તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
અર્જુન રાજસ્થાનીએ પંદર દિવસમાં હેન્ડલ લોક વગરના ત્રણ બાઇક ચોર્યાઃ આજીડેમ પોલીસે દબોચ્યો
આ શખસ રાજકોટમાં રખડતું જીવન જીવે છેઃ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણાની ટીમની કાર્યવાહીઃ હારૂનભાઇ ચાનીયા અને મહેશભાઇ કોઠીવાળની બાતમી

રાજકોટ તા. ૨: શહેરના આજીડેમ પોલીસ અને એ-ડિવીઝન પોલીસની હદમાંથી પંદર દિવસમાં ત્રણ ટુવ્હીલર ચોરાઇ ગયા હતાં. આ ત્રણેય વાહનોની ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી હાલ રાજકોટમાં રહેતાં મુળ અલીરાજપુર રાજસ્થાનના શખ્સને દબોચી લઇ ૮૦ હજારના ત્રણ વાહનો કબ્જે લીધા છે.
વાહન ચોરીના ભેદ ઉકેલવા ડી. સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ હારૂનભાઇ ચાનીયા અને કોન્સ. મહેશભાઇ કોઠીવાળને બાતમી મળતાં અર્જુન શેનસીંગ ઉર્ફ પ્રતાપભાઇ બાંભણીયા (ઉ.વ.૨૨-રહે. કુબલીયાપરા, મુછળીયા સાહેબના દવાખાના પાસે, મુળ સણદા થાના. ભાભરા જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને એક બાઇક સાથે પકડી પોકેટકોપ સર્ચ કરતાં આ વાહન ચોરાઉ હોવાનું ખુલતાં અર્જુનની આકરી પુછતાછ કરતાં તેણે બીજા બે વાહનો પણ ચોરી કર્યાનું કબુલતાં કુલ ત્રણ વાહનો કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
અર્જુને પંદર દિવસ પહેલા પીરવાડી પાસેથી એક હોન્ડા, દસ દિવસ પહેલા બપોરના સમયે આજીડેમ ચોકડી રવિવારી બજારના મેદાન પાસેથી હોન્ડા અને ચારેક દિવસ પહેલા કરણસિંહજી હાઇસ્કૂલ પાસેથી એક હોન્ડા ચોર્યુ હતું. આ શખ્સ હેન્ડલ લોક વગરના બાઇકની હેડલાઇટની પાછળના સોકેટ તોડી વાહનો ચોરવાની ટેવ ધરાવે છે. તે અગાઉ રાજકોટ થોરાળા, એ-ડિવીઝન, જેતલસરમાં ચોરી, દારૂના ચાર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અનુસાર પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, દિગપાલસિંહ જાડેજા, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગદીશસિંહ પરમાર, ગોપાલભાઇ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, સંજયરાજ બારોટ અને વિશ્વરાજસિંહ પરમારે આ કામગીરી કરી હતી.
(2:25 PM IST)










