News of Thursday, 5th December 2024
ડઝનથી વધુ ગુનામાં સામેલ પ્રતિક ચંદારાણાનો લાલપરીમાં મધરાતે આતંકઃ હિરેન ગરચર, તેના માતા પર હુમલો
મારા રૂપિયા દેવા જ પડશે નહિતર તારા ત્રણેય દિકરાને પતાવી દઇશ કહી ત્રણ સાગ્રીતો સાથે મળી હોકીથી મારકુટ કરીઃ નંબર વગરની સ્કોર્પિયોમાં ભાગી ગયો : માંડા ડુંગર પાસે રહેતાં હિરેનની બી-ડિવીઝનમાં ફરિયાદઃ અગાઉ તમારા પડોશી નરેશે કેસ કર્યો તેમાં મને જેલ થઇ હતી, છુટવાના ખર્ચના રૂપિયા તમારે દેવા પડશે કહી પરમદિવસે માથાકુટ કરતાં હિરેન તેના માતા, ભાઇઓ સહિતના પરિવારજનો ડરીને લાલપરીએ દાદાના ઘરે જતાં રહેતાં ત્યાં પહોંચીને પ્રતિકે ધમાલ મચાવી

રાજકોટ તા. ૫: હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ, દારૂ, મારામારી સહિતના એક ડઝનથી વધુ ગુનાઓમાં સામેલ અને અગાઉ ગયા મહિને બામણબોરના પત્રકાર બાબુલાલ ડાભી પર હીચકારો હુમલો કરનારા નામચીનની છાપ ધરાવતાં પ્રતિક ચંદારાણાએ વધુ એક ડખ્ખો કર્યો છે. પ્રતિક તથા ત્રણ અજાણ્યા શખ્સોએ ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી પાસે રહેતાં યુવાનની ઘરે જઇ અગાઉની ફરિયાદને કારણે પોતાને જેલમાં જવું પડયું હોઇ તેના ખર્ચના રૂપિયા આ યુવાન અને તેના માતા પાસે માંગી મા-દિકરાને અને વચ્ચે પડેલા યુવાનના કાકાને પણ હોકી અને ઢીકાપાટુનો માર મારી ઇજા કરી મારી યુવાનના માતાને જો મારા રૂપિયા નહિ આપો તો તમારા ત્રણેય દિકરાને પતાવી દઇશ તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં આજીડેમ ચોકડી નજીક માનસરોવર નજીક માંડા ડુંગર પાસે શિવમ્ સોસાયટીમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં હિરેન મહેશભાઇ ગરચર (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે માન સરોવર માંડા ડુંગર પાસે શિવમ્ સોસાયટી નજીક હિંગળાજ પાનવાળી શેરીમાં રહેતા઼ પ્રતિક દિલીપભાઇ ચંદારાણા અને ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બીએનએસ કલમ ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧ (૨), ૫૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. હિરેન ગરચરે જણાવ્યું છે કે હું મારા માતા અલ્પાબેન (ઉ.વ.૪૧), નાના ભાઇ હાર્દિક અને ક્રિશ સાથે રહુ છું અને મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. મારા પિતા હયાત નથી. મારા માતાએ હાલમાં અશોકભાઇ મહેતા (ઉ.વ.૪૦) સાથે કોર્ટ મેરેજ કર્યા હોઇ તેઓ પણ અમારી સાથે જ રહે છે. અમારા લત્તામાં જ પ્રતિક ચંદારાણા રહે છે. આજથી સાતેક મહિના અગાઉ અમારા લત્તાના નરેશભાઇ ભાલીયા સાથે પ્રતિકે મારામારી કરી હતી.
તે વખતે નરેશભાઇના બનેવી અશોકભાઇ ભગાભાઇ ચોહાણે આજીડેમ પોલીસમાં પ્રતિક વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. એ કારણે પ્રતિકને ત્રણેક મહિના જેલમાં જવુ પડયું હતું. છુટીને ઘરે આવી પ્રતિકે નરેશભાઇ ભલીયા સાથે પોતે મારામારીના કેસમાં જેલમાં ગયો હોઇ તેનો ખાર રાખી અમે નરેશભાઇના પડોશી હોઇ અમારા પર ખાર રાખ્યો હતો. અમારે નરેશભાઇ સાથે કંઇ લેવા દેવા ન હોવા છતાં પ્રતિકે પોતાને જેલમાંથી છુટવાનો ખર્ચ થયો તેના રૂપિયા અમારી પાસે માંગ્યા હતાં. આ કારણે તે ગઇકાલે ઝઘડો કરવા આવતાં અને અમારી સાથે મારામારી કરતાં અને મારા માતાને પણ મારકુટ કરતાં અમે ડરીને અમારા લાલપરી પાસે આવેલા મારા દાદા રમેશભાઇના ગોવિંદભાઇ ગરચર એકલા રહેતાં હોઇ તેના ઘરે આવી ગયા હતાં.
