તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
જુના ગીતો પરથી નવા ગીતો બનતા ફલેવર ખરાબ થાય છેઃ પાર્થો પ્રતિમ
આજે રાત્રે હેમુગઢવી હોલ ખાતે આર.ડી.ઇવેન્ટસ દ્વારા ડયુઅલ વોઇસ ધરાવતા પાર્થો પ્રિતમ જમાવટ કરશે, આજના કાર્યક્રમમાં પાર્થોજીએ કરેલ અલગ જ મેશઅપ સાંભળવા મળશે, કરાઓકેમાં લાઇવ જેવી મજા નથી આવતીઃ પાર્થો પ્રિતમ, બપ્પી લહેરી, લતાજી-આશાજી, સપના મુખર્જી, ઉષા ઉત્થુપ, સલમા આગાના સદાબહાર ગીતો ગુંજશે

કિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જાણીતા ગાયક પાર્થો પ્રતિમ, આર.ડી.ઇેવેન્ટસના રાકેશભાઇ અને પરેશભાઇ પોપટ તસવીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૯: આજે રાત્રે હેમુગઢવી ઓડિટોરીયમ ખાતે ૯:૩૦ કલાકે કોલકતાના ખુબજ જાણીતા ગાયક પાર્થો પ્રિતમ ફરી રાજકોટવાસીઓને ડોલાવવા આવ્યા છે. આર.ડી.ઇવેન્ટસ દ્વારા આયોજીત આ ડયુઅલ વોઇસ ધરાવતા અદભુત ગાયકને રાજકોટવાસીઓને ફરી માણવાની આજે તક મળશે ત્યારે પાર્થો પ્રિતમ અકિલા ખાતે આવ્યાં હતાં અને વિગતો આપી હતી.
આ પહેલા પણ આર.ડી.ઇવેન્ટસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં આવેલા પાર્થો પ્રિતમે જણાવ્યું હતું કે, રાજકોટમાં જયારે પહેલીવાર આવ્યો ત્યારે થોડો ડરતો હતો પણ અહિંની ઓડીયન્સને જોઇ મારો ડર દુર થઇ ગયો. જો કે ગાયન ક્ષેત્રે હજુ મારે ખુબ આગળ વધવાનું છે. જેના માટે હું હંમેશા તૈયાર છું પણ રાજકોટ જેવી ઓડિયન્સ સામે પર્ફોમ કરવાની ઓર મજા આવે છે.
આર.ડી.ઇવેન્ટના પરેશભાઇ જે ગીતો મને ગાવા મોકલે છે તે ગીતો કાયમ લાઇન પર્ફોમન્સમાં ગવાતા હોતા નથી. જેમકે ગયા વખતે ‘‘માના હો તુમ બેહદ હંસી'' જેવા ગીતો લાઇવ ગાવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. જયારે આજે પણ કંઇક જરા હટકે ગીતો પાર્થોજી આપવાના છે. આજે બપ્પી લહેરી ઉપરાંત, કિશોર કુમાર, લતાજી, આશાજી, ઉષા ઉત્થુપ, શ્રેયા ધોસાલ, સલમા આગા, આર.ડી.બર્મન, સપના મુખર્જી જેવા અનેક કલાકારોના લાજવાબ ગીતો પાર્થો પ્રતિમના કંઠે સાંભળવા મળશે. જેમાં તેઓ ખાસ રાજકોટીઓ માટે ૪ થી પ ગીતોનું મેશઅપ રજુ કરવાના છે જે તેઓ પ્રથમવાર અહિંની ઓડિયન્સ માટે લાઇન રજુ કરશે જે તેમણે ખાસ તૈયાર કર્યુ છે.
આજકાલ અનપ્લગ્ડ ગીતો ચાલે છે એ વિશે પાર્થોજીએ જણાવ્યું હતુ કે, અનપ્લગ્ડ ગીતો કેટલાક સમય માટે સારા લાગે છે. જયારે ઓરીજીનલ ગાવાની મજા જ કંઇક ઓર છે. જોકે મને રીમીકસ ગીતો પણ પસંદ નથી. મારૂ માનવું છે કે અમે કલાકાર જયારે સ્ટેજ પર ચડીએ ત્યારે ગીતોમાં કંઇક નવું હોવાની કોશીશ કરીએ છીએ જેથી એક જેવું ન લાગે ગાયકી હોય, ગીતો હોય, પર્ફોમન્સ હોય તેમાં એક કલાકારે પોતાની ક્રિએટીવીટી એટલેકે મસાલા નાંખવા પડે છે. કેમકે જે ગીત બને છે તે રેકોર્ડીગ માટે બને છે. જો લાઇવ પર્ફોમન્સ મસાલા ન નાંખો તો પર્ફોમન્સ ચટાકેદાર નથી બનતું.
