News of Tuesday, 10th December 2024
બે હજારની નોટો ૩૦૦ રૂપિયા લઇ વટાવી આપવા મામલે કાકા-ભત્રીજા સામે કાર્યવાહી
મહેતા પેનવાળાને ત્યાં એસઓજીએ દરોડો પાડી બંનેને વધુ તપાસ માટે એ-ડિવીઝન પોલીસને સોંપ્યાઃ બે હજારની નવ નોટો મળતાં વિશેષ તપાસ

રાજકોટ તા. ૧૦: જ્યુબલા ચોકમાં આવેલી એક દુકાનમાં ઘણા સમય પહેલાં બંધ થઈ ગયેલી રૂ. બે હજારની નોટ કમિશનથી વટાવવામાં આવતી હોવાની બાતમીના આધારે એસઓજીના સ્ટાફે દરોડો પાડી વેપારી કાકા-ભત્રીજાને ઝડપી લઈ રૂપિયા બે હજારની ૯ નોટ કબજે કરી વધુ તપાસ માટે એ-ડિવીઝન પોલીસને સોંપી દીધા છે.
જાણવા મળ્યા મુજબ જ્યુબેલી ચોકમાં આવેલી મહેતા પેન નામની દુકાનમાં ઘણા સમયથી ભારતીય ચલણમાં બંધ કરવામાં આવેલી રૂપિયા બે હજારના દરની નોટ કમિશનથી વટાવવામાં આવતી હોવાનો સોશિયલ મીડિયામાં નજીવા દરે કમિશનથી રૂ.ર હજારના દરની નોટ વટાવી દેવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થતાં એસઓજીના પીઆઈ એસ. એમ. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. જે. કામળિયા, ફિરોઝભાઇ શેખ, રાજેશભાઇ બાળા સહિતના સ્ટાફે મહેતા પેન નામની દુકાને પહોંચી તપાસ હાથ ધરી હતી. દુકાનેદારે આવી નોટ રાખવા માટે પોતે રૂ.૩૦૦નો ચાર્જ લઇ વટાવી આપતા હોવાની વાત કરી હતી અને પોલીસે મનહર પ્લોટ-૧૯માં રહેતા મહેશકુમાર કેશવલાલ મહેતા અને મિતલ અરૂણભાઈ મહેતા નામના કાકા-ભત્રીજાને પુછતાછ માટે બોલાવી તેની પાસેથી રૂપિયા બે હજારના દરની નવ નોટ મળી આવતા કબજે કરી હતી.
એસઓજીએ રૂપિયા બે હજારના દરની નવ નોટો શક પડતી મિલક્ત તરીકે કબજે કરી હતી અને આરબીઆઇના નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગેની વધુ તપાસ એ-ડિવીઝન પોલીસે શરૂ કરી હતી. નોટ બદલવા માટે ત્રણસો રૂપિયા માંગવામાં આવતાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જો કે દુકાન માલિકે વાયરલ થયેલો વિડીયો જુનો હોવાનો બચાવ કર્યો હતો.
(4:42 PM IST)










