તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th January 2025
કટારીયા ચોકડીએ ૧૬૭ કરોડનો બ્રીજ સહિત શહેરના ર૧૬ કરોડના કામો મંજૂર
વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક, રસ્તા, ગટર, પાણીની લાઇનમાં કામો કરવા સ્ટેન્ડીંગમાં નિર્ણય

મંજુર...મંજુર...મંજુર...: મ્યુનિ. કોર્પોરેશનની આજે સવારે મળેલ સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમાં ૬૭ દરખાસ્તોના ર૧૬ કરોડ વિવિધ વિકાસ કામો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં સ્ટે. કમીટી ચેરમેન જયમીન ઠાકર, સભ્ય નરેન્દ્રસિંહ વાઘેલા, હાર્દિક ગોહેલ, બીપીન બેરા, નેહલ શુકલ, દેવાંગ માંકડ, જયોત્સનાબેન ટીલાળા, વર્ષાબેન રાણપરા, ભારતીબેન પરસાણા તથા રચીતાબેન જોષી તેમજ ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, ડેપ્યુટી સેક્રેટરી હરિશ રૂપારેલીયા અને અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૭ :.. શહેરના ગૌરવ પંથ એવા કાલાવડ રોડ પર કટારીયા ચોકડીએ આધુનિક ફલાય ઓવર કેબલ બ્રીજ અને રીંગ રોડના રસ્તે અંડર બ્રીઝ કુલ ૧૬૭ કરોડના ખર્ચે બનાવવા તથા વિવિધ વિસ્તારમાં પેવિંગ બ્લોક, રસ્તા કામ, મેટલીંગ, ભુગર્ભ ગટર, પાણીની લાઇન સહિત કુલ રૂા. ર૧૬ કરોડના વિકાસ કામોને મંજૂરીની મ્હોર લગાવવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટી મીટીંગ આજે સવારે ૧૧ વાગ્યે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે સ્ટેન્ડીંગ કમીટી કોન્ફરન્સ રૂમમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મળી હતી. આ મીટીંગમાં વિવિધ વિકાસ કામોની ૬૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યા છે.
એકસ્ટ્રા ડોઝ કેબલ
બ્રિજ- અંડર બ્રિજ
લગભગ બે મહિના બાદ સ્થાયી સમિતિની મીટીંગમાં રાબેતા મુજબના વિકાસ કામો મંજૂર થયા છે.
છેલ્લી મીટીંગમાં તો માત્ર આરોગ્ય સહાય જેવા ઠરાવ થયા હતા.
કાલાવડ રોડ પર હવે ટ્રાફિક પરિવહન માટે ભારણ હેઠળ આવતા જતા કટારીયા ચોક પર બ્રીજની તાતી જરૂરીયાત પૂરી કરવા આ ચોકમાં રાજકોટના સૌપ્રથમ એકસ્ટ્રા ડોઝ કેબલ ૧૬૭.ર૪ કરોડનો ખર્ચ થશે.
૮.પ + ૮.૫ મીટર પહોળાઇમાં અંડરપાસ બનશે. ૯.૩૦ની પહોળાઇમાં સર્વિસ રોડ અને ફુટપાથ સામેલ છે.
આ બ્રીજનો રસ્તો થોડો પહોળો થશે. ફુટપાથની જરૂર બ્રીજ પર લાગી નથી. આથી માત્ર ફલાવર બેડ રાખીને ફુટપાથની જગ્યા રસ્તા પર ઉમેરવામાં આવી છે. આ ડિઝાઇન બનતી વખતે જ બ્રીજ નીચે ગેમ ઝોનનું આયોજન સામેલ કરી દેવાયાનું છે.
કટારીયા ચોકડીએ ફલાય ઓવરની કુલ લંબાઇ પોણો કિ.મી.થી વધુ એટલે કે ૮૦૦ મીટર છે. તો તેની પહોળાઇ ફુટપાથ સહિત ર૪ મીટરની રાખવામાં આવી છે. ડિઝાઇનમાં પ્લાન્ટેશન પણ છે. મધ્ય ભાગ ૧૬૦ મીટરનો છે. આ બ્રીજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્મો પ્લેકસ પાસે પૂરો થશે. આ બ્રીજ હેઠળ ગેમ ઝોન બનાવવાનું પણ મહાપાલિકાનું આયોજન છે.
