News of Monday, 30th December 2024
મોરબી રોડ પર ડીમોલીશન ફરી અટકયું: ૧૦૦ જેટલા દબાણો યથાવત
મનપાની ટાઉન પ્લાનીંગ શાખા વધુ એક વખત ખાલી હાથે પરત

રાજકોટ, તા. ૩૦: મનપા દ્વારા શહેરના અનામત પ્લોટ તથા ટીપી માટેના અનામત પ્લોટ ઉપર થયેલ ગેરકાયદે બાંધકામો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે મોરબી રોડ ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જો કે દબાણકર્તાઓ દ્વારા ઓપરેશન રોકાવી કાર્યવાહી નકરવા દેવાતા પ્લાનીંગ શાખા ખાલી હાથ પરત ફરી હતી.
આ ધટનાની વિગતો મુજબ શહેરના વોર્ડ નં. ૪ ના જુના મોરબી રોડથી વેલનાથપરા તરફ કોર્પોરેશનના અનામત પ્લોટ છે. જેમાં ૧૦૦થી વધુ દબાણો દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા બંદોબસ્ત સાથે પહોંચી હતી. જો કે સ્થાનીકો દ્વારા કાર્યવાહી રોકવા માટે કલેકટરમાં રજુઆત કરવા ગયા હોવાનું જણાવી ડીમોલેશન અટકાવ્યું હતું.
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા અગાઉ પણ આ જગ્યાએથી દબાણો દુર કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આ પ્લોટમાં ફેન્સીંગનું કામ કરવાનું હોય બે દિવસ બાદ ફરીથી ઓપરેશન હાથ ધરવામાં આવનાર હોવાનું મનપાના સુત્રોમાંથી જાણવા મળેલ છે.
(4:18 PM IST)










