તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
સી.આર.પાટીલ કાલે રાજકોટમાં: પ્રમુખપદ સંદર્ભે રજુઆત કરવા એક જુથ સક્રિય
સાંજે પઃ૩૦ કલાકે આવી પહોંચશેઃ યુનિટી ફાઉન્ડેશન ગીરગંગા ટ્રસ્ટ તથા ઉકાણી પરિવારના પ્રસંગોમાં ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૧૦: પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ કાલે રાજકોટની મુલાકાતે આવવાના છે ત્યારે હાલ શહેર ભાજપ પ્રમુખ પદનું કોકડું ગુંચવાયેલ કોકડામાં બે જૂથો સામસામે આવી ગયા છે. દરમિયાન કાલે રાજકોટની મુલાકાતે આવી રહેલા પાટીલ સમક્ષ અસંતુષ્ટો હૈયાવરાળ ઠાલવે તેવી શકયતા છે.
ફકત એક કલાકના રોકાણ દરમિયાન શ્રી પાટીલ અલગ-અલગ બેથી ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની સંસ્થા યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટના આંગણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીકરીઓને આશિર્વાદ આપવા તેઓ મુલાકાતે આવી રહ્યા છે. કાલે સાંજે તેઓ ૫:૩૦ કલાકે રાજકોટમાં આવશે અને ૬.૩૦ કલાકે નીકળી જશે. હાલ એક કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાં તેઓ રેસકોર્ષ ખાતે યુનિટી ફાઉન્ડેશન આયોજીત સમૂહ લગ્નમાં હાજરી આપશે. આ ઉપરાંત ગીર ગંગા ટ્રસ્ટના હિટાચી મશીનનું પણ લોકાર્પણ કરશે. ખ્યાતનામ ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીની પુત્રીના લગ્ન અવસર પૂર્વે આવતીકાલે રીંગ સેરેમની યોજાવાની છે. જેમાં પણ સી.આર.પાટીલ હાજરી આપે તેવી શકયતા છે.
શહેર ભાજપ પ્રમુખ પદ માટે ૨૯ દાવેદારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. દરમિયાન વર્તમાન પ્રમુખ મુકેશભાઇ દોશીને રિપીટ થતા રોકવા મોટા નેતાઓ એ કમર કસી છે. ગત શનિવારે સંગઠન ચૂંટણી અધિકારી સમક્ષ બળાપો ઠાલવ્યા બાદ પ્રદેશ કક્ષાએ પણ આકરી અને આક્રમક રજૂઆત કરી હતી. અમૂક મોટા નેતાઓએ તો દિલ્હી સુધી વાત મુકી છે.
ત્યારે જોવાનું રહયું કે આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કોઇ મીટીંગ યોજે છે કે નહી. પરંતુ અસંતુષ્ટો જૂથ તેઓની સમક્ષ હૈયાવરાળ ઠાલવવાના મૂડમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રાજકોટની મુલાકાત દરમિયાન પાટીલ અસંતુષ્ટોને લાગણીને સાંભળશે કે નહિં અને પોતાના નિર્ધારિત શિડ્યુલ મુજબ બે થી ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપી નિકળી જશે. તે પણ જોવું જ રહયું.
(4:24 PM IST)










