News of Saturday, 11th January 2025
શું દોડયા આવો છો...કહી પીજીવીસીએલના લાઇનમેન પર હુમલો કરી ગડદા પાટુ માર્યા
વિજ કર્મચારી પર હુમલાની સતત બીજી ઘટનાઃ મોરબી રોડ હડાળા પાસે કોઠારીયામાં ડખ્ખો વિજ બીલ ભરવાનું બાકી હોઇ શેઠનગરના ગોપાલભાઇ ડામોર સહિતના કર્મચારીઓ ખોડા દેવાના ઘરે ગયા ત્યારે બાજુમાં રહેતાં પ્રકાશ હાડગરડાએ મારામારી કરતાં સારવાર માટે દાખલ થવું પડયું

રાજકોટ તા. ૧૧: શહેરમાં વીજ કર્મચારી પર હુમલાનો બીજો બનાવ બન્યો છે. પરમ દિવસે આરટીઓ પાછળ શિવમ્ સોસાયટીમાં બાકી વિજ બીલની વસુલાત માટે ગયેલા કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરાયા હતાં. અન્ય એક ઘટનામાં મોરબી રોડ પર આવેલા હડાળા ગામ નજીકના કોઠારીયા ગામે રોણકી સબ ડિવીઝનના પીજીવીસીએલ કર્મચારીઓ બાકી વિજ બીલની વસુલાત માટે એક ઘરે ગયા ત્યારે બાજુમાં રહેતાં શખ્સે શું તમે ડોકા કાઢો છો, શું દોડયા આવો છો? કહી ઝઘડો કરી મારામારી કરી હતી.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર શેઠનગરમાં રહેતાં ગોપાલભાઇ લક્ષમણભાઇ ડામોર (ઉ.વ.૫૨) રોણકી સબ ડિવીઝનમાં લાઇનમેન તરીકે ફરજ બજાવે છે.
તેના કહેવા મુજબ અમે ગઇકાલે બપોર બાદ હડાળાથી આગળ આવેલા કોઠારીયા ગામે ભરવાડવાસમાં ખોડાભાઇ દેવાભાઇના ઘરે બાકી વિજ બીલની વસુલાત માટે ગયા હતાં. આ વખતે તેના ઘરનો દરવાજો બંધ હોઇ બાજુના ઘરની વંડી ઉપરથી ત્યાં નજર કરતાં ત્યાં રહેતાં પ્રકાશ હાડગરડાએ બહાર આવી તમે શું ડોકા કાઢો છો? તેમ કહેતાં અમે તેને ડોકા નથી કાઢતાં આ બાજુવાળાને ત્યાં આવ્યા છીએ અને પીજીવીસએલના કર્મચારી છીએ તેમ કહેતાં તેણે તો અહિ શું દોડયા આવો છો? કહી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
ડખ્ખો થતાં લોકો ભેગા થઇ જતાં અમને છોડાવ્યા હતાં. મને મુંઢ મારને કારણે ઇજા થઇ હોઇ સારવાર માટે દાખલ થવું પડયું હતું. તેમ વધુમાં ગોપાલભાઇએ જણાવ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
(4:28 PM IST)










