<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ર૦રપ નવું વર્ષઃ પરંતુ પુરવઠા તંત્ર નાપાસઃ આ વખતે ચણા અને તુવેરદાળની ફાળવણી ઉડાડી દીધી

રાજકોટ શહેર-જીલ્લાના NFSA ના ૩ લાખ કાર્ડ મેમ્‍બરો-દૂકાનદારોમાં ભારે દેકારો ઘઉં-ચોખા-ખાંડ-મીઠાની ૧૦૦ ટકા ફાળવણીઃ દુકાનદારો પાસે ચણા-તુવેરદાળ હોય તો આપવા નહિ તો કાર્ડધારકો રામભરોસે

રાજકોટ તા. રઃ રાજકોટ સહિત રાજયભરમાં લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરો, જેમાં NFSA-BPL- અંર્ત્‍યોદય કાર્ડ હોલ્‍ડરોનો સમાવેશ થાય છે, તે લોકોમાં અને રાજકોટના ૬પ૦ સહિત રાજયના અંદાજે ૧૭ હજાર જેટલા રેશનીંગ દૂકાનદારોમાં પૂરવઠા તંત્રને કારણે દેકારો દર મહિને હોય છે, ર૦ર૪ના વર્ષમાં આખું વર્ષ સર્વર ડાઉન, ઓછો પુરવઠો સહિતની બાબતે દેકારો ચાલુ રહ્યો હતો.

હવે ર૦રપનું નવું વર્ષ શરૂ થયું છે, અને આ નવા વર્ષમાં રાજયનું પુરવઠા તંત્ર ૧લા મહિનામાં જ ફેઇલ થયું હોય કે, નાપાસ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે.

ટોચના અધીકારી સૂત્રોના કહેવા મુજબ રાજયના પુરવઠા તંત્રે દર મહિને અપાતા ઘઉં-ચોખા-ખાંડ-મીઠાની ફાળવણી ૧૦૦ ટકા જાહેર કરી છે, અને તે મુજબ દૂકાનદારો દ્વારા પરમીટ લેવાનું શરૂ કરાયું છે.

પરંતુ જાન્‍યુ-ર૦રપમાં દર મહિને રૂા. ૩૦ના કિલો લેખે અપાતા ચણા અને દર મહિને રૂા. પ૦ના કિલો લેખે અપાતી તુવેરદાળની ફાળવણી ઠામૂકી ઉડાડી દીધી છે. આ બંને વસ્‍તુથી ફાળવણી નહિ કરાતા રાજકોટ શહેર-જીલ્લાના ૩ લાખ જેટલા NFSA કાર્ડ હોલ્‍ડરોમાં અને સસ્‍તા અનાજના દુકાનદારોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે, આ લોકો કહી રહ્યા છે કે શું ગરીબો માત્ર રોટલી અને ભાત જ ખાશે, તેવો વેધક સવાલ ઉઠાવ્‍યો છે, એટલું જ નહીં પુરવઠા તંત્રે ચણા-તુવેરદાળ બાબતે એવું પણ જાહેર કર્યું છે કે, દુકાનદાર પાસે જયાં સુધી આ બંને વસ્‍તુઓ જથ્‍થો ઉપલબ્‍ધ હશે ત્‍યાં સુધી વિતરણ કરી શકશે. છેને તંત્રની બલીહારી!!

(3:15 PM IST)