તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
રવિવારે દેશ-વિદેશના પતંગબાજો રાજકોટનું આકાશ સપ્તરંગી પતંગોથી સુશોભિત કરશે
મનપા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે આયોજનઃ તડામાર તૈયારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં સવારે ૯ કલાકે કાર્યક્રમનો પ્રારંભઃ પદાધિકારીઓ અને અધિકારીઓની સ્થળ મુલાકાત

રાજકોટ તા.૯: મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા.૧૨ના રોજ સવારે ૯:૦૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ ખાતે ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫'' યોજાશે. ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫'' અંતર્ગત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂઆત કરવામાં આવેલ હતી. જે પરંપરા મુજબ આ વર્ષે પણ રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ ખાતે તા.૧૨ રવિવારના સવારે ૦૯: ૦૦ કલાકે, ધર્મેન્દ્રસિંહજી કોલેજ(ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ છે.
આ ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫''માં ગ્રીસ, ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ સહિત વિવિધ દેશો તથા ભારતના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના પતંગવીરો ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫''ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫''ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ તા.૦૯/૦૧/૨૦૨૫ ગુરૂવારના રોજ રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક શ્રી મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ નાયબ કમિશનર હર્ષદ પટેલ, આસી.કમિશનર બી.એલ. કથરોટિયા, દિપેન ડોડીયા, સિટી એન્જી.અતુલ રાવલ, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, રોશની વિભાગના સીટી એન્જી. બી.ડી.જીવાણી, મેનેજર કે.બી. ઉનાવા, મનિષ વોરા, એન્કોંચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, ગુજરાત પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ, વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ સાથે પતંગ મહોત્સવ સ્થળની મુલાકાત કરવામાં આવી જેમાં મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એન્ટ્રી પોઈન્ટ, વી.આઈ.પી. ર્પાકિંગ, જનરલ ર્પાકિંગ, પતંગવીરોના સ્ટોલ, ડાયસ કાર્યક્રમ, પ્રેસ મિડીયા વ્યવસ્થા, સલામતી બંદોબસ્ત, સફાઇ વગેરે બાબતોનું રીવ્યું કરવામાં આવ્યું તેમજ અધિકારીઓને તથા વિવિધ કામની એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી અને કાર્યક્રમ ખૂબ સફળ થાય તે મુજબ કામગીરી કરવા જણાવવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫'' નિહાળવા ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે.(૨.૨૦)
(4:25 PM IST)










