<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

લાઇટ હાઉસના ૧૧૪૪ ફલેટ ધારકો હેરાનઃ પ્રાથમિક પ્રશ્‍નો અધ્‍ધરતાલ

કોંગ્રેસે મ્‍યુ.કમિશનરને પત્ર લખી બાંધકામમાં નબળી ગુણવતા સાથે ભ્રષ્‍ટાચારનો આક્ષેપઃ જવાબદારો સામે પગલા લેવા માંગ

રાજકોટ તા.રઃ રૈયા રોડ પરના લાઈટ હાઉસના ફ્‌લેટ ધારકોના પ્રાથમિક પ્રશ્નોને લઇને કોંગ્રેસ દ્વારા મ્‍યુ.કમિશનરને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

પત્રમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ લાઈટ હાઉસ પ્રોજેક્‍ટમાં  ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. જે અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા પણ માંગ કરવામાં આવી છે.

મહાનગરપાલિકામાં શાસકોએ જ્‍યાં માનવી ત્‍યાં સુવિધા અને છેવાડાના માનવીનો વિકાસના સપનાઓ બતાવી શાસનની ધુરા સંભાળી હતી. શહેરના ગરીબ અને મધ્‍યમ વર્ગના ઘરના ઘરનું સ્‍વપ્ન સાકાર થાય તે માટે મુખ્‍યમંત્રીને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ બનાવવામાં આવે છે જે આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર દર્શાય છે.

શહેરના પરશુરામ મંદિર પાસે સ્‍માર્ટ સિટી રૈયા રોડ ખાતે આવેલ લાઈટ હાઉસ પ્રોજેક્‍ટમાં રહેતા ૧૧૪૪ ફલેટ ધારકો દ્વારા આવાસ યોજનામાં થયેલા બાંધકામમાં નબળી ગુણવત્તા, ઠેર ઠેર લીકેજ, પ્‍લાસ્‍ટર ખરી પડવાની ઘટના અને રૈયા ગામથી ટાઉનશીપ સુધીનો રસ્‍તો અંધકારમય સહિતના પ્રાથમિક જરૂરિયાતના અનેક પ્રશ્નો અધ્‍ધરતાલ રહ્યા છે. આવાસ ધારકોએ આ બાબતે અવારનવાર ફરિયાદો પણ કરી છે જે તંત્રના રેકોર્ડ પર છે.

રૈયા સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં આશરે ૧૧૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લાઈટ હાઉસ પ્રોજેક્‍ટમાં વડાપ્રધાનનું નામ ખરડાયું છે. આ ડ્રીમ પ્રોજેક્‍ટ છે આ પ્રોજેક્‍ટ દેશમાં છ સ્‍થળોમાં ગુજરાતમાં રાજકોટની પસંદગી થઈ છે. પરંતુ શાસકોની અણ આવડતને પગલે આ યોજનાનું બાળ મરણ થયું હોય તેવું જણાય છે. અહીં પાણી પડે છે, ઈલેક્‍ટ્રીક બોર્ડ હોય તો સ્‍વીચો નથી, કોમ્‍યુનિટી હોલના સોંપવાના ઠેકાણા નથી, બારીઓમાં છજા આપેલ ન હોવાને પગલે ફ્‌લેટમાં પાણી ઘૂસી જાય છે. જે સેમ્‍પલો દેખાડવામાં આવ્‍યા હતા તે પ્રકારની કોઈ પણ વ્‍યવસ્‍થા છે નહીં.

આ સમગ્ર પ્રોજેક્‍ટની તટસ્‍થ તપાસ કરી કોન્‍ટ્રાક્‍ટર કે જવાબદાર અધિકારીઓ સામે દોષિત થયે આકરા અને દાખલા રૂપ પગલા લેવા પત્રના અંતમાં કોંગ્રેસે માંગ કરી છે.

(3:07 PM IST)