<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

રાજકોટની પેરાસ્‍વીમર નિતી રાઠોડની ઉંચી છલાંગ : રાષ્‍ટ્રપતિના હસ્‍તે સન્‍માન

અત્‍યાર સુધીમાં ૨૦ થી વધુ મેડલ મેળવ્‍યા છે : પિતા રાકેશભાઇ શિક્ષક અને માતા તેજલબેન રાઠોડનું સતત પ્રોત્‍સાહન : કોચ વિપુલભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૭ વર્ષથી સ્‍વીમીંગ કરે છે : અન્‍ય રમત ગમતમાં પણ સારી ફાવટ

રાજકોટ તા. ૭ : ‘મન હોય તો માળવે જવાય' ઉક્‍તિને રાજકોટની ૧૯ વર્ષની દિવ્‍યાંગ દિકરીએ ચરીતાર્થ કરી બતાવી છે. ૨૦૧૨ માં સ્‍વીમીંગ શરૂ કરેલ અને પાણી સાથે બાથ ભીડી હતી. ધીરે ધીરે અનેક મુકામો પસાર કર્યા. તેની આ તેજસ્‍વીતાની કદર થઇ અને ગત તા. ૩ ડીસેમ્‍બરના શ્રેષ્‍ઠ દિવ્‍યાંગજન તરીકે તેણીને રાષ્‍ટ્રીય પુરસ્‍કાર રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમુરના હસ્‍તે એનાયત કરાયો છે. સમગ્ર ગુજરાત રાજયના સૌથી નાની વયના માનસિક અસમર્થતા વિભાગમાં આ સન્‍માન મેળવનાર નિતી રાઠોડ પ્રથમ પેરા સ્‍વીમર છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે નિતી વર્ષ ૨૦૦૫માં બૌદ્ધિક વિકલાંગતા - ડાઉન સિન્‍ડ્રોમ સાથે જન્‍મી હતી, પરંતુ પોતાની નબળાઇઓને તેણે હડસેલી સ્‍વિમિંગ અને રમતગમતમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવા માટે આગળ વધી હતી. તેણીએ વર્ષ ૨૦૧૨ માં સ્‍વિમિંગ શરૂ કર્યું હતું.

રાજકોટના મહર્ષિ દયાનંદ સરસ્‍વતી સ્‍વિમિંગ પૂલ ખાતે પ્રશિક્ષિત કોચ વિપુલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સ્‍વિમિંગ તકનીક વિકસાવવાનું શરૂ કર્યું હતુ. અવિરત તાલીમ અને અડગ પ્રતિબદ્ધતાએ ટૂંક સમયમાં ફળ આપ્‍યું. કારણ કે તેણે રાષ્‍ટ્રીય સ્‍પર્ધાઓમાં પોતાનું સ્‍થાન બનાવવાનું શરૂ કર્યું.

નિતીની સિદ્ધિઓ તેના મહેનત, ધીરજ અને સ્‍વિમિંગ પ્રત્‍યેના જુસ્‍સાનો પુરાવો છે. તેણે માત્ર તેની રમતમાં જ પ્રગતિ કરી નથી, પરંતુ તે દિવ્‍યાંગ બાળકો માટે ઉદાહરણરૂપ ‘પેરા-સ્‍વિમર' અને એક રોલ મોડલ પણ બની છે.

નીતિ સમગ્ર રાજકોટ સૌરાષ્‍ટ્ર અને ગુજરાત રાજ્‍યમાં એકમાત્ર એસ - ૧૪ કેટેગરી માં પેરા-સ્‍વિમર છે, જેને રાષ્‍ટ્રીય સ્‍તરે પોતાની આવડત અને મહેનત વડે રાજકોટ તેમજ સૌરાષ્‍ટ્રનું નામ ગુંજતું કર્યું છે. નીતિ રાઠોડ દરેક એવા બાળકો અને માતા પિતા માટે એક પ્રેરણા અને ઉદાહરણ છે. જે કોઈ ને કોઈ વિક્‍લાંગતાથી પીડાતા હોય છે.