રીંગ રોડની દિશામાં બનનારા અંડરપાસની લંબાઇ ૬૦૦ મીટર અને પહોળાઇ ૧૮ મીટર છે. અંડરબ્રીજ હાલના ઘંટેશ્વર સાઇડના પુલ તરફથી શરૂ થશે અને રંગોલી આવાસના ૧૮ મીટરના ટીપી રોડ (ગોંડલ રોડ) તરફ પુરો થશે. આ કામ અપાય એટલે ૩૦ મહિનામાં પુરૂ કરવાનું આયોજન મહાપાલિકાએ કર્યુ છે.
પ્રથમ વખત ફલાય બ્રિજ નીચે રમત-ગમત સુવિધા
રાજકોટમાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રીએ રમત-ગમત ઙ્કવળત્તિના વિકાસ માટે ઓલિમ્પિક કક્ષાના ખેલ મહોત્સવ યોજવા તૈયારી દર્શાવી છે ત્યારે રાજકોટની રમત-ગમતપ્રેમી જનતા અને ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓને આનંદ થાય તેવું મનપા દ્વારા આયોજન વોર્ડ નં.૮માં કાલાવડ રોડ પર કેકેવી ચોકના મલ્ટીલેવલ બ્રીજ નીચે પરીમલ સ્કુલ સામે ઇન્ડોર ગેમ્સ, બોકસ ક્રિકેટ, પીકલ બોલ, સ્કેટેમાં જુદી જુદી ચાર સ્પોર્ટસ સુવિધા ઉભી કરવા આયોજન કરાયું છે. બ્રીજ નીચેના ભાગમાં ઇન્ડોર ગેમ્સ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા ૧૦.૮૯ ટકા ઓછા ભાવ આવતા ૩૬.૪૯ લાખના ખર્ચે આ સુવિધા ઉભી કરવામાં આવશે. ૧૪ ×૧૦.૫ મીટરની સાઇઝમાં બંને તરફ ૧૮ ફુટ ઉંચી સેફટી ગ્રીલ બંધાશે. ૧૧૪ ચો.મીટરમાં પાથ-વે ઉભો કરવામાં આવશે.
૪.૯૮ કરોડના ખર્ચે
પેવિંગ બ્લોક
શહેરના વોર્ડ નં. ૮, ૯, ૧ર, ૧૧, ૧૪ નાં વિવિધ વિસ્તારોમાં રૂા. ૪.૯૮ કરોડના ખર્ચ પેવિંગ બ્લોક નાંખવાના છે.
ગ્રાન્ટની માંગણી
સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર નિયંત્રણ માટેની દરખાસ્ત સરકારમાં કરવામાં આવશે. ઢોરનો ત્રાસ દુર કરવા સરકારના માર્ગદર્શન હેઠળ નવી નીતિ અમલમાં આવી છે. આ અંતર્ગતની કામગીરી માટે ૧૧ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે.
આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ મીટીંગમાં શહેરના મુખ્ય અને શેરી-ગલીઓના રસ્તા પર ૧.૦૧ લાખના ખર્ચે થર્મોપ્લાસ્ટના પટ્ટા મારવા, વોર્ડ નં. ૪ માં નાકરાવાડી, લેન્ડફીલ સાઇટ ખાતે પાણીનો ટાંકો, ૬૬.૯૪ લાખના ખર્ચે લીમડા ચોક પાસે મધ્યાહન ભોજન ૧૪.૭પ લાખના ખર્ચે તથા કોઠારીયા વિસ્તારમાં આવેલ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ફર્નીચર ૬૩.૩૦ લાખના ખર્ચે સહિત કુલ ૧.૪૯ કરોડના ખર્ચે બિલ્ડીંગ કામ તથા નવીનીકરણ થશે. (પ-રર)

(2:57 PM IST)










