<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

રાજકોટના હસમુખ વ્‍યાસે પોતાને મૃત બતાવવા માટે મિત્ર સંદીપગીરીને ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતારી લાશ સળગાવી દીધી'તી

ગોંડલના મોટા મહિકા ગામે બે દિ' પૂર્વે મળેલ અર્ધબળેલ લાશ રાજકોટના હસમુખની નહિ પણ સંદીપગીરી ગોસ્‍વામીની હોવાનો ઘટસ્‍ફોટ : વિમો પકવવા અથવા તાંત્રીક વિધિમાં સંદીપગીરીની હત્‍યા કર્યાની શંકાઃ હત્‍યામાં મદદગારી કરનાર પડોશી સગીર પોલીસના સકંજામાં: નાસી છુટેલ હસમુખ પકડાયા બાદ જ સાચુ કારણ બહાર આવશે : હત્‍યામાં મદદગારી કરનાર સગીરને રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા તથા ગોંડલ તાલુકાના પીઆઇ જે.બી.રાવએ ઉપાડી પુછતાછ કરતા ખોફનાક કાવત્રાનો પર્દાર્ફાશ કર્યો : આરોપી હસમુખે સંદીપગીરીની સળગેલી લાશ પાસે પોતાનો મોબાઇલ, ચંપલ, પાકીટ અને તેનું આઇકાર્ડ રાખી પોતે મરી ગયો છે તેવી ખોટી સ્‍ટોરી ઉભી કરી'તી : આરોપી પિતાએ પોલીસ સમક્ષ કહયું કે, પુત્ર હસમુખ ઘણા સમયથી બેંક લોન અને વિમાના કાગળીયા લઇને ફરતો હતો

મૃતકનો હાડપીંજર બની ગયેલો દેહ તસ્‍વીરમાં દેખાય છે : મૃતક સંદીપગીરી

રાજકોટ, તા., ૩૦: ગોંડલના મોટા મહિકા ગામે બે દિ' પુર્વે  રાજકોટના આધેડની અર્ધબળેલ હાલતમાં લાશ મળી આવી હતી.  આ બનાવમાં પોલીસ તપાસમાં આ લાશ રાજકોટના આધેડની નહિ પણ તેના મિત્રની હોવાની અને તેણે વિમો પકવવા અથવા તાંત્રીક વિધિ માટે પોતાને મૃત બતાવવા માટે આ ખુની ખેલ ખેલી ખોફનાક કાવત્રુ રચી મિત્રને મોતને ઘાટ ઉતારી દીધાનું ઘટસ્‍ફોટ થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે ખંઢેર બનેલા રહેણાંક મકાનમાંથી બે દિ' પુર્વે  અર્ધ સળગેલી હાલતમાં   પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસ તથા એલસીબી મોટા મહીકા દોડી ગઇ હતી અને બનાવ શંકાસ્‍પદ હોય મળતદેહ ને ફોરેન્‍સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો.

ગ્રામજનોનાં કહેવા મુજબ મળતકનું નામ હસમુખ મુળશંકર વ્‍યાસ ઉ.૪૬ છે.હાલ રાજકોટ સદગુરુ સોસાયટી મોરબી રોડ પર રહે છે.વધુમાં મળતકે બે લગ્ન લગ્ન કર્યા છે. પહેલા લગ્નથી સંતાનમાં એક દિકરો તથા દિકરી છે.બીજી પત્‍નિ સાથે રાજકોટ રહેછે.ખંઢેર બનેલુ મકાન તેના બાપદાદા સમયનું છે.પણ કોઇ રહેતુ નથી. મળતક ૨૬ ડિસેમ્‍બર નાં મોટા મહીકા આવ્‍યો હતો.અને આજુબાજુ પાડોશી પાસેથી કોથળો માંગ્‍યો હતો. તે અવારનવાર ગામમાં માતાજીનો મઢ હોય દર્શન કરવા આવતો હતો.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ  મળતક ઘટના સ્‍થળેજ સળગ્‍યો છે. ખંઢેર જેવા રહેણાંકમાં જ્‍યાં સળગ્‍યો છે. ત્‍યાં નજીકનાં વળક્ષ નાં  પાંદળા સળગેલા છે.મળતકે આત્‍મહત્‍યા કરીકે કોઈ એ તેની સળગાવી દઇ હત્‍યા કરી એ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. ફોરેન્‍સીક પીએમ રીપોર્ટમાં મૃતકની ગળે ટુંપો દઇ લાશ સળગાવી દીધાનું ખુલતા ઇન્‍ચાર્જ રૂરલ એસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા તથા ગોંડલ તાલુકાના પીઆઇ જે.પી.રાવ સહીતની ટીમે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ કર્યો હતો.

