News of Friday, 3rd January 2025
નાના મવા વિસ્તારના વિકાસના દ્વાર ખુલશેઃ ટી. પી. ર૦ ફાઇનલઃ મંજૂરી
સંબંધિત વ્યકિત ૩૦ દિવસમાં નગર રચના યોજના, આર. એમ. સી. મલ્ટી એકિટવિટી સેન્ટર, પ્રથમ માળ, નાનામવા સર્કલ ખાતે વાંધા અરજી કરી શકશે

રાજકોટ તા. ૩ :.. રાજકોટ શહેરનો વ્યાપ વધતાની સાથે નવા ભળતા વિસ્તારોમાં આવેલ ટીપી સ્કીમોના ડ્રાફટ તૈયાર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ વર્ષોથી બાકી રહી ગયેલી અનેક ટીપી સ્કીમોનો મુસદો જાહેર કરવામાં આવી રહ્યો છે. જેમાં વધુ એક ટીપી સ્કીમન ફાઇનલ કરવામાં આવી છે.
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નગર રચના યોજના નં. ૨૦ નાનામૌવાની આખરી યોજના જાહેર કરવામાં આવી છે. અને ૩૦ દિવસમાં નિર્ણય સામે અમલ કરવામાં આવશે.
રાજકોટના નગર રચના યોજનાના નગર નિયોજક-૨ અધિકારીશ્રી દ્વારા નગર રચના યોજના નં-૨૦ નાનામવાની આખરી યોજના અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. જે અન્વયે નિયોનુસાર જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો મુજબ, નગર રચના યોજના નં-૨૦ (નાનામવા)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી છે.
આ નિર્ણયોથી અસંતોષ થયો હોય તેવી હિતસંબંધ ધરાવતી વ્યક્તિ-માલિકોને નિર્ણયોના ઉતારાની નકલ મળ્યેથી એક માસની અંદર, અપીલપાત્ર નિર્ણયોની સામે રાજ્યકક્ષાના બોર્ડ ઓફ અપીલના પ્રમુખશ્રી, બોર્ડ ઓફ અપીલની કચેરી, (સી/ઓ, મુખ્ય નગર નિયોજકશ્રીની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ચ-૩, ક્રોસ રોડ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર)ને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ મેમોરેન્ડમની મૂળ નકલ ઉપર લગાવી ત્રણ નકલમાં લેખિત અપીલ અરજી કરી શકશે.
ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૩ મુજબ, ન.ર.યો.ના કેટલાક નિર્ણયો છેવટના છે, જ્યારે કલમ-૫૪ મુજબ કેટલાક નિર્ણયો કલમ-૫૫ મુજબ રચાતા અપીલ બોર્ડ સમક્ષ અપીલને પાત્ર છે. તૈયાર આખરી નગર રચના યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નિરિક્ષણ માટે, નગર રચના અધિકારી અને નગર નિયોજક -૨, રાજકોટ નગર રચના યોજના, આર.એમ. સી. મલ્ટીએક્ટિવિટી સેન્ટર, પ્રથમ માળ, નાના મવા સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે, તેમ નગર નિયોજક -૨ શ્રી એચ.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.
(4:01 PM IST)










