<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

શનિવારથી કવોડરેન્‍ટીડસ ઉલ્‍કાવર્ષાથી આકાશ છવાશે

દુનિયાભરમાં દેખાશે : તા. ૧૨ જાન્‍યુઆરી સુધી નભમાં જામશે નજારો : પ્રતિ કલાક ૧૧૦ ઉલ્‍કા ખરતી જોવા મળશે : ર૦૨૫ ના વર્ષનું ખગોળીય રોચક સ્‍વાગત : ખામટા ગામમાં ખાસ નિદર્શન કાર્યક્રમ

રાજકોટ તા. ૨૫ : ગત તા. ૭ થી ૧૪ સુધી જેમીનીડસ ઉલ્‍કાવર્ષાનો આહલાદક નજારો નિહાળ્‍યા બાદ ખગોળરસિકો હવે કવોડરેન્‍ટીડસ ઉલ્‍કાવર્ષા નિહાળવા સજજ થયા છે. વર્ષ ૨૦૨૫ નું રોમાંચક સ્‍વાગત થવા જઇ રહ્યુ છે. શનિવારથી આકાશ કવોડરેન્‍ટીડસ ઉલ્‍કાઓથી છવાઇ જશે. ખાસ કરીને તા. ૨ અને ૩ જાન્‍યુઆરીએ આ નજારો જોવા મળશે. જે દેશ-દુનિયાભરમાં જોવા મળશે.  તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે.

જાથાની યાદીમાં જણાવ્‍યા મુજબ તા. ૨૮ ડીસેમ્‍બર ૨૦૨૪ થી શરૂ થનાર આ ઘટનાક્રમ તા. ૧૨ મી જાન્‍યુઆરી સુધી ચાલશે. પ્રતિ કલાકે ૧૧૦ ઉલ્‍કાવર્ષા ખરતી નિહાળી શકાશે. રાજયમાં ખગોળીય આનંદ લુંટવા વિજ્ઞાન જાથાની કચેરી દ્વારા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

કવોડરેન્‍ટીડ્‍સ ઉલ્‍કાવર્ષાની મહત્તમ ચાર દિવસ મધ્‍યરાત્રીથી પરોઢ સુધી આકાશમાં દેખાશે. નરી આંખે નિર્જન જગ્‍યાએથી સ્‍પષ્‍ટ જોઇ શકાશે. ઉલ્‍કાવર્ષા વર્ષ દરમિયાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ પ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્‍કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત હોય છે. સૌરમંડળમાં એવા પણ ધુમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્‍વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું વિસર્જન થવાથી નિકળતો પદાર્થ શેરડો છોડતો જાય છે. આ તેજ લીસોટો એટલે ઉલ્‍કા. તેનો મહત્તમ વેગ સેકન્‍ડના ૩૦ કિલોમીટરનો અંદાજી શકાય છે. તેને ફાયરબોલ, અગનગોળા પણ કહેવામાં આવે છે.

તા. ૨ જાન્‍યુઆરીએ ખામટા ગામમાં ગ્રામજનો અને એન.એસ.એસ. કેમ્‍પની છાત્રાઓને ઉલ્‍કાવર્ષા અંગે માહીતગાર કરવા ખાસ નિદર્શન કાર્યક્રમ ગોઠવાયો હોવાનું વિજ્ઞાન જાથા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯)ના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે.

(2:34 PM IST)