દરમિયાન પોલીસ તપાસમાં જે લાશ મળી છે તે રાજકોટના સંદીપગીરી ગોસ્‍વામીની હોવાનું અને તેને તેના મિત્ર  રાજકોટના  હસમુખ વ્‍યાસે પતાવી દીધાનું  ખુલતા પોલીસ ચોંકી ઉઠી હતી.  હસમુખ વ્‍યાસે વિમો પકવવા માટે અથવા તાંત્રીક વિધિ માટે પોતાને મૃત બતાવવા પાડોશી સંદીપગીરી ગોસ્‍વામીના તેના મૂળ ગામે મોટા મહીકા ગામે લઇ જઇ ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ઓળખ ન થાય તે માટે લાશ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી.

સંદીપગીરી ગોસ્‍વામીને મોતને ઘાટ ઉતારવાના કાવત્રામાં હસમુખ વ્‍યાસ સાથે એક સગીરને રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા તથા ગોંડલ તાલુકાના પીઆઇ જે.પી.રાવની ટીમે ઉઠાવી લઇ કડક પુછતાછ કરતા આ ખોફનાક કાવત્રાનો પર્દાફાશ થયો હતો. પકડાયેલ સગીરે પોલીસ સમક્ષ એવી કેફીયત આપી હતી કે, સંદીપગીરીની હત્‍યાના કારણની તેને ખબર નથી. પોતાને આરોપી હસમુખે કામ દેવાની લાલચ આપી સાથે લાવ્‍યો હતો. આરોપી હસમુખને  સંદીપગીરી સાથે કાંઇક અંગત વાંધો હશે  એટલે તેને પતાવી દીધા છે. આરોપી હસમુખના પિતાએ પોલીસ સમક્ષ એવી કેફીયત આપી હતી કે છેલ્લા ઘણા સમયથી તેનો પુત્ર હસમુખ બેંક લોન અને વિમાના કાગળીયા લઇને ફરતો હતો.

ગોંડલ તાલુકા પોલીસે મૃતક સંદીપગીરીના પત્‍ની ગાયત્રીબેનની ફરીયાદ ઉપરથી આરોપી હસમુખ  ઉર્ફે હર્ષદ મુળશંકરભાઇ ધાનજા (વ્‍યાસ) તથા એક સગીર આરોપી સામે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરી નાસી છુટેલ આરોપી હસમુખની શોધખોળ હાથ ધરી છે.  આરોપી હસમુખ  પકડાયા બાદ આ ખોફનાક કાવત્રા અંગે વધુ પર્દાફાશ થશે. આ બનાવે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં ભારે ચકચાર જગાવી છે.

હસમુખે સંદીપગીરીની પત્‍નીને ફોનમાં કહયું હતું કે, તમારા પતિ હવે ઘરે પાછા આવશે નહિ

સંદીપગીરીએ ઘરેથી નિકળતા પુર્વે પત્‍નીને કહયું હતું કે, ધંધાકીય કામ માટે  : હસમુખ સાથે મુંબઇ જઇએ છીએ. ટુંક સમયમાં આપણે રૂપીયાવાળા થઇ જઇશું ! : હત્‍યાનો ભોગ બનનાર  સંદીપગીરીના પત્‍ની બ્‍યુટી પાર્લર  ચલાવે છેઃ બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

 

રાજકોટ, તા., ૩૦: ગોંડલના મોટા મહિકા ગામે સંદીપગીરી અમૃતગીરી ગોસ્‍વામીની હત્‍યાના બનાવ અંગે તેની પત્‍ની ગાયત્રીબેન ગોસ્‍વામી (રહે. નાગેશ્વર, શાંતિનગર-૧ ભવન બી-વીંગ-૪૦ર, રાજકોટ) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આરોપી હસમુખ ધાનજા તથા સગીર આરોપી સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ગત તા. રપ ના રોજ પોતાના બ્‍યુટી પાર્લરે હસમુખ આવ્‍યો હતો અને ત્‍યાંથી મારા પતિ સંદીપગીરી સાથે ફોનમાં વાત કરી હતી. આ વાત પુરી થયા બાદ ગાયત્રીબેને તેના પતિને પુછતા તેણે જણાવેલ કે હસમુખનો ફોન હતો અને અમારે બંન્નેને ધંધાકીય કામ માટે બોમ્‍બે જવાનું છે. ટુંક સમયમાં આપણે રૂપીયાવાળા થઇ જઇશું. ત્‍યાર બાદ મારા પતિ ઘરેથી નિકળી ગયેલ હતા. ત્રણેક વાગ્‍યે પતિને ફોન કરતા પતિ સંદીપગીરીએ કહેલ કે હસમુખ વ્‍યાસ અને તેના સગીર મિત્ર સહીત અમે ત્રણેય અત્‍યારે હસમુખભાઇના ગામ મોટા મહિકા જવાના છીએ ત્‍યાંથી અમે બોમ્‍બે જવા નિકળી જશું. ત્‍યાર બાદ સાંજના ૬.૩૦ વાગ્‍યે પતિ સંદીપગીરીને ફોન કરતા તેણે કહેલ કે મોટા મહીકા ગામે હસમુખના જુના ઘરે આવેલ છીએ. તું મારી કાંઇ ઉપાધી કરતી નહિ. ત્‍યાર પછી સાજના સવા આઠ વાગ્‍યે ફરી પતિ સંદીપગીરીને ફોન કરતા આ ફોન હસમુખે ઉપાડેલ અને કહેલ કે તમારા પતિ સંદીપગીરી હવે ઘરે પાછા આવશે નહિ. જેથી ગાયત્રીબેને તમે મારા પતિને ઘરે મુકી જાવ તેવું કહેતા હસમુખે ફોન કાપી નાખ્‍યો હતો. ત્‍યાર બાદ મોડી રાત્રે ગાયત્રીબેને તેના પતિ સંદીપગીરીને ફોન કરતા ફોન બંધ આવતો હતો. બે-ત્રણ દિવસ સુધી અવાર નવાર ફોન કરવા છતાં ફોન બંધ આવતો હોય પતિ સંદીપગીરી બોમ્‍બે હશે એટલે ફોન નહિ લાગતો હોય તેમ ધારી લીધું હતું.

