તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
શનિવારથી લાભુભાઇ ત્રિવેદી જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ
ગુરૂ સ્મૃતિ કવીઝ કોન્ટેસ્ટ, જોબ ફેર, નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનોઃ ત્રણ માસ ઉજવણી

રાજકોટઃ તા. ૧૬ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાના આધ્યસ્થાપક ‘ગુરૂ' લાભુભાઇ ત્રિવેદીના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી રૂપે વિવિધ કાર્યક્રમોનું ડિસેમ્બર થી ફેબ્રુઆરી ત્રણ માસ સુધી આયોજન કરાયું છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે તા.ર૧ના શનિવારે બાલભવન ખાતે ‘ગુરૂ સ્મૃતિ કિવીઝ' સાથે આ મહોત્સવનો પ્રારંભ કરાશે. જેમાં સંસ્થાની ૭૦ જેટલી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે. ત્યારબાદ ર૭ ડીસેમ્બરે ‘‘મેગા જોબ ફેર'' નું આયોજન કરાયું છે. શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા પ૯ વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરર્ષાથ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ર૭ સંસ્થાઓ જેમાં બાલમંદિર, શાળા, એન્જીનિયરીંગ કોલેજ, કોમર્સ કોલેજ, કોમ્પ્યુટર સાયન્સ કોલેજ, આર્ટસ કોલેજ તથા બી.એડ્. કોલેજમાં ૧૭ર૩૮ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટએ રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે ટ્રસ્ટનાં પાયાનાં પથ્થર, આદ્ય સ્થાપક અને શિક્ષણ સેવા જગતનાં ‘ગુરૂ' શ્રી લાભુભાઇ ત્રિવેદીનાં આર્શીવાદથી અને સંસ્થા હાલ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનસુખભાઇ જોષી તથા ટ્રસ્ટીશ્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી નાં નેજા હેઠળ અવિરત શિક્ષણ પરબ ચલાવી રહ્યું છે.
ટ્રસ્ટનો ધ્યેય મંત્ર છે -‘ આત્મ દીપો ભવ' એટલે કે આપણે જ આપણો વિકાસ કરીએ, જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન દરેક વિદ્યાર્થીને અહીં આપવામાં આવે છે. મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટનાં આદ્યસ્થાપક ‘ગુરૂ' શ્રી લાભુભાઇ ત્રિવેદી સમથૃ આયોજક, દિગ્દર્શક, નિર્માણકર્તા અને પ્રવૃતિઓનાસ્ત્રોત તેમજ પ્રેમાળ, સંવેદનસભર વ્યકિતત્વથી અસંખ્ય યુવાધન અને જાગૃત નાગરીકો જાહેર જીવનમાં સક્રિય થયેલા છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ આ ટ્રસ્ટ રહ્યુ છે. વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિદ્યાર્થીઓમા઼ રહેલ સર્જનાત્મક શકિતઓને ઓળખી તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વખતે એક નવા આયામ તરફ આ ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે.
વિદ્યાર્થીઓમાં પહેલેથી રહેલી વિવિધ શકિતને બહાર લાવવામાં મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા શ્રી લાભુભાઇ ત્રિવેદીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે લાભુભાઇને અતિ પ્રિય એવા વિદ્યાર્થીઓ માટે આગામી ડિસેમ્બર-ર૦ર૪ થી ફેબ્રુઆરી-ર૦રપ એમ ત્રણ માસ દરમ્યાન સંસ્થાની શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, રાજકોટ ઓપન કવિઝ સ્પર્ધા, મેગા જોબ ફેર, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, કોલેજના શિક્ષકો માટે શૈક્ષણિક સેમિનાર, પ્રજાસત્તાક દિનની ઉજવણી, એથ્લેટીકસ સ્પર્ધા, મેરા ટેલેન્ટ મેરી પહેચાન સ્પર્ધા, નૃત્ય સંગમ-નૃત્યોત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સંસ્થામાં પીએચ.ડી. થયેલ શિક્ષકોનું સન્માન વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
વિવિધ કાર્યક્રમનું સંચાલન મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળા-કોલેજનાં આચાર્યશ્રીઓ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા સર્વશ્રી ડો. પરેશભાઇ જોષી, (ર) વિનોદભાઇ ગજેરા,(૩) ડો. ભરતભાઇ રામાણી, (૪) ભારતીબેન નથવાણી(પ) બિનાબેન જોષી, (૬) જાનકીબેન જોષી (૭) લીનાબેન કારીયા (૮) કૃપાલીબેન મકવાણા,(૯) બિંદીયાબેન મહેતા (૧૦) ભાવનાબેન જોષી, (૧૧) હેતલબેન રાણા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:30 PM IST)