પાર્થો પ્રિતમ કહે છે, આજે કોઇ નવા ગીતો બનતા જ નથી જયાં પણ સાંભળો જુના ગીતોને ખેંચી નવું બનાવાય છે જે મને પસંદ નથી. આનાથી ગીતોની ફલેવર ખરાબ થઇ જાય છે.
તમે ડયુઅલ વોઇસમાં ગાવ છો જયારે પુરૂષ અનેસ્ત્રીનો ગાવાનો સ્કેલ (સુર) અલગ હોય છે. તો તમને તકલીફ નથી પડતી? પાર્થો પ્રિતમ કહે છે, દરેક કલાકારનો પોતાનો સ્કેલ હોય છે. હું ૮ વર્ષનો હતો ત્યારથી લઇ બંને અવાજમાં ગીતો ગાઉં છું. જેના માટે વોકલ એકસરસાઇઝ અને ખાન-પાનમાં પરેજી પણ રાખું છું.
કરાઓકે વિશે પુછતા પાર્થોજીએ કહયું કે, કરાઓકેમાં ગાવામાં જાન નથી એટલેકે કરાઓકેમાં ગાવુ મને જાનદાર નથી લાગતું કારણ લાઇવ પર્ફોમન્સમાં કલાકારો કંઇક નવું આપવાની તક મળે છે. ઓડિયન્સ સાથે આત્મીયતા સ્થપાય છે. જયારે કરાઓકેમાં લાઇવ જેવી મને મજા નથી આવતી.
પાર્થો પ્રતિમ જયારે પણ સ્ટેજ પર ગાઇ ત્યારે ભગવાનની તસવીર સાથે કાયમ રાખે છે. તેમને ૧૦૦૦ જેટલા બંગાળી અને હિન્દી અને ફોક ગીતોના લીરીકસ મોઢે છે. આજે આર.ડી.ઇવેન્ટના કાર્યક્રમમાં ૩૧ ગીતોનો ગુલદસ્તો રજુ થવાનો છે. જેમાં એક થી એક ચઢિયાતા લાજવાબ ગીતો માણવા મળશે. આ કાર્યક્રમ ચુકવા જેવો નથી. અકિલા ખાતે પાર્થો પ્રતિમ સાથે આર.ડી.ઇવેન્ટના રાકેશભાઇ અને પરેશભાઇ પોપટ ખાસ હાજર રહયાં હતાં. કાર્યક્રમની ટીકીટ અને વધુ વિગત માટે ૯૭ર૪૪ ૮૧૦૧૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
ટુંક સમયમાં પાર્થો પ્રતિમના કંઠે સાંભળવા મળશે માતાજીના સંસ્કૃત શ્લોક
આજે રાજકોટ આવેલા કોલકતાના પાર્થો પ્રતિમ બંગાળી અને હિન્દીમાં ખુબ સારા ગીતો તો ગાય જ છે પણ હવે ટુંક સમયમાં પાર્થો પ્રતિમના કંઠે માતાજીના સંસ્કૃતના શ્લોકો પણ સાંભળવા મળશે. પરેશભાઇ પોપટે જણાવ્યું હતું કે અમે પાર્થોજી પાસે માતાજીના સંસ્કૃત શ્લોકનું ટુંક સમયમાં રેકોર્ડીગ કરાવશું જેમાં ત્રણ મીનીટના શ્લોકોને અનોખી રીતે રજુ કરાશે જેમાં કંઠ પાર્થો પ્રતિમનો રહેશે.
રાજકોટના લોકો ગીતોને સમજે છે...
પાર્થો પ્રતિમે જણાવ્યું હતું કે, રાજકોટની ઓડિયન્સ ગીતો સમજીને સાંભળે છે. માત્ર સાંભળતા જ નથી કલાકારની સાથે ગીતો ગાય પણ છે. રાજકોટની સમજદાર ઓડીયન્સ સામે ગાવું એક ચેલેન્જ છે. ઓડિયન્સ આવીજ હોવી જોઇએ જેથી કલાકારોને પર્ફોમ કરવાની મજા આવે નહીંતર કલાકારના પર્ફોમન્સનો કોઇ મતલબ જ નથી. રાજકોટમાં દરેક કલાકારને મોજ પડે છે. ગયા વખતે એક ભાઇ કાર્યક્રમ પુરો થયા પછી મારી પાસે આવેલા અને કહયું હતુ કે તમે એક ગીતમાં લીરીકસ ખોટા ગાયા. ત્યારે મને રીતસર ધકકો લાગ્યો હતો. આ એક સારી વાત છે કારણ કલાકાર અહીં પર્ફોમ કરતા વધુ સચેત થઇ જાય છે. કોઇ તમને ભુલ પકડાવે તે કલાકારો માટે ખુબ સારી વાત છે જે રાજકોટમાં શકય બન્યું છે.
(4:23 PM IST)