 આ દરમિયાન ગત તા. ર૯ના રોજ ગોંડલ તાલુકા પોલીસ મથકે મને બોલાવતા ત્‍યાં મારા પતિની હસમુખ તથા તેની સાથેના સગીરે હત્‍યા કર્યાની જાણ થઇ હતી. આ બંનેએ કયા કારણોસર મારા પતિની હત્‍યા કરેલ છે તે મને જાણ નથી.

હત્‍યાનો ભોગ બનનાર સંદીપભાઇની પત્‍ની ગાયત્રીબેન માધાપર ગેટ પાસે ભાડાની દુકાનમાં બ્‍યુટી પાર્લર ચલાવે છે. સંતાનમાં બે પુત્રીઓ છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.

પત્‍નીએ પોલીસને કહયું પતિ હસમુખ તો રાત્રે ઘરે હતા!  અંતે તપાસમાં સંદીપગીરીની હત્‍યાનો ભાંડો ફુટયો

મોટા મહીકામાં શનિવારે હસમુખ વ્‍યાસની સળગેલ હાલતમાં લાશ મળ્‍યાની જાહેરાત બાદ  :  હત્‍યામાં મદદગારી કરનાર સગીરને કામ અપાવવાના બહાને હસમુખ સાથે લઇ ગયો'તો

રાજકોટ, તા., ૩૦: ગોંડલના મોટા મહીકા ગામે ખંઢેર મકાનમાંથી સળગેલ હાલતમાં પુરૂષની લાશ મળ્‍યા બાદ  મર્ડર મિસ્‍ટ્રીની ઘટનામાં  અને રાજકોટના આધેડ હસમુખ મુળશંકર વ્‍યાસએ  પોતાને મૃત બતાવવા પાડોશમાં રહેતા સંદીપભાઇ ગોસ્‍વામીની ગળે ટુંપો દઇ લાશ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધાનું પોલીસ તપાસમાં ખુલતા પોલીસ ચોંકી ઉઠી હતી.

ગત શનિવારે ગોંડલના મોટા મહિકા ગામે હસમુખ મુળશંકર વ્‍યાસ (ઉ.વ.૪૬) (રહે. સદગુરૂ સોસાયટી, મોરબી રોડ, રાજકોટ)ની સળગેલ  હાલતમાં લાશ મળ્‍યા બાદ આ ઘટના હત્‍યાની છે કે આત્‍મહત્‍યાની?  તે અંગે તપાસ કરવા તપાસ કરવા પોલીસે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન રૂરલ પોલીસની એક ટીમ રાજકોટ રહેતા હસમુખના ઘરે જઇ તપાસ કરતા તેની પત્‍નીએ કહયુ઼ હતું કે, તેના પતિ હસમુખ તો રાત્રે ઘરે હતા. હસમુખભાઇના પત્‍નીની આ કેફીયત સાંભળી પોલીસ ચોંકી ઉઠી હતી. હસમુખભાઇ રાત્રે ઘરે હતા તો મોટા મહીકામાં મળેલ લાશ કોની? તે અંગે છાનબીન શરૂ કરી હતી.

દરમિયાન પોલીસે છેલ્લે હસમુખની સાથે કોણ હતું ? તે અંગે તપાસ કરતા બાજુમાં રહેતા પરિવારનો એક સગીર તેની સાથે હોવાનું ખુલતા પોલીસે આ સગીરની અટકાયત કરી પુછતાછ કરતા હસમુખએ જ પાડોશમાં રહેતા સંદીપભાઇ ગોસ્‍વામીની ગળેટુંપો આપી મોતને ઘાટ ઉતારી લાશ સળગાવી દીધાની કેફીયત આપી હતી.

હત્‍યામાં મદદગારી કરનાર સગીર પાડોશમાં રહે છે અને તેને હસમુખે કામ અપાવવાના બહાને મોટા મહીકા સાથે લઇ ગયો હતો. સંદીપભાઇની હત્‍યા કર્યા બાદ બંને છુટા પડી ગયા હતા. જયારે હસમુખ એક દિ' ઘરે રહયા બાદ લાપતા થઇ ગયો હતો.

(2:56 PM IST)