તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
માંડા ડુંગર પાસેની ખેતીની જમીન બીનખેતી થયા બાદ કોૈભાંડીઓએ બોગસ દસ્તાવેજ ઉભો કરી નાંખ્યો હતો!
સબ રજીસ્ટ્રાર કચેરીનો કોન્ટ્રાકટ બેઝ કર્મચારી જયદિપના રિમાન્ડ પુરા થતાં જેલહવાલે : જમીન માલિક પ્રતિપાલસિંહ ચુડાસમાને પોતાની મિલ્કતમાં બોગસ દસ્તાવેજ થયાની જાણ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૧૬: સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી, એક વકિલ અને એક સોની શખ્સે મળી પાંચ દસકા જુની મિલ્કતોના બોગસ દસ્તાવેજ બનાવી કરોડોની જમીનો હડપ કરવાનું કાવત્રુ ઘડયાનો પર્દાફાશ થયા બાદ આ મામલે નોંધાયેલા ગુનામાં કચેરીના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી જયદિપ ઝાલાની ધરપકડ થઇ હતી. તેના ચાર દિવસના રિમાન્ડ આજે પુરા થતાં તેને કોર્ટહવાલે કરવામાં આવ્યો છે. બીજી તરફ તપાસમાં એવી વિગતો પણ ખુલી છે આ કોૈભાંડી ત્રિપુટીએ માંડા ડુંગર પાસેની કિંમતી જમીન કે જે બીનખેતી થઇ ચુકી હતી તેનો પણ ફરી વખત બોગસ દસ્તાવેજ બનાવી નાંખ્યો હતો! આ કારસ્તાનમાં કેટલાક મોટા માથાના નામ ખુલવાની શક્યતા પણ પોલીસને જણાઇ રહી છે.
કોૈભાંડમાં સામેલ ત્રિપુટીએ ૧૭ બોગસ દસ્તાવેજો બનાવ્યાનું ખુલ્યું હતું. ત્રિપુટીએ કારસ્તાન છતું ન થાય તે માટે રાજકોટ શહેર આસપાસની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો બાવન વર્ષ જૂની મિલકતોને નિશાના પર લીધી હતી. પોલીસ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓના નિવેદનો પણ નોંધી રહી છે અને વકિલ તથા સોની શખ્સને શોધી રહી છે. આ કોૈભાંડમાં પ્ર.નગર પોલીસે કોઠારીયા રોડ ન્યુ સ્વાતિપાર્ક બી-૧૪૩માં રહેતાં અને સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ (શહેર) ખાતે સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતાં અતુલભાઇ મધુભાઇ દેસાઇની ફરિયાદ પરથી હર્ષ સાહેલીયા ઉર્ફ હર્ષ સોની, જયદિપ ઝાલા અને એડવોકેટ કિશન ડી. ચાવડા વિરૂધ્ધ આઇપીસી ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭, ૪૪૭, ૧૨૦-બી અને ૩૪ મુબ ગુનો નોંધી એક આરોપી જયદિપ ઝાલાની ધરપકડ કરી હતી. જયદિપ આજે રિમાન્ડ પુરા થતાં જેલહવાલે થયો છે.
સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-૧માં અગાઉ કામ કરતો હર્ષ સોની અને જયદીપ ઝાલા માત્ર ૧૧ હજાર રૂપિયામાં નોકરી કરતા હતા અને તેઓની પાસે વિશાળ સત્તા હતી. એટલે કે તેઓ ૪૦-૫૦ વર્ષ જૂના દસ્તાવેજો પણ જોઇ શકતા હતા, ગમે ત્યાંથી લઇ આવતા હતા, ગમે તે દસ્તાવેજનું સ્કેનિંગ કરી નાખતા હતાં તેમજ ગમે તે વ્યક્તિના નામની એન્ટ્રી કરાવી નાખતા હતાં. કરોડો રૂપિયાનો દસ્તાવેજ સ્કેન કરી તેમાં ગમે તેના નામ ચડાવી દઇ તેનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા. તપાસમાં મોટા નામો ખુલે તેવી પણ શક્યતા જણાઇ રહી છે. સરોજબેન રૂદ્રદત્તભાઇ રાવલનો રૈયા સર્વે નં.૨૭૭/૧માં ૪૨ નંબરનો ૩૪૪.૪૫ ચોરસ મીટરનો ૧૯૭૦ની સાલથી પ્લોટ આવેલો હતો. આ પ્લોટના દસ્તાવેજમાં ચેડાં કરવામાં આવ્યા પરંતુ ચેડાં કરનારે એક ભૂલ કરી હતી.
દસ્તાવેજના તમામ કાગળો સ્કેન કરીને યથાવત રાખવામાં આવ્યા પરંતુ મુખ્ય પેજ કે જે રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર લખવાનું હોય તેમાં સરોજબેનને વેચનાર તરીકે જ્યારે મનહરલાલ નૌતમલાલ કોટેચાને ખરીદનાર તરીકે બતાવ્યા. પણ છેલ્લા પાનામાં જે સહીઓ કરવાની હોય તે કરવાનું ભૂલી ગયેલ અને આ ભૂલના કારણે આખું કારસ્તાન બહાર આવ્યું ત્યારબાદ તપાસ થઇ તે પછી આ એક નહિ પણ કુલ ૧૭ દસ્તાવેજ બોગસ બની ગયાનું ખુલ્યું હતું.
દરમિયાન માંડા ડુંગરની ૧૯૭૦ પહેલાની ખેતીની જમીન એક વર્ષ પહેલા જમીન માલિક પ્રતિપાલસિંહ ચુડાસમાએ બીનખેતી કરાવી હતી. આ મિલ્કતમાં પણ કોભાંડીઓએ બોગસ દસ્તાવેજો કરી નાખ્યાનું ખુલતાં જમીન માલિક પ્રતિપાલસિંહ ચુડાસમાએ પ્ર.નગર પોલીસને જાણ કરતાં પીઆઇ બી. એમ. ઝણકાત, પીઆઇ પી.આર. ડોબરીયાએ તેમની પાસેથી વિશેષ વિગતો મેળવી તપાસ આગળ ધપાવી છે. આ કોૈભાંડમાં ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થઇ છે. એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ પિયુષ આર. ડોબરીયા સહિતની ટીમો તપાસ કરે છે. બે આરોપીઓ હર્ષ સોની અને વકિલ હજુ હાથમાં આવ્યા નથી. (
(4:27 PM IST)










