તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
જિલ્લા પંચાયત દ્વારા ધાત્રીમાતા અને નવજાત દિકરી માટે પોષણ સહાયઃ ઘી, ઝબલા, ગોદડી વગેરે અપાશે
રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટે નવા વર્ષની ભેટઃ સરકારી કેન્દ્રમાં પ્રસુતિ કરાવનારને લાભ : વિકાસ ફંડ યોજનાનો અમલ સરકારની ગાઇડ લાઇન મુજબ પેપર વર્ક થયા પછી થશે

રાજકોટ, તા.૨: સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ગઇ તા.૧પ ઓકટોબરે સામાન્ય સભામાં કરવામાં આવેલ ઠરાવો અમલમાંઆવી રહયા છે. જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રમા઼ પ્રસુતી કરાવનાર માતા અને નવજાત દીકરી માટે પોષણ સહાય યોજના જાહેર કરવામાં આવેલ. તેનો ર૦રપના વર્ષના પ્રારંભથી અમલ કરવામાં આવી રહયો છે. પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણીએ સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી વિકાસ ફંડની સ્થાપના, નવજાત દીકરી અને માતાને પોષણ સહાય, વિચરતી વિમુકત જાતીના દીકરા-દીકરી માટે શિક્ષણ સહાય, જનભાગીદારીથી જળસંચય અભિયાન વગેરે અંગે પ્રસ્તાવ મુકેલ તેને સામાન્ય સભાએ મંજુર કર્યા હતા.
વિકાસ ફંડ સ્થાપવાનો ઠરાવ મંજુરી અર્થે સરકારમાં મોકલવામાં આવેલ. તેમાં સરકારે સુચવ્યા મુજબ પેપર વર્ક (વહીવટી પ્રક્રિયા) પુર્ણ કરીને અમલ કરવામાં આવશે. અન્ય ઠરાવોનો અમલ કરવા માટે ડી.ડી.ઓ. ડો.નવનાથ ગવહાણે (આઇ.એ.એસ.)એ વહીવટી તંત્રને સુચના આપી છે. જેમાં દીકરીની માતાને પોષણ સહાય આપવાની યોજના સૌથી વધુ ધ્યાન ખેંચનારી છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ધાત્રીમાતા અને નવજાત દીકરીને પોષણ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર છે.
આ યોજના અંતર્ગત દેશી ગાયનું ઘી ૧ કિલો, મમતા કીટ (માતા અને બાળક માટે), માતા માટે કીટ જેમાં ૧૫ સેનેટરી પેડ, એન્ટીસેપ્ટિક લીકવીડ, સાબુ સાથે સાબુદાની, પોષણયુકત આહાર, બાળક માટે કીટ જેમાં ત્રણ ઝબલા, ત્રણ ટોપી, નવ લંગોટ, એક ગોદડી, એક બાળકનો રૃમાલ, હાથ પગના મોજા અપાશે. સરકારી દવાખાના (પી.એચ.સી./ સી.એચ.સી) ખાતે થયેલ ડીલેવરીને ધ્યાને લેવામાં આવશે. બજેટમાં આયોજન માટે અંદાજે રૃપિયા ૧૦ લાખ સુધીની જોગવાઇ ક૨વામાં આવશે. માતા-દીકરી દીઠ રૃ.૪,૦૦૦ સુધીની પોષણ સહાય મળશે. રીવાઇઝડ બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવશે.
અન્ય એક ઠરાવ મુજબ રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં વિચરતી વિમુકત જાતિના ધો. ૨ થી ૮માં અભ્યાસ કરતા દીકરા-દીકરી માટે ૧ થી ૫ નંબર આવેલ તાલુકા દીઠ કુલ-૩૫ બાળકોને રૃ.૫,૦૦૦/- લેખે કુલ રૃ.૧૯,૨૫,૦૦૦/- અંકે રૃપિયા ઓગણીસ લાખ પચ્ચીસ હજાર પુરા શિક્ષણ સહાય ચુકવવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે. જેમાં બાળકની શાળામાં ઓછામાં ઓછી ૮૦% હાજરી હોવી જોઇએ. તાલુકા દીઠ ધોરણ ૨ થી ૮માં ધોરણ દીઠ ૫(પાંચ) બાળકોને લેવાના રહેશે. તાલુકા દીઠ ઓછામાં ઓછી ૨(બે) કન્યાઓનો ફરજીયાત સમાવેશ કરવામાં આવશે.
ઉપરાંત જળસંચયના ઠરાવ અંતર્ગત સભ્ય દીઠ ૨ જળ સંચયના કામો એક જળ સંચયના કામ દીઠ રૃ.૬૦,૦૦૦/-ની સહાય, જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ખર્ચ થશે. સ્વભંડોળમાં લીધેલ કામોમાં ફેરફાર અને રીવાઇઝડ બજેટમાં જોગવાઇ કરવામાં આવશે.
(10:02 AM IST)










