તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
મનપામાં આ વર્ષે ૭ હજાર લગ્ન નોંધણી
મ્યુ. કોર્પોરેશનના ચોપડે વર્ષ ર૦૦૮ થી ર૦ર૪ સુધીમાં ૮પ,૮૮૩ લગ્ન નોંધાયાઃ જાન્યુઆરીથી ડિસે. ર૦ર૪ સુધીમાં ૭૩૭૩ રજીસ્ટ્રેશન થયાઃ ર૦ર૦ એપ્રિલ-મે માસમાં શુન્યઃ વર્ષમાં ૩ લાખથી વધુ આવક

રાજકોટ તા. રઃ કાયદાકીય આધાર પુરાવા માટે લગ્નની નોંધણી જરૂરી હોય અને આ અંગે લોકોમાં જાગૃતિ આવી હોય વીસ - ત્રીસ વર્ષ પહેલા લગ્ન કરનારા તે નોંધાવવાનું ટાળતા તેના બદલે હવે લગ્ન નોંધણી લગ્ન પછી થોડા દિવસમાં જ કરાવી લેવાતી હોય છે ત્યારે રાજકોટ મ્યુ. કોર્પોરેશનનાં લગ્ન નોંધણી વિભાગમાં વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૪ સુધીમાં ૮પ,૮૮૩ લગ્ન નોંધણી થવા પામી છે. જયારે વર્ષ ૨૦૨૩ એટલે કે ગત વર્ષે સૌથી વધુ ૭૪૮૬ હજાર લગ્ન નોંધાયા હતા. જયારે આ વર્ષે એટલે કે ૨૦૨૪માં ૭૩૭૩ લગ્ન સર્ટી નીકળ્યા છે.
આ અંગે મનપાના આરોગ્ય શાખાના લગ્ન નોંધણી વિભાગના ચોપડે વર્ષ ૨૦૦૮થી ૨૦૨૪ સુધીમાં ૮પ,૮૮૩ લગ્ન નોંધણી થઇ છે. જેમાં સૌથી વધુ વર્ષ ૨૦૨૧માં ૬૩૨૦ લગ્ન નોંધાતા તંત્રને રૂા. ૩,૧૨,૩૨૦ની આવક થવા પામી છે. થોડા વર્ષોથી લોકોમાં જાગૃતિ આવતા લગ્ન નોંધણી વિભાગમાં દરરોજ નવદંપતીઓ અને લોકોની લાઇનો જોવા મળી રહી છે. રોજ ૬૦ થી ૭૦ લગ્નોની નોંધ થાય છે. જેમાં સોગંદનામા સહિત ૧૨ દસ્તાવેજો જરૂરી હોય છે. એક અરજદારને લગ્ન સર્ટીફીકેટની ૩ કોપી મળી છે. વર્ષ ૨૦૨૧માં કુલ ૬૩૨૦ લગ્ન નોંધણી કરવામાં આવી છે. જેમાં જાન્યુઆરીમાં ૭૧૮, ફેબ્રુઆરીમાં ૬૭૦, માર્ચમાં ૭૮૫, એપ્રિલમાં ૩૦૨, મેમાં ૨૩૧, જુનમાં ૫૯૪, જુલાઇમાં ૬૨૭, ઓગસ્ટ ૫૮૪, સપ્ટેમ્બર ૪૨૧, ઓકટોબર ૪૨૭, નવેમ્બરમાં ૩૦૯ તથા ડિસેમ્બરમાં ૬૫૨ લગ્ન નોંધાયા છે.
જયારે ગતવર્ષે ર૦ર૪ માં જાન્યુઆરીમાં ૬૯૭, ફેબ્રુઆરીમાં ૭પર, માર્ચમાં ૮૪૭, એપ્રીલમાં ૭૭૭, મે માં ૭૪૩, જુનમાં ૭૩૯, જૂલાઇમાં ૬૦૬, ઓગસ્ટમાં ૪૭૪, સપ્ટેમ્બરમાં ૪૧૬, ઓકટોબરમાં ર૮૯, નવેમ્બરમાં ૬૧૯ તથા ડીસેમ્બરમાં ર૯૮ યુગલોએ મનપાના ચોપડે લગ્ન નોંધણી કરાવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવતા સરકારે લોકડાઉન સહિતના પગલા ઉઠાવ્યા હતા. દરમિયાન આ સમયગાળામાં એટલે કે વર્ષ ૨૦૨૦ એપ્રિલ અને મે માસમાં એક પણ લગ્ન નોંધાયા નથી.
ઓનલાઇન લગ્ન નોંધણીની તજવીજ
મહાપાલિકાએ બજેટમાં બે વર્ષ પહેલા જોગવાઇ કરી, જાહેરાત કરી અને મનપાનો કોમ્પ્યુટર વિભાગ આ માટે પૂરતો સજ્જ છતાં હજુ સુધી લગ્ન નોંધણી ઓનલાઇન નહીં કરાતા શહેરમાં સેંકડો દંપતિઓએ લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે ભારે પરેશાની વેઠવી પડે છે. હવે રાજય સરકાર દ્વારા જન્મ - મરણ નોંધણીની જેમ રાજયભરમાં લગ્ન નોંધણી ઓનલાઇન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પગલે મનપાએ આ એકમાત્ર સર્વિસ ઓનલાઇન કરવાનું માંડી વાળ્યું છે.

(3:14 PM IST)










