તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
ગાંધી સોસાયટીમાં વ્હોરા વેપારીના ઘરમાં મહારાષ્ટ્ર-કર્ણાટકના બંટી-બબલીએ કરી'તી ચોરીઃ ૧૭.૫૫ લાખની મત્તા સાથે ઝડપાયા
તસ્કર અજીત ધનગર ઉપર મહારાષ્ટ્ર-કર્ણાટકમાં ચોરીના ૨૮ ગુનાઃ જેલની હવા પણ ખાઇ ચુક્યો છેઃ પ્રેમિકા સાથે મળી જે તે શહેરમાં જઇ ગેસ્ટહાઉસ-હોટેલમાં રોકાતોઃ સવારે બંધ મકાનની રેકી કરી રાતે ચોરી કરતોઃ જામનગર રોડ પર મંદિર અને મકાનની અન્ય બે ચોરીની પણ કબુલાત આપી ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમને સફળતા

રાજકોટ તા. ૩: શહેરના જામનગર રોડ પર ગાંધી સોસાયટીમાં રહેતાં અને લાતી પ્લોટમાં રાજ ટીમ્બર નામે લાતી ધરાવતાં ખોજેમભાઇ ફીદાહુશેન ભારમલ નામના વ્હોરા વેપારીના બંધ મકાનમાં ત્રણ દિવસ પહેલા થયેલી સાડા તેર લાખની ચોરીના ગુનાનો ભેદ ડીસીપી ઝોન-૨ની એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી નાંખી મહારાષ્ટ્રમાં રહેતાં અને મહારાષ્ટ્ર-કર્ણાટકની ૨૮ ચોરીઓમાં સંડોવાઇ ચુકેલા રીઢા તસ્કર અને કર્ણાટકની તેની લવર-પ્રેમિકાને દબોચી લઇ રોકડ દાગીના મળી રૂા. ૧૭,૫૫,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બંને કોઇપણ શહેરમાં જઇ હોટેલમાં રોકાણ છે અને દિવસના સમયે રિક્ષા મારફત અલગ અલગ વિસ્તારમાં જઇ બંધ મકાનની રેકી કરી રાતે ચોરી કરવાની આદત ધરાવે છે. ગાંધી સોસાયટીમાં ચોરી કરી એ પહેલા જામનગર રોડ પર મંદિરમાંથી દાનેપટી તોડી તેમજ અન્ય એક બંધ મકાનમાથી પણ રોકડની ચોરી કર્યાનું કબુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ માધાપર ચોકડી પાસે આવેલી ગાંધી સોસાયટીમાં રહેતાં લાકડાના વેપારી પરિવાર સાથે વિએતનામ ફરવા ગયા હોઇ તેમનું મકાન પંદરેક દિવસ બંધ હતું. મંગળવારે સવારે તેઓ ઘરે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ સાથે એલસીબી ઝોન-૨ ટીમે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. એક શકમંદ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ભેદ ઉકેલવા ટીમો કામે લાગી હતી એ દરમિયાન પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મમાધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ જવાના રસ્તે પૂલ પાસે ઉભો છે અને તેની પાસે દાગીના તથા રોકડ અને વિદેશી કરન્સી છે.
આ માહિતીને આધારે ટીમે ત્યાં પહોંચી રાઉન્ડઅપ કરી તલાસી લેતાં રોકડ-દાગીના સહિતની માલમત્તા મળી આવી હતી. પુછતાછ કરતાં પોતાનું નામ અજીત શિવરાય ધનગર (ઉ.વ.૩૪-રહે. હલકરણી શ્રીબિરાપ્પા મંદિર, બસ સ્ટેશન પાસે તા. ગડહિગ્લજ જી. કોલ્હાપુર મહારાષ્ટ્ર) જણાવ્યું હતું. પહેલા તો તેણે દાગીના રોકડ પોતાના હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી અંતે તેણે ગાંધી સોસાયટીની ચોરી કબુલી હતી.
