તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
મર્ડરમાં સંડોવાયેલ ભુરો માથાકુટ કરવા ગોતતો'તો એટલે ડરીને ભાવેશે પોલીસ કમિશનર કચેરીએ ફિનાઇલ પી લીધું
મોરબી રોડ પર રહેતો યુવાન પોતાના જુના વિસ્તાર રાણી ટાવર નજીક ચેનભાઇ રાઠોડ સહિતના મિત્રો સાથે બેસતો હોઇ તે ભરત ઉર્ફ ભુરો સોસાને પસંદ નહોતું: ભુરાને પસંદ નહોતું: છેલ્લા પાંચ છ દિવસમાં ભાવેશના અન્ય ત્રણેક મિત્રોને પણ ધોકાવ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૭: શહેરમાં સરાજાહેર ડખ્ખા મારામારી ગુંડાગીરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વધુ એક બનાવમાં મોરબી રોડ પર રહેતાં યુવાને અગાઉ મર્ડરમાં સંડોવાઇ ચુકેલા શખ્સની ધમકીથી ડરીને પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર સ્વસ્તિક વીલા પાસે રહેતો ભાવેશ ડાયાભાઇ બગડા (ઉ.વ.૨૬) નામનો યુવાન રાતે બે વાગ્યે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ફિનાઇલ પી જતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભાવેશના પિતા હયાત નથી અને તે પરિવારનો એકનો એક આધાર છે. તેને સંતાનમાં એક પુત્ર છે અને પોતે કડીયાકામ કરી ગુજરાન ચલાવે છે. ભાવેશે જણાવ્યું હતું કે અગાઉ ખૂનના ગુનામાં સંડોવાઇ ચુકેલો રાણી ટાવર પાસે રહેતો ભરત ઉર્ફ ભુરો સોસા નામનો શખ્સ મને મારકુટ કરવા માટે શોધી રહ્યો હોવાની જાણ થતાં હું ગભરાઇ ગયો હતો અને મેં પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ફિનાઇલ પી લીધુ હતું. મારા મિત્ર ચેતનભાઇ રાઠોડને જાણ થતાં તે પણ આવી ગયા હતાં.
ચેતનભાઇએ કહ્યું હતું કે ભાવેશ અગાઉ રાણી ટાવર પાસે રહેતો હતો. હાલમાં તે મોરબી રોડ પર રહે છે. હું અમારા સમાજના છોકરાઓ ખોટા રસ્તે ન ચડે અને કામધંધા કરે તે માટે પ્રોત્સાહીત કરતો હોઉ અને અમે બધા રાણી ટાવર પાસે ભેગા થતાં હોઇ તે ભરત ઉર્ફ ભુરાને ગમતું નહોતું. આથી મારી સાથે અને ભાવેશ સાથે જેટલા મિત્રો છે એ પૈકીના ત્રણ યુવાનને છેલ્લા પાંચેક દિવસમાં શોધી શોધીને ભુરાએ મારકુટ કરી હતી અને રાણી ટાવરે ભેગા નહિ થવાનું કહી ધમકીઓ આપી હતી.
અગાઉ અમારી સાથે બેસતાં ગોૈતમને મારકુટ કરતાં તેણે પોલીસમાં અરજી કરી હતી. આ અરજીનો ખાર રાખી ફરી વખત ગોૈતમને રાતે ઘરેથી ઉઠાવીને માર માર્યો હતો. તેમજ અન્ય એક યુવાનને પણ માર મારતાં તે ગભરાઇને તેના ગામડે જતો રહ્યો હતો. હવે ભુરો મારી સાથે બેસતાં ભાવેશને શોધી રહ્યો હોઇ ભાવેશે ગભરાઇને પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ફિનાઇલ પી લીધુ હતું. ચેતનભાઇએ વધુમાં કહ્યુ઼ હતું કે રાધેકૃષ્ણ સોસાયટીમાં જગ્યા ખાલી કરાવવા મામલે એક પટેલનું મર્ડર થયું હતું તેમાં બીજા આરોપીઓ સાથે ભરત ઉર્ફ ભુરો પણ સામેલ હતો. મારી સાથે બેસતા મારા મિત્રોને તે શોધી શોધીને મારકુટ કરી ધમકાવી રહ્યો છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
(4:12 PM IST)










