તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
શંકાસ્પદ પનીર બનાવતી મીની ફેક્ટરી ઝડપાઇ
એક વર્ષથી હાર્દિક કારીયા ભાડાના મકાનમાં પરપ્રાંતીય માણસો રાખી પનીર બનાવી શહેરભરમાં ૧૫૦થી ૧૮૦નું કિલો લેખે વેંચતો હતોઃ સાધન સામગ્રી કબ્જેઃ ફૂડ વિભાગને જાણ કરી નમુના લેવડાવાયાઃ ૮૦૦ કિલો જેટલુ ભેળસેળીયુ પનીર મળ્યું પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણી, હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ, અનોપસિંહ સહિતનો દરોડો ગાંધીગ્રામ શીતલ પાર્કમાં ગુજરાત ફૂડ્ઝમાં દરોડો પામોલીન તેલ, સ્ફટીક જેવા ફલેક્સ, એસિટીક એસિડ, દૂધનો ઉપયોગ કરી બનાવાતુ હતું પનીર

રાજકોટ તા. ૯: શહેરના ગાંધીગ્રામ શિતલ પાર્કમાં હિમતનગર-૬માં ભાડાના મકાનમાં ગુજરાત ફૂડ્ઝ નામની મીની ફેક્ટરીમાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન થતું હોવાની માહિતી પરથી શહેર એસઓજીએ દરોડો પાડી અંદાજે ૮૦૦ કિલોથી વધુનો શંકાસ્પદ પનીરનો જથ્થો, મશીનરી, પનીર બનાવવાની સામગ્રી કબ્જે કરી ફૂડ વિભાગને જાણ કરી છે. એકાદ વર્ષથી ભાડાના આ મકાનમાં મીની ફેક્ટરી ધમધમતી હતી. જેમાં ભેળસેળીયુ કહી શકાય તેવુ પનીર બનાવી ઓરીજનલ કરતાં સસ્તા ભાવે આખા શહેરમાં છુટક જથ્થાબંધ વેપારીઓ મારફત વેંચવામાં આવતું હતું.
જાણવા મળ્યા મુજબ શહેર એસઓજીને માહિતી મળી હતી કે ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક નજીક હિમતનગર-૬ મેઇન રોડના ખુણે ગુજરાત ફૂડ્સ નામની એક મીની ફેક્ટરી ચાલુ છે અને તેમાં શંકાસ્પદ રીતે પનીર બનાવવામાં આવે છે. આ માહિતી પરથી પીઆઇ સંજયસિંહ જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન. વી. હરીયાણી, હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમ ત્રાટકી હતી. ફેક્ટરીમાં તપાસ કરતાં મશીનરીમાં પનીરનું ઉત્પાદન કરવામાં આવતું જણાયું હતું. આશરે ૮૦૦ કિલો જેટલુ પનીર બનીને તૈયાર હતું તે તથા સાધન સામગ્રી મળી ૧. ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવા કાર્યવાહી થઇ હતી.
ફેક્ટરી સંચાલકે પોતાનું નામ હાર્દિક ઘનશ્યામભાઇ કારીયા જણાવ્યું હતું. તે રાજકોટનો રહેવાસી છે અને એકાદ વર્ષથી તેણે આ મકાન ભાડે રાખી પનીરનું ઉત્પાદન કરી શહેરમાં અલગ અલગ વેપારીઓને છુટક જથ્થાબંધ વેંચાણ કરતો હતો. એસઓજીએ તપાસ કરતાં અહિ દૂધ, પામોલીન તેલ, સફેદ રંગના સ્ફટીક ફલેક્સ, એસિટીક એસિડ સહિતના ઉપયોગથી પનીર બનાવવામાં આવતું હતું.
અસલી ઓરીજીનલ પનીર ૨૪૦થી વધુના કીલો લેખે વેંચાતુ હોય છે. જ્યારે હાર્દિક જે પનીર બનાવતો હતો તે તેને આશરે ૧૩૦માં કિલો લેખે પડતું હતું અને તે ગામમાં ૧૫૦ થી ૧૮૦ કે એથી વધુના ભાવે વેંચાણ કરતો હતો. એકાદ વર્ષથી આ મીની ફેક્ટરી ધમધમતી હતી. એસઓજીએ આ મામલે ફૂડ વિભાગને જાણ કરી પનીરના નમુના લેવડાવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણી સાથે હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ સહિતની ટીમે આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અનુસાર કરી હતી. આગળ તપાસ યથાવત રખાઇ છે. ફેકટરીમાં હાર્દિકે બહારના પ્રાંતના મજૂરોને કામે રાખ્યા હતાં.
(4:13 PM IST)










