તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
બોગસ દસ્તાવેજ પ્રકરણઃ સીટી પ્રાંત-૧ને તપાસ સોંપતા કલેકટર
૧૭ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં ખોટી નોંધ-ગામ નમુના નં. ૭ નં. ર સહિતની બાબતો તપાસી રીપોર્ટ કરવા સૂચના... : કલેકટર પાસે આજે આસામીઓ તેમની જમીનના બોગસ દસ્તાવેજ થયાની ફરીયાદ લઇ દોડી આવતા પ્રભવ જોષી ચોંકી ઉઠયા : ખોટી રીતે નોંધ પડી હોય તો તે રદ્દ કરી અહેવાલ મોકલવા આદેશોઃ પ્રાંત દ્વારા તપાસ શરૂ

રાજકોટ તા. ૧૬: રાજકોટમાં ૧૭ જેટલા બોગસ દસ્તાવેજ થયા અને બે-બે પોલીસ ફરિયાદ થઇ તે પ્રકરણે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે.
પોલીસ કમિશ્નરશ્રીએ આ આખા પ્રકરણમાં સીટની રચના કરી હાઇલેવલ અધીકારીઓને તપાસ સોંપી છે, તો બીજી બાજુ ફરિયાદ કરનાર શ્રી વસાવા અને મામલતદાર ચાવડા બંને રેવન્યુના નિષ્ણાંત હોય તપાસે વેગ પકડયો છે.
દરમિયાન આ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં કલેકટર શ્રી પ્રભવ જોષી મેદાનમાં આવ્યા છે, અને તેમણે સંપૂર્ણ અને સર્વગ્રાહી તપાસ કરી રીપોર્ટ કરવા સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારને આદેશ કર્યો છે.
આજે આ બાબતે કલેકટર શ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે ૧૭ બોગસ દસ્તાવેજ પ્રકરણ બહાર આવ્યું છે, તે તમામ દસ્તાવેજ કે મોટા ભાગના દસ્તાવેજ સીટી પ્રાંત-૧ના વિસ્તારમાં થયા છે, આથી આ પ્રકરણમાં ખોટી બોગસ નોંધ, ગામ નમુના નં. ૭ અને નં. ર માં ફેરફાર હોય તો તે અન્ય બાબતો અંગે તપાસ કરી રીપોર્ટ આપવા અમે સીટી પ્રાંત-૧ને સૂચના આપી છે.
કલેકટરે ‘‘અકિલા''ને જણાવેલ કે, આજે પણ અમૂક લોકો તેમની જમીનના બોગસ દસ્તાવેજ થઇ ગયા અંગે ફરિયાદ લઇને આવ્યા હતા, આ બાબતે પણ સીટી પ્રાંત-૧ને આજે તપાસ સોંપી છે, અને આ પ્રકરણમાં ખોટી રીતે નોંધ પડી હોય તો તે રદ્દ કરી અહેવાલ મોકલવા આદેશો કર્યા છે.કલેકટરે તપાસ સોંપ્યા બાદ સીટી પ્રાંત-૧ દ્વારા આજથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે, અનેક નવા ધડાકા-ફણગા ફૂટશે તેમ ટોચના અધીકારી સૂત્રો ઉમેરી રહ્યા છે.
બોગસ દસ્તાવેજ પ્રકરણઃ રાજકોટની ૪ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ અધીકારીઓના ધામા
રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧માં ૧૭ જેટલા બોગસ દસ્તાવેજ પ્રકરણમાં કલેકટરે આદેશો કરતા આજથી રાજકોટની ૪ સબ રજીસ્ટ્રાર કચેરી-૪-ઝોનમાં વિવિધ રેવન્યુ અધીકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છેઃ ક્રાઇમ બ્રાંચ (પોલીસ) પણ આ બાબતે અંકોડા મેળવી રહી છે...હાલ રેવન્યુના અધિકારીઓએ અકળ મૌન સેવી લીધું છે.
(2:47 PM IST)










