<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ક્રાઇમ શો નિહાળી ૮.૩૯ લાખની રોકડ ચોરી રકમ ઝાડીમાં છુપાવી દીધી'તીઃ કમલેશ પ્રજાપતિ ઝડપાયો

બે દિવસ પહેલા જ નોકરી છોડી, પછી એ જ ટ્રાન્‍સપોર્ટ કંપનીની ઓફિસમાં હાથફેરો કર્યો : માધાપર ચોકડી પાસે થયેલી ચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ ગોહિલ, મશરીભાઇ ભેટારીયા, ભગીરથસિંહ, શબ્‍બીરભાