તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
પેડક રોડ પર ‘હની સિલ્વર'માં દારૂની મહેફીલમાં દરોડોઃ ૯ પકડાયા
નિલેષ આસોદરીયાએ સોના-ચાંદીના કાસ્ટીંગના પોતાના કારખાનામાં માણસો ભેગા કર્યા હતાં: બે ખાલી બોટલ મળી, ૧૦૦ રૂપિયાનો દારૂ પણ કબ્જેઃ બી-ડિવીઝનના હેડકોન્સ. હિતેષભાઇ જોગડા, કોન્સ. જગદીશભાઇ ધાંધળ, કોન્સ. રાજાભાઇ ગઢવીની બાતમી પરથી પીઆઇ એસ. એસ. રાણેના માર્ગદર્શનમાં પીએસઆઇ પીઠીયા સહિતનો દરોડો

રાજકોટ તા. ૭: શહેરના સામા કાંઠે પેડક રોડ પર અક્ષર હાઇટ્સની બાજુમાં આવેલા હની સિલ્વર નામના સોના-ચાંદીના કાસ્ટીંગના કારખાનામાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી પરથી બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી કારખાનેદાર સહિત ૯ને પકડી લેતાં મહેફીલના રંગમાં ભંગ પડી ગયો હતો. ઝડપાયેલામાં કારખાનેદાર, ખેડૂત, મજુર, કારીગર, હાર્ડવેરના વેપારી સહિતના સામેલ છે.
જાણવા મળ્યા મુજબ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એન. પીઠીયા સહિતની ટીમ રાતે પેટ્રોલીંગમાં નીકળી ત્યારે સાથેના હેડકોન્સ. હિતેષભાઇ જે. જોગડા, કોન્સ. રાજાભાઇ ગઢવી, જગદીશભાઇ ધાંધળને બાતમી મળી હતી કે પેડક રોડ અક્ષર હાઇટ્સની બાજમુાં હની સિલ્વર નામના સોના ચાંદીના કાસ્ટીંગના કારખાનામા દારૂની મહેફીલ ચાલી રહી છે. આ માહિતી આધારે ત્યાં પહોંચતા હની સિલ્વરનું અડધુ શટર ખુલ્લુ હોઇ અંદર જઇ તપાસ કરતાં કેટલાક શખ્સો હાથમાં પ્લાસ્ટીકના ગ્લાસ રાખીને કંઇક પીતા દેખાયા હતાં. કુલ ૯ શખ્સો અંદર હતા.
ત્યાં દારૂની કાચની બે ખાલી બોટલો પણ હતી. જે બ્લેન્ડર્સ પ્રાઇડ અને ધ રોકફોર્ડ રિઝર્વ બ્રાન્ડની હતી. એક બોટલમાં દસ એમએલ જેટલુ પ્રવાહી ભરેલુ હતું.
તેમજ વેફર, નમકીનના તુટેલા અડધા પાઉચ, પ્લાસ્ટીકના ગ્લાસનું અડધુ બંડલ, પાણીની બે બોટલ, સ્ટીલનો ખાલી ગ્લાસ પણ હતાં. પીએસઆઇ પીઠીયા અને સ્ટાફે ગ્લાસમાં રહેલા પ્રવાહી અને પ્લાસ્ટીકની બોટલમાં રહેલા આશરે બસ્સો એમએલ પ્રવાહીને ચેક કરતાં તે દારૂ હોવાનું જણાતાં નવમાંથી કોઇ પાસે પરમીટ છે કે કેમ તે પુછાતાં ના પાડતાં નવેય શખ્સો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
આ શખ્સોએ પોતાના નામ નિલેષ શૈલેષભાઇ આસોદરીયા (ઉ.વ.૩૦-ધંધો ઇમિટેશન, રહે. કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ શિવરંજની સોસાયટી બ્લોક નં. ૮), કલ્પેશ જયંતિભાઇ ઠુમ્મર (ઉ.વ.૩૮-ધંધો ઇમિટેશન, રહે. લાખેશ્વર સોસાયટી-૨ આડો પેડક રોડ), વિજય હરીભાઇ બોઘરા (ઉ.વ.૩૩-ધંધો ખેતી, રહે. કમળાપુર તા. જસદણ), ધર્મેન્દ્ર કેશુભાઇ રામાણી (ઉ.વ.૩૬-ધંધો ખેતી, રહે. કમળાપુર જસદણ), નેમારામ દુદાજી ચોૈધરી (ઉ.વ.૪૮-પ્રા.નોકરી, રહે. પેડક રોડ હની સિલ્વર નિલેષભાઇના કારખાનામાં, મુળ સદડી પાલી રાજસ્થાન), વિપુલ ભરતભાઇ ડાભી (ઉ.વ.૨૨, ધંધો મજુરી, રહે. હાલ હની કારખાનામાં, મુળ હડમતાળા બોટાદ), હિતેષ સુરેશભાઇ અજાણી (ઉ.વ.૩૫, ધંધો મજુરી, રહે. કુવાડવા રોડ પચાસ ફુટ રોડ શ્રીરામ કોમ્પલેક્ષ ફલેટ નં. ૩૦૧), ધર્મેશ વલ્લભભાઇ સાવલીયા (ઉ.વ.૩૮-ધંધો એ.સી. રિપેરનો, રહે. નાના મવા રોડ ન્યુ ગાંધીનગર સોસાયટી-૮નો ખુણો) તથા પરેશ જયંતિભાઇ રામાણી (ઉ.વ.૩૭-ધંધો હાર્ડવેરની મજુરી, રહે. બાપા સિતારામ ચોક, હાર્મોની સોસાયટી એપાર્ટમેન્ટ એ-૫૦૧ મવડી) જણાવતાં તમામ સામે દારૂ પી મહેફીલ માણવાનો ગુનો નોંધી ધરપડ કરી હતી.
પોલીસે ૧૦ એમએલ જેટલો રૂા. ૧૦૦નો દારૂ પણ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ નિલેષ આસોદરીયાએ પોતાના હની સિલ્વર નામની સોના ચાંદીના કાસ્ટીંગના કારખાના-દૂકાનમાં માણસો ભેગા કરી દારૂની મહેફીલ માંડી હતી.
મિત્રો ભેગા થયા હોઇ બધાએ પીવાનું નક્કી કર્યુ હતું. જેમાં નિલેષ આસોદરીયાના બે કર્મચારી પણ સામેલ થયા હતાં. પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ પીઠીયા, હિતેષભાઇ જોગડા, રાજાભાઇ સહિતે આ કામગીરી કરી હતી
(2:49 PM IST)










