News of Saturday, 11th January 2025
દારૂ ઢીંચી કાર હંકારી ફિલ્મી ઢબે વાહનોને ઉલાળી ભાગેલા રેસ્ટોરન્ટ સંચાલક રાજ ગામીએ રાત લોકઅપમાં વીતાવી
કેકેવી ચોકમાં સાંજે બનેલા બનાવને પગલે લોકો ભયભીત બન્યા હતાં: કોઇ ફરિયાદી ન બનતાં પોલીસ ફરિયાદી બની સાધુ વાસવાણી રોડ પર રહેતો યુવાન કોટેચા ચોકમાં ગજાનન પોૈઆ નામે રેસ્ટોરન્ટ ચલાવે છેઃ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૧૧: શહેરના કેકેવી ચોકમાં રાતે દારૂ પીધેલા કાર ચાલકે બેફામ સ્પીડથી કાર હંકારી એક રિક્ષા, એક કાર અને એક બાઇકને ઉલાળી દીધા બાદ પણ કાર ઉભી ન રાખી બંબાટ ભગાવતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. નાસભાગ મચી જતાં પોલીસ પણ પહોંચી ગઇ હતી અને એક્સયુવી-૭૦૦ કારના ચાલકને દબોચી લીધો હતો. તે નશો કરેલી હાલતમાં હોઇ બીજા કોઇ વાહનચાલકો ફરિયાદી ન બનતાં પોલીસે ફરિયાદી બની તેની સામે દારૂ પી કાર હંકારવાનો ગુનો નોંધ્યો હતો. કોટેચા ચોકમાં ગજાનન પોૈઆ નામે ફૂડ સ્ટોલ ધરાવતાં આ શખ્સને રાત લોકઅપમાં વીતાવવી પડી હતી.
આ બનાવ અંગે માલવીયાનગરના કોન્સ. બ્રીજરાજસિંહ રઘુભા જાડેજાની ફરિયાદ પરથી રાજ અનિલભાઇ ગામી (ઉ.વ.૨૮-ધંધો રેસ્ટોરન્ટ, રહે. બાગબાન ગોલ્ડ એપાર્ટમેન્ટ બલોક નં. ૩૦૩, ત્રીજો માળ રાજપેલેસ ચોક, સાધુ વાસવાણી રોડ) વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી. કોનસ. બ્રિજરાજસિંહે જણાવ્યું હતું કે હું સાંજે પીસીઆરમાં ઇન્ચાર્જ તરીકે નોકરી પર હતો અને સાથે હોમગાર્ડ વિષ્ણુભાઇ બોરીચા હતાં. અમે પેટ્રોલીંગમાં હતાં ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમથી કોલ મળ્યો હતો કે કેકેવી ચોકમાં અકસ્માત થયો છે, યોગ્ય કરજો. જેથી અમે ત્યાં જતાં એક વ્યક્તિને લોકોએ પકડી રાખ્યો હોઇ અને તે ત્યાં પડેલી મહીન્દ્રા એક્સયુવી-૭૦૦ કાર નં. જીજે૧૮બીએસ-૨૨૦૪નો ચાલક હોવાનું જણાવતાં તેને પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો.
પુછતાછ દરમિયાન આ વ્યક્તિએ પોતાનું નામ રાજ અનિલભાઇ ગામી જણાવ્યું હતું. તેણે દારૂ પીધો હોઇ અને બકવારસ કરતો હોઇ તેમજ શરીરનું સમતોલન જાળવી શકતો ન હોઇ ગુનો દાખલ કરી ધરપકડ કરી તેની કાર કબ્જે કરવામાં આવી હતી. વધુ તપાસ હેડકોનસ. એ.વી. ચાવડાએ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ રાજ ગામીને કોટેચા ચોકમાં ગજાનન પોૈઆ નામે રેસ્ટોરન્ટ છે. તે ત્યાં રાતે કર્મચારીઓને પગાર કરીને નીકળ્યા બાદ કેકેવી ચોકના સિગ્નલ પાસે વોર્ડને ટ્રાફિક રોકતાં ઉભો રહ્યો હતો. ટ્રાફિક ખુલતાં જ તેણે કાર ભગાવી હતી અને એક ટુવ્હીલર ચાલક મહિલાને, એક રિક્ષાને અને એક કારને ટક્કર મારી દીધી હતી. આ કારણે દેકારો મચી ગયો હતો. મહિલાએ પોતે માંડ બચ્યાનું જણાવ્યું હતું. રિક્ષામાં નુકસાન થયુ઼ હોઇ તેના ચાલકે ખર્ચ લઇ સમાધાન કરી લીધુ હતું. કોઇ આ મામલે ફરિયાદી ન બનતાં પીઆઇ જે.આર. દેસાઇની રાહબરીમાં પોલીસે ફરિયાદી બની કાર્યવાહી કરી હતી.
(3:30 PM IST)