વિશેષ પુછતાછ થતાં પોતાની સાથે પોતાની પ્રેમિકા નિગમ્મા ટીપન્ના એમેટી (ઉ.વ.૩૦-રહે. દસનાપુરા હોબલી, બેંગ્લોર નોર્થ, અલુર, હેગડાદેવનાપુર કર્ણાટક) પણ સામેલ હોવાનું કબુલતાં તેણીને પણ પોલીસે સકંજામાં લીધી હતી. આ બંને તેના વતનમાંથી રાજકોટ થોડા દિવસ પહેલા આવ્યા હતાં અને હોટેલમાં રોકાયા હતાં. બાદમાં દિવસના સમયે રેકી કરવા માટે રિક્ષા મારફત નીકળ્યા હતાં. જે તે વિસ્તાર નજીક રોડ પર રિક્ષામાંથી ઉતરી સોસાયટી મહોલ્લામાં જતાં હતાં. એ દરમિયાન તેની નજર ગાંધી સોસાયટીના વ્હોરા વેપારીના બંધ મકાન પર પડી હતી. અહિ રાતે અજીત એકલો ત્રાટક્યો હતો, જે તે વખતે પ્રેમિકા ગેસ્ટહાઉસમાં રોકાઇ હતી.
અજીતે મકાનની પાછળના ભાગનો દરવાજો લોખંડના સળીયા, ડીસમીસથી તોડી અંદર ઘુસી કબાટના લોક તોડી સોના ચાંદીના દાગીના, રોકડ, વિદેશી કરન્સીની ચોરી કરી હતી અને ફરી પ્રેમિકા પાસે જતો રહ્યો હતો. આ દરમિયાન તે ફરીથી રેકી કરવા આવ્યો હોઇ એલસીબીના હાથે પકડાઇ ગયો હતો.
પોલીસે આ બંટી-બબલી પાસેથી સોનાની બંગડીઓ અલગ અલગ ડિઝાઇનની આઠ નંગ, સોનાની માળા, મોટો ચેઇન, સોનાનો ચેઇન, ગુલાબી મોતીવાળી માળા, બુટીયા, નથણી, સોનાનું પેન્ડલ, વીંટીઓ દસ નંગ, ફાઇન ગોલ્ડ, ફાઇન સિલ્વર, ઉર્દુભાષાના લખાણવાળો સિલ્વર કોઇન, નોકીયા ફોન, હીરો કંપનીનો ફોન, કારા કંપનીનો સાદો ફોન, લેધરનું પર્સ, રોકડા ૩૨૯૦૦ તથા વિદેશી કરન્સી જેમાં સાઉદી અરેબીયીન રિયાલ્સ, સીંગાપોર ડોલર અને ઓસ્ટ્રેલિયન ડોલર મળી કુલ રૂા. ૧૭,૫૫,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એલસીબી ઝોન-૨ ટીમે અજીત ધનગરનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં તે વર્ષ ૨૦૧૬થી ચોરીઓના ગુના આચરતો હોવાની વિગતો ખુલી હતી. જેમાં ૨૦૧૬માં કર્ણાટકમાં પ્રથમ ચોરી કરી હતી. એ પછી કર્ણાટક તેમજ મહારાષ્ટ્રમાં ચોરીઓના કુલ ૨૮ ગુનાઓ તેણે આચર્યા હતાં. કેટલાક વર્ષોથી તેને બેંગ્લોરની નિગમ્મા સાથે પ્રેમ થઇ ગયો હોઇ તેણી પણ ચોરીઓ કરવા અજીત જ્યાં જાય ત્યાં સાથે જાય છે. રેકી કરતી વખતે તે ભેગી રહે છે અને ચોરી કરવા ટાણે અજીત એકલો રાતે કે વહેલી સવારે ત્રાટકે છે.
રાજકોટમાં ગાંધી સોસાયટીમાં લાખોની ચોરી ઉપરાંત તેણે ગત ૩૦/૧૨ના રોજ જામનગર રોડ પરાસર પાર્કમાં આવેલા મંદિરની દાનપેટી તોડી રોકડા રૂપિયાની ચોરી કરી હતી. તેમજ એ જ દિવસે મોડી રાતે જામનગર રોડ સત્યમ્ પાર્ક-૧માં આવેલા બંધ મકાનની વંડી ટપી તણીથી સળીયા કાપી ડીસમીસથી તાળા તોડી રોકડા ૫ હજારની ચોરી કર્યાનું કબુલ્યું હતું. એ પછી ગયા મંગળવારે રાતે બે વાગ્યે ગાંધી સોસાયટીમાં ત્રાટકયો હતો અને લાખોની મત્તા ઉસેડી ગયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અને ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઇ એચ. આર. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણા તથા હેડકોન્સ. ગીતાબેન પરમારે આ કામગીરી કરી હતી.
(4:02 PM IST)










