તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
હોટલમાં નકલી પોલીસ બની યુવાન પાસે રૂા.૩૧ હજાર પડાવનાર મિહિર કુગસીયા પકડાયો
એ-ડીવીઝન પોલીસના એ.એસ.આઇ. એમ.વી. બુવા તથા હેડકોન્સ ધારાભાઇ વાનરીયાની બાતમીઃ વીડીયો વાયરલ થતા ગોંડલ રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા.૩: શહેરના એસ.ટી. બસ સ્ટેશનની પાછળ આવેલી એક હોટલમાં એક યુવાનને પોલીસ હોવાની ખોટી ઓળખ આપી તેમ ગેર પ્રવૃતિ કરવા માટે ગયા છો તો તમને પોલીસ સ્ટેશને લઇ જઇ ગુન્હો દાખલ કરી બદનામ કરવાની ધમકી આપી રૂા. ૩૧ હજાર પડાવી લેનારા પોપટપરાના શખ્સને એ-ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ગુજરીબજાર વિસ્તારમાં કોઠારિયા નાકા પાસે શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતા બંગાળી કારીગર મુરારી મોહન શત્રુઘનભાઇ દાસ (ઉ.વ.૪૪) ગત તા. ૩૦ ના રોજ સાંજે એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ આવેલી એક હોટલમાં મહિલા મીત્ર સાથે ગયા હતા. હોટલમાંથી બહાર નીકળતા જ આરોપીએ તેને અને તેની મહિલામીત્રને અટકાવી પોતાની ક્રાઇમ બ્રાંચના માણસ તરીકે ઓળખ આપી કહ્યું કે તમે હોટલમાં કયા કામથી આવ્યા છો તેમને ખબર છે. તેમ ગેરપ્રવૃતિ કરવા આવ્યા છો, તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે, તમારા વિરૂધ્ધ ગુનો દાખલ થશે તેમ કરી ડરાવી ધમકાવ્યો હતો. મુરારીમોહન ડરી જતા તેણે સાહેબ અહી જ પતાવોને તેમ કહેતા તેની પાસેથી તે શખ્સે રૂા. ૧૨ હજાર રોકડા અને ૧૯ હાજર એટીએમ માંથી કઢાવી લઇ કુલ રૂા. ૩૧ હજાર પડાવી લીધા હતા. આ બનાવનો સોશિયલ મીડીયામાં વીડીયો વાયરલ થતા એ-ડીવીઝન પોલીસ મથક પી.આઇ.આર.જી. બારોટ તથા એ.એસ.આઇ. એમ.વી. લુવા સહિતના સ્ટાફે યુવાનની ફરિયાદ દાખલ કરી હોટલના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આ શખ્સ પોપટપરા રામજી મંદિર પાસે રહેતો મિહિર ભાનુભાઇ કુગસીયા હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન આ શખ્સ ગોંડલ રોડ પર હોવાની એ.એસ.આઇ. એમ.વી.લુવા અને હેડ કોન્સ ધારાભાઇ વાનરીયાને બાતમી મળતા મિહિર ભાનુભાઇ કુગસીયા (ઉ.વ. ૨૨) ને સુર્યકાંત હોટલ પાસેથી ઝડપી લીધો હતો. મિહિર કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે મોજશોખ અને રોફ જમાવવા માટે આ કૃત્ય કર્યુ હોવાનું રટણ કરી રહ્યો છે. આ કામગીરી પી.આઇ.આર.જી. બારોટના માર્ગદર્શન હેઠઇ પી.એસ.આઇ. કે.એમ.વડનગરા, એ.એસ.આઇ એમ.વી. લુવા, બી.વી. ગોહિલ, હેડ. કોન્સ. ધારાભાઇ ગઢવી, કલ્પેશભાઇ બોરીયા, અજયભાઇ બસીયા, કોન્સ સંજયભાઇ ચોૈહાણ, યોગેશભાઇ મકવાણા, ધવલભાઇ જીલડીયા દ્વારા કરવામાં આવી હતી.
(3:42 PM IST)