ડાઉન સિન્‍ડ્રોમ ધરાવતી નિતી રાઠોડે આપણને બતાવ્‍યું છે કે મર્યાદાઓ માત્ર તેમના મનમાં જ અસ્‍તિત્‍વ ધરાવે છે જે તેને માનતા હોય છે. સ્‍વિમિંગમાં તેની અદભૂત સિદ્ધિઓએ માત્ર તેના પોતાના જીવનને જ ઊંચું કર્યું નથી પરંતુ અનેક અન્‍ય લોકોને તેમની પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવા અને તેમના સપનાઓને અવિરતપણે અનુસરવા માટે પ્રેરણા આપી છે.

આ ઝળહળતી સિધ્‍ધીઓ મેળવવામાં તેણીને શિક્ષક પિતા રાકેશભાઇ રાઠોડ (મો.૯૮૨૪૫ ૮૨૦૪૫) અને ગૃહીણી માતા તેજલબેન રાઠોડ તરફથી સતત પ્રોત્‍સાહન તેમજ કોચ વિપુલભાઇ ભટ્ટ (મો.૯૮૨૫૨ ૧૯૮૯૯) નું માર્ગદર્શન મળતુ રહ્યુ હોવાનું તેણીએ જણાવ્‍યુ હતુ.

તેણીની સિધ્‍ધીઓ ઉપર નજર કરીએ તો તાજેતરમાં તા.૩ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ, શ્રેષ્ઠ દિવ્‍યાંગજન તરીકે રાષ્‍ટ્રીય પુરસ્‍કાર માટે પસંદગી પામેલ છે અને  રાષ્‍ટ્રપતિ શ્રીમતિ દૌપદી મુર્મુ દ્વારા શ્રેષ્ઠ દિવ્‍યાંગજન (માનસિક અસમર્થતા વિભાગમાં સન્‍માનીત કરવામાં આવેલ છે. નિતી રાઠોડ સમગ્ર ગુજરાત રાજ્‍યના સૌથી નાની વયની માનસિક અસમર્થતા વિભાગમાં આ સન્‍માન પ્રાપ્ત કરનાર પ્રથમ પેરા સ્‍વિમર છે.

૨૦૧૩ થી તેણીએ સ્‍થાનિક સ્‍તર, રાજ્‍ય સ્‍તર અને રાષ્‍ટ્રીય સ્‍તરે આયોજિત ઘણી સ્‍પર્ધાઓમાં ભાગ લીધો છે. જેમ ક વર્ષ ૨૦૧૫ એસ.ઓ.જી. દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્‍પર્ધામાં ફ્રી સ્‍ટાઇલ ૨૫ મીટર અને ૫૦ મીટર - રાજકોટમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું. વર્ષ ૨૦૧૫ માં આણંદ ખાતે રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લઇ ફ્રી સ્‍ટાઇલ ૨૫ મીટર - પ્રથમ સ્‍થાન, ફ્રી સ્‍ટાઇલ ૫૦ મીટર - પ્રથમ સ્‍થાન હાંસલ કરેલ.

વર્ષ ૨૦૧૮ માં રોટરી ક્‍લબ ઓફ ચિંચવાડ પુણે અને સ્‍પેશિયલ ઓલિમ્‍પિક ભારત દ્વારા આયોજિત રાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍પર્ધામાં ફ્રી સ્‍ટાઇલ ૫૦ મીટર - પ્રથમ સ્‍થાન મેળવ્‍યું (ગોલ્‍ડ મેડલ). બટરફ્‌લાય સ્‍ટાઇલ ૫૦ મીટર - ત્રીજું સ્‍થાન મેળવ્‍યું (બ્રોન્‍ઝ મેડલ).

વર્ષ ૨૦૧૯: ખેલ મહાકુંભ રાજ્‍ય કક્ષાની સ્‍પધામાં રાજકોટ જિલ્લામાં ફ્રી સ્‍ટાઇલ ૧૦૦ મીટર - દ્વિતીય સ્‍થાન, બટરફ્‌લાય ૧૦૦ મીટર - દ્વિતીય સ્‍થાન, બેકસ્‍ટ્રોક ૧૦૦ મીટર - દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું.

