તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
વાવડી ઇન્ડસ્ટ્રીયલમાં ભંગારના કારખાનામાં આગ લાગતા ત્રણ મજુરો દાઝયાઃ બે ગંભીર
લોખંડના ભંગારને પ્રેસ કરવા માટેના મશીનની ઓઇલની ટાંકી સળગતા આગ લાગીઃ ફાયર બ્રિગેડે આગ બુઝાવી

રાજકોટ, તા., ૧૧: વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા ઝા એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં મશીનમાં આગ લાગતા ત્રણ મજુરો દાઝી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
મળતી વિગત મુજબ વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સત્ય નારાયણ વે-બ્રીજની પાછળ આવેલા ઝા એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં લોખંડના ભંગારને પ્રેસ કરવા માટેના મશીનની ઓઇલની ટાંકીમાં એકાએક આગ લાગી હતી. કારખાનામાં મશીન પાસે કામ કરતા મજુરોમાં નાસભાગ મચી ગઇ હતી. પ્રેસ મશીન પાસે કામ કરતા બિહારના ઉદયરાજ પ્યારેલાલ યાદવ (ઉ.વ.૪પ) અને મંગલે ભગવાનદાસભાઇ યાદવ (ઉ.વ.૩૦) સહીત ત્રણ મજુરો દાઝી ગયા હતા. જાણ થતા કારખાનાના માલીક ચંદુભાઇ વિજયભાઇ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર બ્રિગેડના લીંડીંગ ફાયરમેન જયપાલસિંહ, ફાયર ઓફીસર અજયભાઇ મકવાણા, અશ્વીનભાઇ, ગૌતમભાઇ તથા સીકંદરભાઇ સહીતે એક ફાયર ફાયટર સાથે તાકીદે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી અને આગમાં દાઝી ગયેલા ત્રણેય મજુરને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. મયુરભાઇ સહીતે સિવિલ હોસ્પીટલે પહોંચી કાર્યવાહી કરી હતી. આગ કેવી રીતે લાગી અને તેમાં થયેલી નુકશાની અંગે તપાસ થઇ રહી છે.
(12:05 PM IST)










