તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th December 2024
હૃદય રોગના હુમલાથી ઇન્દુબેન હરિયાણી અને નિતીનભાઇ સોલંકીએ દમ તોડયો
રણછોડનગર સોસાયટીના મહિલા અને સાગરનગરના દિવ્યાંગ પ્રોૈઢ ઘરે બેભાન થઇ ગયા બાદ હોસ્પિટલમાં મૃત્યુ

રાજકોટ તા. ૩૦: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્યુ થયા છે. રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રણછોડનગર સોસાયટી-૧૨માં રહેતાં ઇન્દુબેન બંસીદાસ હરિયાણી (ઉ.વ.૫૬)ને સવારે દવાખાને લઇ જવાના હોઇ ૧૦૮ બોલાવાઇ ત્યારે એકાએક તેમાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.ઇન્દુબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ હયાત નથી. તેમના સંતાને જણાવ્યું હતું કે અગાઉ ઇન્દુબેનને શારણગાંઠનું ઓપરેશન કરાવ્યું હોઇ આજે તેમને હોસ્પિટલે બતાવવા લઇ જવાના હતાં. આ માટે ૧૦૮ બોલાવાઇ હતી ત્યારે એકાએક બેભાન થઇ ગયા હતાં. હાર્ટએટેક આવી જવાથી મૃત્યુ થયાનું તેણે કહ્યું હતું.
બીજા બનાવમાં જુના માર્કેટ યાર્ડ પાછળ સાગરનગરમાં રહેતાં નીતિનભાઇ માધુભાઇ સોલંકી (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ ઘરે રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર દિવ્યાંગ હોઇ કામ કરતાં નહોતાં. તેઓ પાંચ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું તેમના પુત્રએ જણાવ્યું હતું. બંને બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ બી-ડિવીઝન અને આજીડેમ પોલીસને કરી હતી.
(4:46 PM IST)










