<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

દવા લઇને નીકળ્‍યા એ સાથે જ કારખાનેદાર ઢળી પડયાઃ યોગા કરતી વખતે લાદીકામના કારીગરનું હૃદય બંધ પડયું

લક્ષ્મીનગરના દિપેનભાઇ જોટાણીયાને પેટમાં દુઃખતું હોઇ માયાણીનગરમાં દવાખાને ગયા હતાં: ત્‍યાંથી બહાર નીકળતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ બે માસુમ દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધીઃ મવડી વિશ્વનગરના રાજેશભાઇ લાઠીયા યોગા કરતી વખતે હાર્ટએટેક આવી જતાં મોતને ભેટયાઃ બંનેના પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૭: શહેરમાં હૃદયરોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ આજે પણ યથાવત રહી છે. ગઇકાલે ૨૮ વર્ષના યુવાન, ૪૭ વર્ષના આધેડ અને ૫૧ વર્ષના પ્રોૈઢ તેમજ એક વૃધ્‍ધ સહિત ચાર લોકોના હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્‍યુ થયા બાદ આજે વધુ એક ૪૨ વર્ષના કારખાનેદારનું અને ૫૫ વર્ષના લાદીકામના કારીગરનું મૃત્‍યુ છે. યુવાન દવા લઇને દવાખાનામાંથી નીકળ્‍યા ત્‍યાં જ ઢળી પડયા હતાં અને લાદીકામના કારીગર યોગા કરતાં હતાં  ત્‍યારે હૃદય બંધ પડી ગયું હતું.

જાણવા મળ્‍યા મુજબ લક્ષ્મીનગર-૩માં રહેતાં દિપેનભાઇ વૃજલાલ જોટાણીયા (ઉ.વ.૪૨)ને રાતે સાડા આઠેક વાગ્‍યે પેટમાં દુઃખતું હોઇ તેની દવા લેવા માયાણીનગર ચોકમાં સરદાર રેસ્‍ટોરન્‍ટ પાસે આવેલા દવાખાને દવા લેવા ગયા હતાં. તેઓ દવા લઇને બહાર નીચળી પાંચ છ ડગલા ચાલ્‍યા ત્‍યાં જ એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ માલવીયાનગર પોલીસને કરી હતી.

મૃત્‍યુ પામનાર દિપેનભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી છે. પોતે સબ મર્શીબલના બેરીંગનું કારખાનુ ચલાવતાં હતાં અને સાથે બેંક કલેક્‍શનનું કામ પણ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવથી સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

જ્‍યારે બીજા બનાવમાં મવડી મેઇન રોડ પર વિશ્વનગર શેરી નં. ૯માં રહેતાં રાજેશભાઇ બાબુભાઇ લાઠીયા (ઉ.વ.૫૫) સવારે નવેક વાગ્‍યે ઘરે યોગા કરતાં હતાં ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ ગયા હતાં. પરિવારજનોએ ૧૦૮ બોલાવી હતી. પણ તેમના તબિબે મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર લાદી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ચાર ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે

(4:13 PM IST)