તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
કાળા રંગની કારના ચાલકે રિક્ષાને બે વખત ઠોકર મારતાં પલ્ટી ખાધીઃ ૮૦ હજારનું નુકસાન, ચાલક મુસાફરને ઇજા
કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાસે સોળ દિવસ પહેલા બનાવઃ ઘરમેળે શોધખોળ કર્યા બાદ તાલુકા પોલીસને જાણ કરતાં ગુનો નોંધાયોઃ કોઠારીયાનો સંજયભાઇ મુસાફર જેકીભાઇને અવધ ઢાળથી બસ સ્ટેશને મુકવા જતો હતો ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૧: શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ નજીક રહેતાં પરિચીતને પાનેલી જવાનું હોઇ તેને ત્યાંથી રિક્ષામાં બેસાડી બસ સ્ટેશન જવા નીકળેલા કોઠારીયાના રિક્ષાચાલક યુવાનની રિક્ષા અવધના ઢાળથી કાલાવડ રોડ પર ચડી આગળ વધી ત્યારે કાળા રંગની કારના ચાલકે રિક્ષાને પાછળથી ઠોકર મારતાં ચાલકે સાઇડમાં રિક્ષા લેતાં ફરીવાર કારવાળાએ ઠોકરે મારી દઇ પલ્ટી ખવડાવી દેતાં રિક્ષામાં નુકસાન થયુ઼ હતું અને ચાલક તથા મુસાફરને ઇજા થઇ હતી. જાણી જોઇને અકસ્માત સર્જી કારચાલક ભાગી ગયો હતો. આ બનાવમાં કારચાલકની તપાસ કર્યા બાદ તે ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે કોઠારીયા ગામ ગુજરાત સીએનજી પંપ પાસે શીવસાગર સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક સંજયભાઇ લખમણભાઇ પીપરોતર (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી અજાણ્યા કાળા રંગની કારના ચાલક વિરૂધ્ધ બીએનએસની કલમ ૨૮૧, ૧૨૫-એ, ૩૨૪-૪, એમવીએક્ટ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધ્યો છે.
સંજયભાઇએ જણાવ્યું છે કે હું કોઠારીયામાં મારા પિતા સાથે રહુ છું. મારા લગ્ન થઇ ગયા છે પણ હાલ પત્નિ માવતરે છે. તા. ૪/૧૨ના સવારે પોણા છએક વાગ્યે હું મારી રિક્ષા જીજે૦૩બીએક્સ-૨૫૬૯ લઇને કાલાવડ રોડ અવધ ડેકોરા હાઇટ્સથી બસ સ્ટેશન જવા માટે નીકળ્યોહ તો. મારી રિક્ષામાં મુળ પાનેલીના અને હાલ અવધના ઢાળ પર ડેકોરમાં રહેતાં જેકીભાઇ મુસાફર તરીકે બેઠા હતાં. તે મને ઓળખતા હોઇ અને તેને બહારગામ જવું હોઇ મને ફોન કરતાં વહેલી સવારે તેને બેસાડીને નીકળ્યો હતો.
અમે રિક્ષા લઇ રોડ પર ઇસ્કોન મંદિર નજીક પહોંચ્યા ત્યારે અચાનક પાછળથી કાળા રંગની કારના ચાલકે મારી રિક્ષાને ઠોકર મારી દેતાં મેં રિક્ષા સાઇડમાં લીધી હતી. ત્યારે ચાલકે બીજીવાર પણ ઠોકર મારી દેતાં રિક્ષા પાર્ટીશન દિવાલમાંઘુસી પલ્ટી ખાઇ ગઇ હતી. આ કારણે હું અને મુસાફર જેકીભાઇ અંદર ફસાઇ ગયા હતાં અને ઇજાઓ પણ થઇ હતી. લોકો ભેગા થઇ જતાં અમને બહાર કાઢયા હતાં. બીજી તરફ કારચાલક કાર લઇ કટારીયા ચોકડી તરફ ભાગી ગયો હતો. અમને ઇજા થવા સાથે રિક્ષામાં ૮૦ હજારનું નુકસાન પણ થયું હતું. અમે આજ સુધી અમારી રીતે કાર ચાલકની શોધખોળ આદરી હતી. પરંતુ કોઇ ભાળ ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી. તાલુકા પીઆઇ ડી.એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્સ. ભગીરથસિંહ ખેરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(3:38 PM IST)










