તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
હત્યાની કોશિષની કલમ રદ થતાં પીઆઇ સંજય પાદરીયા સામેથી રજૂઃ નિવેદન લઇ મુક્ત કરાયા
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો :નિવાસ સ્થાન નજીક સમર્થકોએ ફટાકડા ફોડી હારતારો કરી સન્માન કર્યુઃ હવે સસ્પેન્સ પણ પાછુ ખેંચાય તેવી શક્યતા

પીઆઇ સંજય પાદરીયા પોલીસ સ્ટેશનમાંથી મુક્ત થયા બાદ તેમના નિવાસ સ્થાને પહોંચતા હારતોરા કરી, મીઠુ મોઢુ કરાવાયું હતું અને સમર્થકોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યુ હતું. (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૩: શહેરના કણકોટ પાસેના પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર આગેવાન સરદારધામના સોૈરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારા પર જુનાગઢ એસઆરપી રીજીયન પીઆઇ સંજય પાદરીયાએ તું સમાજનો ગદ્દાર છો કહી ઝઘડો કર્યા બાદ બહાર પાર્કિંગમાં તેના પર હીચકારો હુમલો કરી પિસ્તોલ જેવા હથીયારથી ફટકારી હત્યાનો પ્રયાસ કર્યાની ઘટનામાં તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પરંતુ સીસીટીવી કેમેરાના ફુટેજ, જયંતિભાઇ ઇજાના તબિબી રિપોર્ટ સહિતની તપાસને અંતે આ ઘટનામાં હત્યાની કોશિષનો ગુનો બનતો ન હોઇ માત્ર મહાવ્યથાની કલમ હેઠળ કાર્યવાહી કરવાનો રિપોર્ટ પોલીસે કોર્ટમાં કર્યો હતો. હત્યાની કોશિષની કલમ રદ કરવાની કાર્યવાહી થતાં જ પીઆઇ સંજય પાદરીયા ગત સાંજે તાલુકા પોલીસમાં રજૂ થઇ જતાં તેનું નિવેદન લઇ નોટીસ આપી જવા દેવામાં આવતાં પીઆઇ પાદરીયાનું તેમના નિવાસસ્થાન આસપાસ ફટાકડા ફોડી હારતોરા કરી સન્માન કરાવાયું હતું.
આ બનાવમાં હત્યાની કોશિષની કલમ રદ કરવાનો રિપોર્ટ થતાં જ ગઇકાલે પીઆઇ સંજય પાદરીયા કે જેને ગુનો નોંધાયો એ સાથે જ સસ્પેન્ડ કરી દેવાયા હતાં તે ગત રાતે એસીપી બી. જે. ચોધરી સમક્ષ હાજર થયા હતાં. પોલીસે સંજય વશરામભાઇ પાદરીયા (ઉ.વ.૪૧-રહે. એ-૫૬, આલાપ એવન્યુ યુનિવર્સિટી રોડ, મુળ ગામ પીપર તા. કાલાવડ) પોલીસ સ્ટશનમાં તા. ૨-૧૨-૨૪ના રોજ તેમના વિરૂધ્ધ અગાઉ નોંધાયેલા બીએનએસ કલમ ૧૧૫ (૨), ૧૧૮ (૧), ૩૫૨, ૩૫૧ (૩), ૧૧૭ (૨) તથા જીપીએક્ટ ૧૩૫ (૧) અંતર્ગત હાજર થયાની નોંધ કરી હતી. તેમજ સાંજના ૭:૫૦થી ૮:૨૦ સુધી પુછપરછ કરી નિવેદન લઇ સુપ્રિમ કોર્ટની ક્રિમીનલ અરજી અનુસંધાને ઉક્ત કલમ મુજબ તેને નોટીસ પાઠવી નિવેદન લઇ જ્યારે પણ કોર્ટ બોલાવે ત્યારે હાજર રહેવાની સમજ કરી મુક્ત કરેલ છે.
આ ઘટનામાં અગાઉ તપાસ થયા બાદ ડીસીપી જગદીશ બાંગરવાએ જાહેર કર્યુ હતું કે આ બનાવ હત્યાના પ્રયાસનો ન હોવાથી આ કલમ દુર કરવા અને મહાવ્યાથી કલમ ઉમરેવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. પીઆઇ સંજય પાદરીયા પોલીસ સમક્ષ હાજર થતા તેના સમર્થકો બહોળી સંખ્યામાં સાથે રહ્યા હતા અને ઘરે પહોંચ્યા પછી તેમનું સમર્થકો, પરિવારજનો દ્વારા હારતોરા કરી ફટાકડા ફોડી સન્માન કરાયું હતું. હવે તેમનું સસ્પેન્સન પણ ઝડપથી પાછુ ખેંચાઇ જવાની શક્યતા છે.
(2:53 PM IST)










