઢડીયા (ઉ.વ.૩૯) સાથે શેરબજારમાં વધુ વળતર લાલચ આપી અલગ અલગ અજાણ્યા શખ્સોએ છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઇમ પોલીસ મુથકમાં ફરિયાદ થઈ છે.
સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે નિશાબેનની ફરિયાદ પરથી અલગ- અલગ બેંક એકાઉન્ટ ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, ગઈ તા. ૨૬ના નિશાબેન ઇન્સ્ટાગ્રામમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા બાબતની જાહેરાત જોઈ હતી. તેમાં વોટ્સએપ ગ્રુપની લીંક હોય ક્લીક કરતાં તે ગ્રુપમાં જોઈન થઇ ગયા હતાં. આ ગ્રુપમાં અલગ અલગ શેરોની ટીપ્સ વતી હોય એક લીંક પણ આવી હતી. તે લીંક પણ તેણે ખોલી સ્ટોક માર્કેટ શિખડાવવા મેસેજ કરતાં તે ગ્રુપમાં પણ એડ કરાયા હતાં. ગઈ તા. ૨૬-૨- ૨૪નાં ગ્રુપમાં એક શેર લેવા ટીપ્સ આવતા તેણે તે શેર ખરીદ કર્યા હતાં..
આ રોકાણ સામે તેને નજીવો પ્રોફીટ થતા વિશ્વાસ આવ્યો હતો. થોડા દિવસ બાદ તે ગ્રુપમાં આરોપીઓએ મેસેજ કરી અમારી પોતાની એપમાં ઓનલાઇન સ્ટોક માર્કેટમાં રોકાણ કરી પ્રોફીટ મેળવી શકશો કહેતાં તેણે તે એપ ડાઉનલોડ કરી હતી. બાદમાં અલગ- અલગ સમયે લાખોની રકમ ભરી હતી.ત્યારબાદ ગઇ તા. ૨૯-૫-૨૪નાં અજાણ્યા નંબર પરથી તેને આરોપીએ મેસેજ કરી તેને એક કંપનીનો આઈપીઓ લાગ્યો છે.જેના રૂપિયા ઓનલાઈન ભરવા પડશે નહીંતર લીગલ પ્રોસેસ થશે. અને રોકાણ કરેલા પૈસા પરત મળશે નહીં કહેતાં તેણે ફરી આઈપીઓ ભરવા રૂા. ૧૦.૫૦ લાખ મળી કુલ રૂા. ૧૭.૪૪ લાખ અલગ-અલગ ખાતામાં નાખ્યા હતાં. પરંતુ આરોપીઓએ નફાની મૂળ રકમ નહીં આપતા છેતરાઈ ગયાની ખબર પડતાં ફરિયાદ નોંધાવી હતી.
(10:16 AM IST)