વર્ષ ૨૦૨૨ - રાષ્‍ટ્રીય પેરા ઓલિમ્‍પિક સ્‍પર્ધા આયોજિત પેરા ઓલિમ્‍પિક સમિતિ ઓફ ઇન્‍ડિયા દ્વારા ઉદયપુર - રાજસ્‍થાન ખાતે બેકસ્‍ટ્રોક સ્‍ટાઇલ ૧૦૦ મીટર - દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું (સિલ્‍વર મેડલ). બટરફ્‌લાય ૧૦૦ મીટર - પ્રથમ સ્‍થાન મેળવ્‍યું (ગોલ્‍ડ મેડલ).

વર્ષ ૨૦૨૨ માં આંતરરાષ્‍ટ્રીય કક્ષાની વિશેષ ઓલિમ્‍પિક ભારત સ્‍પર્ધામાં પસંદગી પામે. તેમજ વર્ષ ૨૦૨૨ માં ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા ૧૫ ઓગષ્‍ટના યોજવામાં આવેલ સમારોહમાં સન્‍માન પત્ર દ્વારા સન્‍માનીત કરવામાં આવ્‍યા.

વર્ષ ૨૦૨૩ માં રાષ્‍ટ્રીય પેરા ઓલિમ્‍પિક સ્‍પર્ધા આયોજિત ભારતની પેરા ઓલિમ્‍પિક સમિતિ દ્વારા ગૌહાટી - આસામ ખાતે બટરફ્‌લાય સ્‍ટાઈલ ૧૦૦ મીટર-પ્રથમ સ્‍થાન (ગોલ્‍ડ મેડલ), ફ્રી સ્‍ટાઇલ ૨૦૦ મીટર - દ્વિતીય સ્‍થાન (સિલ્‍વર મેડલ), વ્‍યક્‍તિગત મીડલે શૈલી ૨૦૦ મીટર - પ્રથમ સ્‍થાન (ગોલ્‍ડ મેડલ).

વર્ષ ૨૦૨૩ માં ૨૬મી જાન્‍યુઆરી ૨૦૨૩-ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા - ધોરાજી ખાતે જિલ્લા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સન્‍માન પત્ર દ્વારા સન્‍માનીત કરવામાં આવ્‍યા.

વર્ષ ૨૦૨૪ માં રાષ્‍ટ્રીય પેરા ઓલિમ્‍પિક સ્‍પર્ધા  ગ્‍વાલિયર- મધ્‍ય પ્રદેશ ખાતે બટરફ્‌લાય સ્‍ટાઈલ ૧૦૦ મીટર - દ્વિતીય સ્‍થાન (સિલ્‍વર મેડલ) હાંસલ કરેલ. એજ વર્ષમાં ૧૫મી ઓગસ્‍ટ ૨૦૨૪-ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા લોધિકા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં સન્‍માન પત્ર દ્વારા સન્‍માનીત કરવામાં આવ્‍યા.

વર્ષ ૨૦૨૪ માં રાષ્‍ટ્રીય પેરા ઓલિમ્‍પિક સ્‍પર્ધા આયોજિત ભારતની પેરા ઓલિમ્‍પિક સમિતિ દ્વારા પણજી- ગોવા ખાતે બટરફ્‌લાય સ્‍ટાઈલ ૧૦૦ મીટર પ્રથમ સ્‍થાન (ગોલ્‍ડ મેડલ), ફ્રી સ્‍ટાઈલ ૧૦૦ મીટર - દ્વિતીય સ્‍થાન (સિલ્‍વર મેડલ). તેમજ ઈવસ ઈન્‍ડિયા ઓપન રાષ્‍ટ્રીય સ્‍વિમીંગ સ્‍પર્ધા - ૨૦૨૪ ચેન્નઈ - તમિલનાડુ ખાતે  બટરફ્‌લાય સ્‍ટાઈલ ૨૦૦ મીટર - પ્રથમ સ્‍થાન (ગોલ્‍ડ મેડલ). ફ્રી સ્‍ટાઈલ ૨૦૦ મીટર - પ્રથમ સ્‍થાન (ગોલ્‍ડ મેડલ) હાંસલ કરેલ.

આમ ખુબ નાની વયમાં મેડલોની હારમાળા આ દિકરીએ સર્જી દીધી છે. જે બદલ તેણીને ઠેરઠેરથી શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતી નિતી રાઠોડ અને બાજુમાં તેણીના માતા તેજલબેન રાઠોડ તથા કોચ વિપુલભાઇ ભટ્ટ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:12 PM IST)