તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
ગાંધી સ્મૃતિ સોસાયટીના ઉત્તમ ભાખરને મવડી બોલાવી સસરા, સાળાઓએ ફટકાર્યોઃ ગુપ્તાંગ પર પાટા માર્યા
છ મહિનાથી ઉત્તમની પત્નિ રિસામણે હોઇ સસરાએ ફોન કરી તું અહિ અમારા ઘરે નહિ આવ તો તારી નોકરીના સ્થળે ડખ્ખો કરશું કહી પોતાની ઘરે બોલાવી હુમલો કર્યાનો આક્ષેપઃ એન્જિનીયર તરીકે નોકરી કરતો યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૧: શહેરના પેડક રોડ પર અટલ બિહારી બાજપેયી હોલ સામે ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતાં અને વાવડીની ફાલ્કન કંપનીમાં એન્જિનીયર તરીકે નોકરી કરતાં ઉત્તમ રમેશભાઇ ભાખર (ઉ.વ.૩૦)ને મવડી રામધણ પાસે રહેતાં તેના સસરા દામજીભાઇ ઠુમ્મર તથા બે સાળા મોહિત અને પંકજે પોતાના ઘરે બોલાવી ઢીકાપાટુનો માર મારી ગાળો દઇ તેમજ ગુપ્તાંગ પર આડેધડ પાટા મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
ઉત્તમ ભાખરે જણાવ્યું હતું કે હું એક બહેનથી નાનો છું અને ફાલ્કનમાં એન્જિનીયર તરીકે નોકરી કરુ છું. મારા લગ્ન એક વર્ષ પહેલા મવડીના દામજીભાઇ ઠુમ્મરની દિકરી ધારા સાથે થયા છે. પરંતુ પત્નિ ધારા લગ્ન બાદ છ મહિના મારી સાથે રહી હતી. છેલ્લા છ મહિનાથી તે માવતરે રિસામણે છે. આ કારણે અમારે મનદુઃખ ચાલે છે. મારી પત્નિને હાલ હું જ્યાં રહુ છું તે સ્થળેથી તેના પિતાના ઘર નજીક રહેવા જવું હોઇ તે કારણે અમારી વચ્ચે માથાકુટ થતાં તેણી રિસામણે જતી રહી હતી.
બપોરે હું નોકરીના સ્થળે હતો ત્યારે મારા સસરાએ ફોન કરી વાત કરવા મવડી તેના ઘરે આવવાનું કહેતાં મેં ના પાડતાં મારા સાળાએ ફોનમાં કહેલુ કે તું જો નહિ આવ તો અમે તારી નોકરીના સ્થળે આવશું. આથી હું ગેઇટ પાસ કઢાવી કંપની ખાતેથી સસરાના ઘરે જતાં સસરા અને બે સાળાએ મારી સાથે ગાળાગાળી કરી તું કેમ સમજતો નથી કહી મારકુટ ચાલુ કરી હતી. એક સાળાએ મને પછાડી પગ ખેંચી રાખ્યો હતો અને બીજાએ ગુપ્તાંગ પર પાટા માર્યા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં મને છોડી દેતાં હું મારા પિતા સહિતને ફોન કરી સારવાર માટે દાખલ થયો હતો.
ઉત્તમને સિવિલ હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી હતી
(3:57 PM IST)