દરમિયાન હું અને મારા બંને ભાઇઓ તથા મારા માતા અને અશોકભાઇ એમ બધા અમે રાતે દાદાના ઘરે હતાં ત્યારે ત્રણેક વાગ્યે ઘરની ડેલી કોઇએ ખખડાવતાં અવાજ આવતાં મારા માતા જાગી ગયા હતાં અને અમને પણ જગાડયા હતાં. ડેલી ખોલીને બહાર જોતાં નંબર વગરની કાળા રંગની બોલેરોમાં પ્રતિક અને અજાણ્યા શખ્સો હોકી સાથે આવ્યાનું જોવા મળ્યું હતું. પ્રતિકે મારા માતાને-હું જેલમાં ગયો તેના ખર્ચના રૂપિયા આપવા છે કે નહિ? તેમ કહેતાં મારા માતાએ કારણ વગરના અમારે કોઇ રૂપિયા આપવાના થતાં નથી તેમ કહેતાં પ્રતિકે ગાળો દીધી હતી.
તેમજ બાદમાં ઉશ્કેરાઇ જઇ હોકીથી હુમલો કરી મારા માતાને માર મારવા માંડતાં હું વચ્ચે પડતાં મને પેડુમાં અને શરીરે આડેધડ હોકીના ફટકા માર્યા હતાં. જેમાં મને મુંઢ ઇજા થઇ હતી. પ્રતિકે મારા માતાને જો રૂપિયા નહિ આપો તો શાંતીથી જીવવા નહિ દઉં, તારા ત્રણેય દિકરાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પ્રતિક સાથેના ત્રણ શખ્સોએ અમારી ાસથે રહેતાં અશોકભાઇ વચ્ચે પડતાં તેને મારકુટ કરી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં પ્રતિક સહિતના ભાગી ગયા હતાં. અમને દુઃખાવો થતો હોઇ સારવાર માટે ગયા હતાં. બાદમાં અમે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં હિરેન ગરચરે જણાવતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેના માર્ગદર્શનમાં હેડકોન્સ. હિતેષભાઇ જે. જોગડાએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે ગયા મહિને ચોૈદમી તારીખે પ્રતિક ચંદારાણાએ માંડા ડુંગર નજીક બામણબોરના પત્રકાર બાબુભાઇ ડાભી સમુહલગ્નની કંકોત્રી આપવા નીકળ્યા ત્યારે તેમને આંતરી પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. અગાઉ બામણબોરમાં નકલી ડોક્ટરનો તોડ કરવા પ્રતિકે પેંતરો રચ્યો હોઇ તેમાં બાબુભાઇએ પોલીસને જાણ કરી દીધી હતી. તેનો ખાર રાખી પ્રતિકે તેમના પર હુમલો કર્યો હતો. આ ગુનામાં તાજેતરમાં જ પ્રતિકની આજીડેમ પોલીસે ધરપકડ કરી હતી. હવે તેણે વધુ એક હુમલો કર્યો છે. (૧૪.૮)
હુમલાખોર પ્રતિક વિરૂધ્ધ ૧૨થી વધુ ગુનાઓઃ ગયા મહિને બામણબોરના પત્રકારે પાઇપથી ફટકાર્યા હતાં
ઞ્જમારામારી હુમલાની ટેવ ધરાવતાં પ્રતિક દિલીપભાઇ ચંદારાણા (રહે. માંડાડુગર પાસે શિવમ સોસાયટી) પાસે પ્રેસનું કાર્ડ પણ છે! આ શખ્સ વિરૂધ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એક ડઝન ગુના નોંધાઇ ચુક્યા છે. બી-ડિવીઝનમાં દારૂ, આજીડેમમાં ૩૦૭, ડીસીબી, બી-ડિવીઝનમાં દારૂના અલગ અલગ ગુનાઓ, બી-ડિવીઝનમાં ફરજમાં રૂકાવટ, હુમલાનો ગુનો, કુવાડવામાં દારૂનો ગુનો મળી કુલ ૧૨ ગુના અગાઉ નોંધાઇ ચુક્યા છે. છેલ્લે એલસીબી ઝોન-૧ ટીમે તેને આજીડેમના હત્યાની કોશિષના અને બી-ડિવીઝનના દારૂના ગુનામાં પકડયો હતો. આટલા ગુનાઓમાં સામેલ પ્રતિક સામે વધુ એક મારામારીનો ગુનો આજીડેમ પોલીસમાં ગત ૧૪મી નવેમ્બરે દાખલ થયો હતો. એ ગુનામાં પકડાયો અને છુટયો ત્યાં હવે બી-ડિવીઝનમાં મારામારીનો ગુનો દાખલ થયો છે.
(2:58 PM IST)










