<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ગોંડલનો રફીક બજરંગવાડીમાં ‘બાગે રહેમત' મકાનમાં છ મહિનાથી બનાવતો'તો નકલી બીડી

શહેર એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજાની ટીમનો દરોડોઃ ૧ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ મુંબઇથી અલગ અલગ બ્રાન્‍ડની બીડીના કાગળો અને લુઝ બીડીઓ મંગાવી અસલીના નામે વેંચાણ કરતો'તો

રાજકોટ તા. ૧૦:  શહેરના બજરંગવાડી શેરી નં. ૧૩માં ‘બાગે રહેમત' નામના મકાનમાં નકલી બીડી બનાવવામાં આવતી હોવાની બાતમી એસઓજીના હરદેવસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલાને મળતાં દરોડો પાડવામાં આવતાં ત્‍યાંથી રૂા. ૧,૦૫,૭૦૦નો મુદ્દામાલ મળી આવ્‍યો હતો. જેમાં ૫૩૦૦ જુડી નકલી બીડી, લીલા રંગના સાબડે બીડી લખેલા મોટા કાગળો, ગુલાબી રંગના બીડીની જૂડી બનાવવાના સાબળેની છાપવાળા કાગળો, સાબળે બીડી લખેલા ગોળ સ્‍ટીકર, શંભાજી બીડી લખેલા ગોળ સ્‍ટીકર, સાબળે વાધીરે બીડીના લંબચોરસ સ્‍ટીકર, પેકીંગ માટે લાકડાનું બોક્‍સ, ગુંદરનો ડબ્‍બો સહિતનો સમાવેશ થાય છે. અહિ મુળ ગોંડલનો રફીક નામનો શખ્‍સ કારીગરો રાખીને નકલી બીડીની જુડી, બંડલો તૈયાર કરતો હતો.

એસઓજીએ પ્રાથમિક પુછતાછ કરતાં રફીકે કહ્યું હતું કે તે લુઝ બીડીનો જથ્‍થો મહારાષ્‍ટ્રથી મંગાવે છે અને બાદમાં આ બીડીની વીસ-વીસ નંગની જુડીઓ તૈયાર કરી તેના બોક્‍સ બનાવી તેના પર અલગ અલગ સાબળે, સાબળે વાધીરે, શંભાજીના સ્‍ટીકરો લગાવી અસલી તરીકે શહેરમાં વેંચે છે. ૧૫ રૂપિયામાં તૈયાર થતી નકલી બીડીની જુડીઓ તે વીસ લેખે વેંચી દેતો હતો. બીડીની જુડી બનાવવાના પ્રિન્‍ટેડ કાગળો તે મુંબઇથી મંગાવતો હોવાનું રટણ કર્યુ હતું. છએક મહિનાથી અહિ રફીકે સગાના ઘરમાં નકલી બીડી બનાવવાનું અને વેંચવાનું ચાલુ કર્યુ હતું.

એસઓજી દ્વારા જે તે બીડીની કંપનીને જાણ કરવામાં આવી હોઇ કંપની તરફથી આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવ્‍યે આગળની કાર્યવાહી થશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, હેડકોનસ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોૈહાણ, હરદેવસિંહ જાડેજા, મરાવીરસિંહ ઝાલા, કોન્‍સ. અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ, કોન્‍સ. મીનાબેન બુસાએ આ કામગીરી કરી હતી.

(3:50 PM IST)