News of Tuesday, 19th November 2024
રાજકોટના પીજીવીસીએલના એન્જીનીયર ભરત ગોહેલને છ હજારની લાંચના કેસમાં ત્રણ વર્ષની સજા ફરમાવતી સેસન્સ કોર્ટ
લાંચની રકમ સ્વીકારી નથી કોઇ ઓફિસના ડસ્ટબીનમાં નાખી ગયેલ છે તેવા આરોપી દ્વારા લેવાયેલ બચાવમાં વિરોધાભાસ છેઃ જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાની સફળ રજુઆત

રાજકોટ તા.૧૪ :વર્ષ ૨૦૦૬માં પી.જી.વી.સી.એલ.માં એક્ઝીકયુટીવ એન્જીનીયર તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવતા આરોપી ભરત ભીખાભાઈ ગોહેલ, હાલ ઉ.વ. ૬૩ એ ફરયાદી મુકેશભાઈ બાબુભાઈ શાહ પાસેથી બીલ પાસ કરાવવાના અવેજ પેટે રૂપીયા સાડા છ હજારની લાંચ સ્વિકાર્યા બદલ રાજકોટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રકીટ જજ શ્રી વી.બી. ગોહિલ ત્રણ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે.
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ફરીયાદી મુકેશભાઈ બાબુભાઈ શાહ રહે. સોમનાથનાઓએ પી.જી.વી.સી.એલ.ને જૂનાગઢ-પોરબંદર સર્કલમાં ૧૬૨૦ ઈલેક્ટ્રીક પોલ સપ્લાય કરવાના કોન્ટ્રાકટ પેટે પોતાના બિલ મુકેલ હતા. આ બીલો રાજકોટ ખાતે આરોપી ભરત ભીખાભાઈ ગોહેલનાઓએ પાસ કરવાના થતા હતા. આ બીલની રકમ પાસ કરવા માટે આરોપીએ પ્રતિ પોલના રૂા. ૦૪/- લેખે રૂા ૬,૪૮૦/- લાંચ પેટે માંગેલ હતા. ફરીયાદી મુકેશભાઈ શાહે આ અંગે એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા ટ્રેપ દરમીયાન આરોપી ઝડપાઈ ગયેલ હતા.
આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ હતો કે આ લાંચની રકમ આરોપીના ટેબલની પાછળ ડસ્ટબીનમાંથી મળી આવેલ હતી તેથી આરોપીએ લાંચની માંગણી કરેલ હોય કે લાંચ સ્વિકારેલ હોય તેમ સાબીત થતું નથી. આ ઉપરાંત આરોપીએ પોતે સોગંદ ઉપર જુબાની આપી બચાવ લીધેલ હતો કે ટ્રેપ વખતે આરોપી પોતાના સીનીયર ઓફિસરને મળવા માટે ઉપરના માળે ગયેલ હતા તેથી ફરીયાદી અને પંચ આરોપીની ચેમ્બરમાં તેમની ગેરહાજરીમાં આવેલ હતા અને તેથી આ રકમ તેમના ડસ્ટબીનમાં કેવી રીતે આવેલ છે તે તેઓ જાણતા ન હતા.
શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે. વોરા એ જણાવેલ હતુ કે પ્રોસીકયુશન તરફે પાંચ સાહેદોની જુબાની નોંધવામાં આવેલ છે પરંતુ આરોપી તરફેની ઉલટ તપાસમાં ટ્રેપ વખતે તેઓ પોતાની ચેમ્બરમાં ન હતા તેવો કોઈ બચાવ લેવામાં આવેલ નથી. પ્રોસિકયુશનનો સમગ્ર પુરાવો પુરો થઈ ગયા બાદ આ બચાવ લેવામાં આવેલ છે. આ પ્રકારનો વિરોધાભાસી બચાવ કાયદા મુજબ માન્ય નથી. આ ઉપરાંત આરોપીની ગેરહાજરીમાં તેમની ચેમ્બરમાં આવીને કોઈ વ્યકિત ડસ્ટબીનમાં
લાંચની રકમનું કવર મુકી જાય અને આરોપીને તેની જાણ ન થાય તે ઙ્કકારનો બચાવ નાટકીય સ્વરૂપનો છે. ટ્રેપ સમયે જો આરોપી પોતાની ચેમ્બરમાં ન હોવાની વાત સાચી હોય તો તેઓએ પોતાના ઉપરી અધિકારીને સાહેદ તરીકે તપાસવા જોઈએ અને સાબિત કરવુ જોઈએ કે આરોપી તેઓ પોતાની ચેમ્બરમાં ન હતા. વધુમાં ફરીયાદીએ જો તેમને ખોટી રીતે ફસાવવા માટે લાંચની રકમ ડસ્ટબીનમાં મુકી દીધેલ હોય તો આવા ગુન્હાહીત કળત્ય માટે આરોપીએ ફરીયાદી સામે કોઈ ફોજદારી કેસ કરવો જોઈએ તેમજ આ અંગેની રજુઆત ચાર્જશીટની મંજુરી આપનાર ઉપરી અધિકારી સમક્ષ પણ કરવી જોઈએ. કોઈ આરોપી નિર્દોષ હોય તો તેવો નિર્દોષ માણસ જે જે રજુઆતો કરે અને બચાવ લેય તેવી કોઈ રજુઆત કે તેવો કોઈ બચાવ આરોપીએ સમગ્ર પોલીસ તપાસ દરમિયાન લીધેલ નથી. આ ઉપરાંત કાયદાની જોગવાઈ મુજબ ગુન્હો બનતી વખતે કોઈ આરોપી ગેરહાજર હોય તો તેઓએ ‘એલીબી' એટલે કે હાજરીનો બચાવ સહુપ્રથમ તબક્કે સહુથી પહેલા લેવાની જોગવાઈ છે. પરંતુ આ આરોપીએ આવો કોઈ બચાવ કેસ પુરો થતા સુધી લીધેલ નથી. આ તમામ કારણોસર આરોપીએ પોતાની ગેરહાજરીનો લીધેલ બચાવ અમાન્ય અને નાટકીય છે તેથી તેને તકસીરવાન ઠેરવવા જોઈએ. શ્રી સરકાર તરફેની આ રજુઆતને અંતે સ્પેશ્યલ કોર્ટના જજ શ્રી વી.બી. ગોહિલે આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવેલ છે.
આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.
(2:32 PM IST)










