તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
જંકશન રેલ્વે પોલીસ સ્ટેશનના ઇન્વે-કોર્ટ ડયુટી રૂમમાં હેડકોન્સ. દશરથસિંહ ગઢવીનું મોતઃ હાર્ટએટેકની શક્યતા
રાતે આઠથી સવારના આઠ સુધીની નોકરી પર હતાં: સવારે બેભાન મળતાં ૧૦૮ને જાણ કરાઇઃ પણ મૃત જાહેર કરાયાઃ અમદાવાદથી થોડા સમય પહેલા જ બદલી થઇ હતીઃ મોતનું કારણ જાણવા વિસેરા લેવાયા

રાજકોટ તા. ૯: શહેરના જંકશન રેલ્વે સ્ટેશન ખાતે આવેલા રેલ્વે પોલીસ સ્ટેશન ઇન્વે/કોર્ટ ડયુટી રૂમ ખાતે રાત્રીના ફરજમાં રહેલા હેડકોન્સ્ટેબલનું ચાલુ ફરજે બેભાન થઇ જતાં મૃત્યુ થતાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મુળ મોરબીના અજનાળી ગામના વતની હેડકોન્સ. દશરથસિંહ લાલુભા ગઢવી (ઉ.વ.૪૦) સવારે રેલ્વે પોલીસ સ્ટેશનના ઇન્વે/કોર્ટ ડયુટી રૂમ ખાતે બેભાન થઇ જતાં ૧૦૮ને જાણ કરવામાં આવતાં તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે રેલ્વે પોલીસ સ્ટેશન ઓફિસર પ્રભાબેને જાણ કરતાં પીએસઆઇ બી. પી. વેગડાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. બનાવને પગલે રેલ્વે પોલીસ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી.
મૃત્યુ પામનાર દશરથસિંહ ગઢવીની રાતના આઠથી સવારના આઠ સુધીની નોકરી હતી. એ દરમિયાન વહેલી સવારે પોણા સાત પછી તેઓ બેભાન થઇ ગયા હતાં અને મૃત્યુ થયું હતું. તે બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનાં એક પુત્ર છે. અગાઉ અમદાવાદ ખાતે ફરજ બજાવતાં હતાં. અઢી મહિના પહેલા જ અહિ રાજકોટ બદલી થઇ હતી. મૃત્યુ હાર્ટએટેકથી થયાની શક્યતા છે. જો કે તબિબે મોતનું ચોક્કસ કારણ જાણવા વિસેરા લઇ લેબોરેટરીમાં મોકલ્યા છે.
(3:01 PM IST)










