તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
સોની સમાજ અને બજારને કુખ્યાત આડેસરા બંધુઓથી બચાવો : તેજસ-હિરેન ઉપર ગુજસીટોક દાખલ કરો
ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આડેસરા ભાઇઓ સામે સોનુ ઓળવી જવા, બીટકોઇન, ક્રિપ્ટો કરન્સી, એમસીએકસ, ધાક-ધમકી, મારામારીની અનેક ફરીયાદો રાજયભરમાં થયેલી છેઃ અનેક ઓડીયો-વિડીયો પુરાવારૂપ

રાજકોટ, તા., ૧૬: તાજેતરમાં અશ્વીન આડેસરાની આત્મહત્યા પછી સામે આવેલી ફરીયાદો અને સોની બજારમાં ફરતી થયેલી ઓડીયો-વિડીયો કલીપોના પુરાવા સાથે સોનીબજાર અને સોની સમાજ માટે માથાના દુઃખાવારૂપ બની ગયેલા આડેસરા ભાઇઓના ત્રાસમાંથી બચાવવા અને ગુજસીટોક અને પાસા સુધીના પગલા લેવા પોલીસ કમિશ્નર સુધી ધર્મેશ પારેખ, અતુલ પારેખ, વિવેક ભુવા અને મનોજ રાજપરા સહીતના વેપારીઓએ રજુઆતો કરી છે.
આ બારામાં ઉપરોકત વેપારીઓએ લેખીત રજુઆતો અખબારો સમક્ષ પણ કરી છે. જેમાં જણાવાયું છે કે, એક ગંદી માછલી આખું તળાવ ગંદુ કરે છે તેમ એક ગુનાહિત માનસિકતા ધરાવતી વ્યક્તિ આખાય સમાજને ગેરમાર્ગે દોરી ગુનાખોરીનું પ્રમાણ વધારે છે. આવી જ રીતે હાલ રાજકોટના સોની સમાજ અને બજારમાં ગુનાહિત માનસિકતા ધરાવતા બે કુખ્યાત આરોપીઓ તેજસ-હિરેનએ કાળો કહેર વર્તાવ્યો છે. શહેરનો ભદ્ર ગણાતો સોની સમાજ અને ભીડભાડ ઘરાવતી સોની બજારના વેપારીઓ તેજસ અને હિરેન નામના કુખ્યાત શખ્સોથી ભય અનુભવી ફફડી રહ્યા છે. દોઢ ડઝન જેટલા ગુનાઓમાં સંડોવાયેલા તેજસ આડેસરા ઉપર હજુ સુધી ગુજસીટોક કે પાસા જેવા પગલા કેમ લેવાયા નથી? તેવો વેધક પ્રશ્ન વેપારીઓ દ્વારા થઇ રહયો છે.
ખઈડ, ક્રિપ્ટો કરન્સી, બીટકોઈન, મનીલોન્ડરિંગ, સોના-ચાંદી, ચોરી, ધાકધમકી, મારામારી, છેતરપિંડી, મહિલાઓની પજવણી વગેરે ગુનાઓમાં વારંવાર જામીન પર છૂટીને ગુનાખોરી આચરતા રહેતા તેજસ આડેસરાથી સોની બજારના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એકલો તેજસ આડેસરા જ નહીં, તેનો પિતરાઈ ભાઈ હિરેન આડેસરા પણ ગુનાખોરી આચરવામાં પાછળ નથી. હિરેન આડેસરા પર પણ ચોરી, લૂંટ, છેતરપિંડી, મારામારી, ધાકધમકી સહિતના ડઝનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં જ હિરેન આડેસરાના પિતા અશ્વિન આડેશરાના આપઘાત બાદ બંને ભાઈઓ તેજસ-હિરેનએ કાકા- પિતાના આપઘાતને અવસર બનાવી કેટલાય નિર્દોષ લોકોને ખોટી ફરીયાદોમાં ફસાવી દેવાનું ષડયંત્ર રચ્યું છે. જેમાંથી પોલીસ તટસ્થ તપાસ કરી નિર્દોષ લોકોને બચાવે તેવી અમારી માંગણી છે તેમ ધર્મેશ પારેખ જણાવ્યું છે.
તેજસ આડેસરા અને હિરેન આડેસરા બંને દેખાવે ભોળા પણ હકિકતમાં ક્રિમીનલ માઇન્ડ ધરાવતા શખ્સો છે. ભલભલા તેમની વાતોમાં ફસાઇ જાય છે. સોની બજારના અસંખ્ય વેપારીઓ આ સોની બંધુઓનો શિકાર બની ચૂકયા છે. અશ્વિન આડેસરા આપઘાત પ્રકરણ બાદ મીડિયામાં આવીને સૌને ગેરમાર્ગે દોરનારા તેજસ અને હિરેનને કારણે પોલીસ પર ખોટા આરોપથી લઈ સમગ્ર ઘટનામાં કેટલાય સોની વૈપારીઓ અને મજૂરોને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં રાજકોટના સોની વેપારીએ લીંબડીમાં કરેલા આપઘાતની ઊંડાણપૂર્વક તપાસ થાય તો તેજસ અને હિરેનનો અસલી ચહેરો બેનકાબ થઈ જાય. આ સાથે જ સોની સમાજ અને સોની બજારને કુખ્યાત આડેસરા બંધુઓથી બચાવી શકાય. અલબત્ત સમગ્ર સોની સમાજ સંયુક્ત માંગ કરી રહ્યો છે કે, તેમના જ સમાજના માથાભારે તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરી સોની બજારને ગુનાખોરીમુક્ત બનાવી શાંતિનું વાતાવરણ સ્થાપિત કરે તેવી માંગણી રજુઆતના અંતે ધર્મેશ પારેખ, અતુલ પારેખ, વિવેક ભુવા અને મનોજ રાજપરા દ્વારા કરવામાં આવી છે.
સોનુ-ચાંદી, એમસીએકસ, બિટકોઇનમાં
ફસાયેલાઓની યાદી લાંબી
સોની વેપારીઓએ લેખીત રજુઆતમાં જણાવ્યું છેકે, આડેસરા ભાઇઓએ પરેશભાઇનું ૮પ૦ ગ્રામ ફાઇન, હરેશભાઇનું ૧૭પ ગ્રામ ફાઇન, ડી.કે.નું ૭પ ગ્રામ ફાઇન, મિલનભાઇનું ર૯ર ગ્રામ ફાઇન, વિવેકભાઇનું ૧૯૮ ગ્રામ, મનોજભાઇનું ૯પ ગ્રામ, શૈલેષભાઇનું ૧૯૦ ગ્રામ, વિશાલભાઇનું ૧પ૩ ગ્રામ, જહોનભાઇનું ૧૪ર ગ્રામ, રફીકભાઇનું ર૩૮ ગ્રામ, ધર્મેશભાઇનું ૧૩૮ ગ્રામ ફાઇન સોનુ મળી ત્રણેક કિલો સોનુ-ચાંદી ચાંઉ કરી લેવામાં આવ્યું છે.
પીડીતોની યાદી પણ મોટી
તેજસ અને હિરેન ઉપર રાજકોટ સહિત રાજયભરમાં ઘણી ફરીયાદો થયેલી છે. ચંદ્રીકાબેન પારેખ, કલ્પેશભાઇ પારેખ, હિનાબેન પારેખ, શૈલેષભાઇ ફીચડીયા, દિલીપભાઇ રાણપરા, પિયુષભાઇ રાણપરા, વિજયભાઇ લુણસર, મનુભાઇ સોની ઉપરાંત તેજસની પત્નીએ પણ તેજસ ઉપર કેસ કર્યો છે. આણંદમાં તેજસ વિરૂધ્ધ મહિલાને ધમકી આપવાની ફરીયાદ નોંધાઇ ચુકી છે. આ પરિવાર ઉપર ભુતકાળમાં પણ અનેક ફરીયાદો થયાનું સોની વેપારીઓએ જણાવ્યું છે.
(3:14 PM IST)










