<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રાજકોટના 80 ટકા દિવ્યાંગ વિપુલ બોકરવાડીયાએ10મી વખત ગિરનાર સર કર્યો:17 કલાકમાં યાત્રા પૂર્ણ

10મી વખત ગિરનાર સર કરવા માટે તેમના 100 જેટલા મિત્રો સાથે આવ્યા: 17 કલાકમાં સાડા પાંચ હજાર પગથિયાં ચડીને ઉતરી ગયા

રાજકોટ :વિપુલ બોકરવાડીયા 17 કલાકમાં અંબાજી સુધી ચડીને ઉતરી ગયા હતા. આ યુવક પોતે બેઠા-બેઠા ચાલે છે. તેમની આ હિંમત જોઈ તેમની સાથે દર વર્ષે 100 જેટલા લોકો ગિરનાર ચડવા માટે આવતા હોય છે. મૂળ અમરેલીના ચાવંડના વતની અને હાલ રાજકોટ રહેતા વિપુલ દામજીભાઈ બોકરવડીયાને ગિરનાર પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે. તેઓ તારીખ 15 ના 9 વાગ્યે 10મી વખત ગિરનાર સર કરવા માટે તેમના 100 જેટલા મિત્રો સાથે આવ્યા હતા.

ગિરનારના પ્રથમ પગથિયેથી જય ગિરનારીના નાદ સાથે યાત્રા શરૂ કરી હતી. અને બપોરે 2 વાગ્યે અંબાજી સુધી જઈ પરત આવી ગયા હતા. 17 કલાકમાં સાડા પાંચ હજાર પગથિયાં ચડીને ઉતરી ગયા હતા. વર્ષ 2012 માં પ્રથમવાર ગિરનાર ચડવા આવ્યા ત્યારથી તેમને ગિરનાર પ્રત્યેનો અદભુત લગાવ થઈ ગયો હતો. ચોથી વખત ગિરનાર ચડ્યા ત્યારે તેમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં, જ્યારે સાતમી વાર ગિરનારની યાત્રા પૂરી કરી ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. દસ વાર ગિરનાર ચડ્યા તે પૈકી બે વાર છેક દત્તાત્રેય સુધીની યાત્રા કરી હતી.

વિપુલભાઈએ જણાવ્યું કે, ગિરનારનું ચઢાણ એ કપરાં ચઢાણ છે, સામાન્ય લોકોને પણ તકલીફ પડે છે પણ મન મક્કમ અને દ્રઢ નિર્ધાર હોય તો આપણે જીવનમાં કંઈ પણ કરી શકીએ છીએ, અમારા જેવા વિકલાંગ લોકોને બે પગથિયાં ચડવા હોય તો પણ વિચાર કરવો પડે છે, પરંતુ આ બધું ઈશ્વરની કૃપા વિના શક્ય નથી.

(12:08 PM IST)