તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
કાલે રવિવારે રાજકોટ જિલ્લાના ૧,૮૮ હજાર બાળકોને અપાશે પોલિયો વિરોધી રસી
૯૨૬ રસીકરણ બુથ, ૧૭૪૧ રસીકરણ ટીમો, ૨૩૦ મોબાઇલ ટીમ આરોગ્ય તંત્ર સજજઃ એક વાર રસી લીધી હોવા છતાં પાંચ વર્ષથી નીચેના બાળકોને રસી અપાવવી જરૂરી

રાજકોટ, તા.૦૭: વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટાપાયે ગ્રસિત કરી બેઠાં છે. વાયરસ, બેક્ટેરિયાથી ફેલાતા અનેક રોગ માનવજાતને સતત તેના અસ્તિત્વના પુરાવા સાથે માનવને નવા સંશોધન સાથે જીવનમાં આગળ વધતા શીખવે છે. સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી તેને બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. આમ છતાં હજુ ઘણા નવા જન્મેલા બાળકોને સુરક્ષા આપવામાં માતા-પિતા સક્ષમ નથી, ત્યારે આ રોગોથી તેમને સુરક્ષિત રાખવાનું ઉમદા કાર્ય રાજય સરકારનો આરોગ્ય વિભાગ કરી રહ્યો છે.
જન્મતા જ બી.સી.જી.ની રસી થી લઈ નૂરબીબી, ઓરી,અછબડા, મગજના તાવ, ગંભીર લીલા ઝાડ અને ન્યુમોનિયાની રસી જેવા બાળકોના જીવના દુશ્મન આ તમામ રોગની રસી પણ સરકાર નિઃશુલ્ક પૂરી પાડે છે. ત્યારે આ રસીઓમાં પોલિયોની રસીની ઝુંબેશને કેમ ભૂલી શકાય? કાલે ૦૮ ડિસેમ્બરના રોજ, ‘પોલિયો દિવસ' નિમિત્તે રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.
આવતી કાલે રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારના દિવસે ૧,૮૮,૫૫૭ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. આ અભિયાનના ભાગ રૂપે ભારત સરકાર જિલ્લાના તાલુકાના ગ્રામ્ય/નગરપાલીકા વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે.
રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના ૧,૮૮,૫૫૭ બાળકોને રસી આપવા માટે ૯૨૬ રસીકરણ બુથ તથા ૧૭૪૧ રસીકરણ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો મળીને કુલ ૩૫૧૦ ટીમના સભ્યો સમગ્ર કામગીરી કરશે. જેના અસરકારક સુપરવિઝન માટે ૧૮૭ સુપરવાઈઝરો નીમવામાં આવ્યા છે. અંતરિયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ૨૩૦ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે ઉપરાંત, રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.
પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવી અને ત્યાં પોલિયો વિરોધી રસી આરોગ્ય ટીમ દ્રારા આપવામાં આવશે. તા. ૦૯ અને ૧૦ ડિસેમ્બરના રોજ આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળકને રસી બાકી ન રહે તેની ખાત્રી કરશે તેમજ રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસી આપશે. જે માટે ૧૭૪૧ રસીકરણ ટીમો બનાવવામાં આવી છે.
કામગીરીના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમિટી બનાવવામાં આવી છે, જેના દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કામગીરી માટે જિલ્લાના વર્ગ-૧ ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિમવામાં આવેલ છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.કે.સિંધ તેમજ આરોગ્ય વિભાગની ટીમ સંભાળી રહયા છે. આ અભિયાનમાં જોડાઈ રાજકોટ જિલ્લાના વાલીઓ તા.૦૮ ડિસેમ્બર-ર૦ર૪ ના રોજ પોલિયો રવિવારના દિવસે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી અપાવવા બુથ પર આવે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે
(12:50 PM IST)










