તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
બકરા ભરેલી ગાડીના ચાલક સહિતના અને ગૌરક્ષકો વચ્ચે માલિયાસણ વચ્ચે મારામારી: કુવાડવા પોલીસે સામ સામે ગુનો દાખલ કર્યો

રાજકોટઃ ગૌરક્ષકો અને બકરા ભરેલી ગાડીના ચાલક સહિતના વચ્ચે માલિયાસણ વચ્ચે મારામારી થતા પોલીસે સામસામી ફરિયાદ દાખલ કરી છે. ગૌરક્ષકોને માહિતી મળી હતી કે ચોટીલાથી વિસથી વધુ બકરા ભરેલી ઈકો ગાડીમાં કેટલાક શખ્સો રાજકોટ આવી રહ્યા છે. આ પછી ગૌરક્ષકો થાનગઢ પહોંચ્યા હતા અને ત્યાંથી ઈકો કાર નં.જીજે૩એચઆર-૭૫૬૦નો પીછો કરી રહ્યા હતા. કાર ચલાવી રહેલા મજીદ ઉર્ફે મજલો ઉર્ફે કરીમભાઈ માંડિલયા (રહે.રાજકોટ)ને તેની ગાડીનો પીછો થઈ રહ્યાની ભનક લાગી જતાં તેણે કાર ખૂબ વધુ ઝડપે ભગાવી મુકી હતી. દરમિયાન ગાડી કૂવાડવા પહોંચી ત્યારે માલિયાસણ ગામે આઈઓસી પ્લાન્ટ સામે જલાલશાપીરની દરગાહ પાસે ગાડી ઉભી રખાવતાં હરેશ ચૌહાણ, વિશાલ, વિપુલ ઉર્ફે ભોલું સહિતનાએ ગાડી પકડી પાડી હતી.
જો કે મજીદે રસ્તામાંથી જ પોતાના પરિચિતોને ફોન કરી દેતાં તેઓ પણ અગાઉથી ત્યાં ગોઠવાઈ ગયા હોય ગૌરક્ષકો અને બકરાં લાવનાર ટોળકી વચ્ચે છૂટાહાથની મારામારી થતાં વિપુલ ઉર્ફે ભોલુ નામના ગૌરક્ષકને નાકમાં ઈજા પહોંચી હતી તો સામેપક્ષે એક શખ્સને છરી લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન કૂવાડવા રોડ પોલીસ મથકે મજીદ ઉર્ફે મજલો માંડલિયાએ નંબર વગરની સ્વિફટ કારમાં આવેલા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી તો ગૌરક્ષકો તરફે વિપુલ ઉર્ફે ભોલુ ભરતભાઈ સાકરિયાએ ઈકો કારનં.જીજે૩એચઆર-૭૫૬૦ના ચાલક સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં કુવાડવા પોલીસે બન્ને પક્ષની ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
(9:03 PM IST)










