<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

સહકર્મચારીના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્‍ધ સિકયુરીટીમેનને સારવાર અપાવવાના બદલે સિકયુરીટી સર્વિસના સંચાલકે કલાક આમથી તેમ ફેરવ્‍યા !

સારવાર મળે તે પહેલા મારા પતિનું મૃત્‍યુ થયું હોત તો જવાબદાર કોણ ? સિકયુરીટી એજન્‍સીના સંચાલકે ઘટના છુપાવવા શા માટે દબાણ કર્યુ ? : ભોગ બનનાર વૃધ્‍ધના પત્‍નિ જયશ્રીબેને સિકયુરીટી એજન્‍સીના સંચાલક સામે પગલા લેવા પોલીસમાં કરી ફરીયાદ

રાજકોટ, તા., ૧૦: ગઇ તા. ૩ જીના સવારે ગુજરીબજારમાં દેવ કોમ્‍પલેક્ષ ખાતેના પોઇન્‍ટ ઉપર સિકયુરીમેન તરીકે નાઇટમાં  ફરજ બજાવતા ગુણવંતભાઇ શિંગાળા નામના વૃધ્‍ધ ઉપર તેના સહકર્મચારી નરશીભાઇએ ગાળાગાળી કરી માથામાં પાઇપ ફટકારતા ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટનાને છુપાવવા સિકયુરીટી એજન્‍સીના સંચાલક જયપાલભાઇએ સતત એક કલાક પ્રયાસ કરી ઇજાગ્રસ્‍ત ગુણવંતભાઇને એક હોસ્‍પીટલથી બીજી હોસ્‍પીટલ ફેરવ્‍યા હતા. આ દરમિયાન જો ગંભીર રીતે ઘવાયેલા ગુણવંતભાઇનું મૃત્‍યુ થયું હોત તો જવાબદાર કોણ ? તે મુદ્દે તપાસ કરી પગલા લેવા ભોગ બનનાર વૃધ્‍ધના પત્‍નિ જયશ્રીબેન ગુણવંતભાઇ શીંગાળાએ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ અરજી કરી છે.

લેખીત અરજીમાં જણાવાયું છે કે, મારા પતિ સનરાઇઝ સિકયુરીટી એજન્‍સી, શિરોમણી કોમ્‍પલેક્ષ-૩ જો માળ ખાતે સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમને ગુજરીબજારમાં આવેલા દેવ કોમ્‍પલેક્ષમાં રાત્રી ડયુટી સોંપવામાં આવે છે. જયારે આ જ જગ્‍યાએ સવારની શીફટમાં નરશીભાઇ નામના સિકયુરીમેન આવે છે. ગઇ ત્રીજી તારીખે ચાવીની લેતી-દેતી બાબતે નરશીભાઇએ ગાળાગાળી કરી મારા પતિ ગુણવંતભાઇ ઉપર પાઇપથી હુમલો કરતા માથામાં ખાડો પડી ગયો હતો અને લોહીની ધાર વછુટી હતી. આ બારામાં મને ફોન કરી મારા પતિએ જાણ કરતા હું ઘટના સ્‍થળે પહોંચી એ પહેલા સિકયુરીટી એજન્‍સીના સંચાલક જયપાલભાઇ ત્‍યાં પહોંચી ગયા હતા અને મારા પતિને ઇજાગ્રસ્‍ત હાલતમાં શિવ હોસ્‍પીટલ, ગોકુલ હોસ્‍પીટલ, આસ્‍થા હોસ્‍પીટલમાં આમથી તેમ ફેરવ્‍યા હતા. આ દરમિયાન મેં વારંવાર મારા પતિને ફોન કરતા જયપાલભાઇએ ફોન ઉપાડતા તેમને તાત્‍કાલીક સરકારી હોસ્‍પીટલમાં સારવાર માટે ખસેડવા વિનંતી કરી હતી. પરંતુ આમથી તેમ ઇજાગ્રસ્‍ત હાલતમાં જયપાલભાઇ તેમને ફેરવતા રહયા હતા અને રસ્‍તામાં પોલીસ ફરીયાદમાં લપસી ગયાની સ્‍ટોરી કરવા સમજાવતા રહયા હતા. આ બાબત ઘણી ગંભીર છે. એક કલાક દરમિયાન મારા પતિનું સારવારના અભાવે મૃત્‍યુ થયુ હોત તો જવાબદાર કોણ ઠરે ? જયપાલભાઇએ તેમના કર્મચારીને તાત્‍કાલીક સારવાર માટે સિવિલ હોસ્‍પીટલ ખસેડવાના બદલે આમથી તેમ ફેરવ્‍યા શા માટે? આ ઘટના પાછળ તેમનો પણ હાથ હતો ? અમે સિનીયર  સીટીઝન વૃધ્‍ધ દંપતી એકલા  રહીએ છીએ. હું જુદા જુદા ઘરે રસોઇ કરવા જાવ છું અને મારા પતિ નાઇટ શીફટમાં ચોકીદારી કરે છે. આમ અમારૂ ગુજરાન ચલાવીએ છીએ. ત્‍યારે અમારી સાથે જે ઘટના બની તેમાં અમને ન્‍યાય મળે તે માટે હુમલાખોર અને સિકયુરીએજન્‍સીના સંચાલક જયપાલભાઇએ મળીને મારા પતિને પતાવી દેવાનું કાવત્રુ ઘડયું હતું કે શું ? તે અંગે ઉંડી તપાસ કરી પગલા લેવા મારી માંગણી છે તેમ કિશોરસિંહજી મેઇન રોડ ઉપર તીર્થ ગૃહ એપાર્ટમેન્‍ટના બીજા માળે રહેતા જયશ્રીબેન ગુણવંતભાઇ શિંગાળાએ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્‍યું છે.  ઉપરોકત ઘટના અંગે વયોવૃધ્‍ધ દંપતિએ અકિલા કાર્યાલયે પણ રજુઆત કરી હતી.

(3:48 PM IST)