<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

દાણાપીઠમાં મસ્‍જીદના ટ્રસ્‍ટીએ સિત્તેર વર્ષ જુના ભાડૂઆતને ધમકાવ્‍યાઃ દૂકાનોના તાળા તોડી સામાન બહાર મુકી દીધો

વકફ બોર્ડે મસ્‍જીદની જુના ભાડાની દુકાનો ખાલી કરવા હુકમ કર્યો છે...કહી માથાકુટ : કિરણ સોસાયટીના ૭૨ વર્ષના વિરેન્‍દ્રભાઇ કોટેચાની ફરિયાદઃ એ-ડિવીઝન પોલીસે નવાબ મસ્‍જીદના ટ્રસ્‍ટી ફારૂક મુસાણી સહિતના સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૬: દાણાપીઠમાં સિત્તેર વર્ષ જુની ભાડાની દુકાનમાં મંડપ સર્વિસ ધરાવતાં ગેલેક્‍સી સિનેમા પાછળ કિરણ સોસાયટીમાં રહેતાં વેપારીની દુકાન તથા તેની બાજુની ભાડાની દુકાનના તાળા નવાબ મસ્‍જીદના ટ્રસ્‍ટી તથા અજાણ્‍યા ચાર શખ્‍સોએ તોડી સામાન બહાર મુકી દઇ બાકીનો સામાન જાતે બહાર નહિ કાઢો તો અમે ફેંકી દઇશું તેમ કહી ધમકાવી વકફ બોર્ડે તમને જુના ભાડેથી આપેલી મસ્‍જીદની આ દુકાનો ખાલી કરવા હુકમ કર્યો છે, દુકાનનો કબ્‍જો તાત્‍કાલીક અમને સોંપવો પડશે તેમ કહી માથાકુટ કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ગેલેક્‍સી સિનેમા પાછળ કિરણ સોસાયટી બ્‍લોક નં. ૧૪-૧૮માં રહેતાં અને દાણાપીઠ મેઇન રોડ પર નવાબ મસ્‍જીદની બાજુમાં મંડપ સર્વિસની દુકાન ચલાવતાં વિરેન્‍દ્રભાઇ કલ્‍યાણજીભાઇ કોટેચા (ઉ.વ.૭૨)ની ફરિયાદ પરથી ફારૂક મુસાણી અને ચાર અજાણ્‍યા  શખ્‍સોસ ામે બીએનએસની કલમ ૧૮૯ (૩), ૧૯૦, ૩૨૯ (૩), ૩૫૧ (૨) મુજબ ગુનો નોંધ્‍યો છે.

વિરેન્‍દ્રભાઇ કોટેચાએ જણાવ્‍યું છે કે હું જે મંડપ સર્વિસની દુકાનમાં બેસુ છું તે  નવાબ મસ્‍જીદ ટ્રસ્‍ટની ભાડાની દૂકાન છે, જેમાં સિત્તેર વર્ષ પહેલા મારા પિતાજીએ ભાડેથી દૂકાન રાખી મંડપ સર્વિસ ચાલુ કર્યુ હતું. હવે પચાસેક વર્ષથી હું આ દુકાને બેસુ છું. મારી બાજુમાં અભિષેકભાઇ મહેશભાઇ આડઠકર અને હસમુખભાઇ ભાઇચંદભાઇ મહેતાની પણ દૂકાન છે. આ બંને દુકાન પણ મસ્‍જીદ ટ્રસ્‍ટની છે. તા. ૩૧/૧૨/૨૪ના મંગળવારે સાંજે હું દુકાનની સામે મારા ભત્રીજા કનૈયાલાલ રસિકલાલ કોટેચાની તેલ ખાંડની દુકાનની ઓટલી પર બેઠો હતો  ત્‍યારે ચાર પાંચ માણસો આવ હતાં અને મારી દુકાન તથા હસમુખભાઇ મહેતાની દુકાનના તાળા તોડી અંદર રાખેલો સામાન બહાર મુકવા લાગ્‍યા હતાં. આથી હું ત્‍યાં ગયો હતો અને તાળા તોડી સામાન શા માટે બહાર મુકો છો? તેમ પુછતાં એક શખ્‍સે હું ફારૂક મુસાણી છું અને નવાબ મસ્‍જીદનો ટ્રસ્‍ટી છું, અમારી વકફ બોર્ડે આ અમારી મસ્‍જીદની દુકાનો તમને જુના ભાડેથી આપેલી છે તે ખાલી કરવાનો હુકમ કર્યો છે.

જેથી મેં અભિષેકભાઇની દુકાન બંધ હોઇ તેને ફોન કરતાં તે પણ આવી ગયા હતાં. તેને પણ ફારૂક મુસાણીએ કહેલુ કે તમારી દુકાનનુ તાળુ ખોલી તમારો સામાન બહાર લઇ લો. જેથી અભિષેકભાઇએ તાળુ ખોલી પોતાનો ગેરેજનો સામાન બહાર લઇ લીધો હતો. બાદમાં મેં ફારૂકભાઇને કહેલુ કે તમે અમને દુકાન ખાલી કરવાની કોઇ વાત પણ કરી નથી, ઓચીંતા સીધા જ આ રીતે દૂકાન કેમ ખાલી કરાવો છો? જેથી ફારૂક મુસાણીએ કહેલુ કે તાત્‍કાલીક દુકાન નો કબ્‍જો અમને સોંપી દો અને બાકીનો સામાન તમારી રીતે બહાર કાઢી લો નીહતર અમે તમારી દુકાનનો સામાન  બહાર ફેંકી દઇશું તેવી ધમકી આપી હતી.

ત્‍યારબાદ ફારૂકે અમને એક કાગળ બતાવ્‍યો હતો જે ગુજરાત રાજ્‍ય વકફ બોર્ડ ગાંધીનગરનો તા. ૧૯/૧૨/૨૪ના લેટરપેડનો હતો. તે મને વંચાવીને કહેલુ કે દુકાનનો કબ્‍જો ખાલી કરી મસ્‍જીદને સોંપી દેજો. આ પછી મેં ૧૦૦ નંબરમાં ફોન કરતાં પોલીસ આવી હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી. અમારી સિત્તેર વર્ષ જુની ભાડાની દુકાનના તાળા તોડી નવાબ મસ્‍જીદના ટ્રસ્‍ટી સહિતના શખ્‍સોએ અમારો સામાન ગેરકાયદેસર રીતે બહાર મુકી દીધો હતો અને બાકીનો સામાન અમે જાતે નહિ કાઢીએ તો પોતે ફેંકી દેશે તેવી ધમકી આપી હતી. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ યુ. કે. બાંભણીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(9:03 PM IST)