<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

સ્‍કુલ લીવીંગ સર્ટી.ના આધારે સર્વિસ બુકમાં જન્‍મ-મરણના પ્રમાણપત્રો બદલી શકાય નહિ

રાજકોટ ઔદ્યોગીક અદાલતે આપેલ મહત્‍વનો ચુકાદો

રાજકોટ ઔદ્યોગીક અદાલતે આપેલ મહત્‍વનો ચુકાદોરાજકોટ, તા., ૩ : સ્‍કુલ લીવીંગ સર્ટીફીકેટના આધારે સર્વીસ બુકમાં દાખલ થયેલ જન્‍મ તારીખ જન્‍મ અને મરણના પ્રમાણપત્રના આધારે બદલી શકાય નહીં. તેવો ઔદ્યોગિક અદાલત રાજકોટે સીમાચીન્‍હરૂપી ચુકાદો આપેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે સુરેન્‍દ્રનગર જેટકો સર્કલના વઢવાણ ખાતેના ૬૬ કે.વી. સબ સ્‍ટેશનમાં એસ.બી.ઓ. તરીકે ફરજ બજાવતા શ્રી કન્‍ડીયા અલકામા મુસાભાઈની સંસ્‍થા દ્વારા સર્વીસ બુકમાં રજીસ્‍ટર કરવામાં આવેલ જન્‍મ તારીખ ૦૯/૦૬/૧૯૬૩ ના સ્‍થાને મુળ જન્‍મના દાખલામાં જે તે તારીખે રજીસ્‍ટર થયેલ જન્‍મ તારીખ ૧૮/૦૮/૧૯૬૪ ગણી તે મુજબના નોકરીના સમયગાળાના તમામ લાભા લાભો ચુકવી આપવા ઔદ્યોગિક અદાલત રાજકોટ સમક્ષ વિવાદ ઉપસ્‍થિત  કરેલ હતો.

જેટકો  સુરેન્‍દ્રનગર તરફે  પેનલ એડવોકેટ એ.એસ. ગોગિયા દ્વારા કેસમા પડેલ મૈખિક તેમજ દસ્‍તાવેજી પુરાવાને આધારે દલીલ કરતા જણાવેલ કે, સંલગ્ન કામદારે સને ૧૯૯૧માં સંસ્‍થામાં ભરતી થતા સમયે અરજી કરેલ પ્રમાણપત્રના આધારે સર્વીસ રેકર્ડ નોંધ થયેલ છે અને ઘણા વિલંબ પછી ખોટી હકીકતો ઉપસ્‍થિત કરી જન્‍મ તારીખમાં સુધારો કરાવી અરજી આપતા સને ૧૯૯૮ ના પરિપત્ર આધાર રાખી સંલગ્ન કામદારે ૨ વર્ષ પૂર્ણ કર્યા પછી તારીખમાં સુધારા માટે અરજી આપેલ હોય તેવો સુધારો થઈ શકે નહી આમ ૨૮ વર્ષના લાંબા વિલંબ બાદ વિવાદ ઉપસ્‍થિત કરેલ હોય જેથી પ્રથમ દ્રષ્ટિએ કેસ રદ થવાને પાત્ર છે.

ઔદ્યોગિક અદાલતના ન્‍યાયાધીશશ્રી એમ.એ. ટેલર દ્વારા બંને પક્ષોની દલીલો તેમજ કેસમા પડેલ પુરાવો તથા સંસ્‍થા તરફે દલીલોના સમર્થનમાં નામદાર સર્વોચ્‍ચ અદાલત તથા ઉચ્‍ચ અદાલતના જુદા-જુદા ચુકાદાઓનો કલેકટર ઓફ મદ્રાસ વિ, કે,રાજામનિકકમ તથા ગવર્મેન્‍ટ ઓફ આંધ્રપ્રદેશ વિ. એમ. હયાગીવાના ચુકાદામા સ્‍થાપિત સિધ્‍ધાંત મુજબ સર્વીસ રેકર્ડમાં સેકેન્‍ડરી સ્‍કુલ લીવીંગ સર્ટીફીકેટના આધારે નોંધાયેલ જન્‍મ તારીખમાં વિલંબથી જન્‍મ મરણ રજીસ્‍ટરના આધારે સુધારો થઈ શકે નહીં તેમ ઠરાવેલ છે. આ કેસમા રજુ થયેલ સર્વીસ બુક ધ્‍યાને લેતાં, કર્મચારીની જન્‍મ તારીખની નોંધ સ્‍કુલ લીવીંગ સર્ટીફીકેટના આધારે દાખલ કર્યાનો જણાય આવે છે. અને તે રીતે સંલગ્ન કામદારે ઘણા વિલંબ બાદ હાલની તકરાર ઉપસ્‍થિત કરેલાનુ સ્‍પષ્ટ જણાય આવે છે.

સંસ્‍થાએ નોકરીની શરતો સંદર્ભે નીયમો પરિપત્રો એકઝીકયુટીવ ઓર્ડર અને પોલીસી ડીસીઝનના આધારે જન્‍મ તારીખના સુધારા અંગે સમય મર્યાદા નકકી કરી શકે છે. અને તેવી સમય મર્યાદા બાદ સુધારો મંજુર થઈ શકે નહી તેમજ જો તેવી સમય મર્યાદા નકકી થયેલ ન હોય તો પણ લાંબા ગાળા બાદ જન્‍મ તારીખમાં સુધારો કરી શકાય નહી તેવુ એકંદરે ઠરાવેલ હોય જેથી શ્રમયોગીનો જન્‍મતારીખ સુધારો કરવાનો કેસ રદ કરતો હુકમ કરેલ.

જેટકો સુરેન્‍દ્રનગરતરફે એસ.બી. ગોગિયા લો-ફર્મ રાજકોટના વિદ્વાન ધારાશાષાીઓ શ્રી અનિલ એસ.ગોગિયા, શ્રી પ્રકાશ એસ. ગોગિયા (ગુજ.હાઈકોર્ટ), સીન્‍ધુબેન ગોગિયા, રોહન પી. ગોગિયા રોકાયેલ હતા.(૪.૩૩)

(3:36 PM IST)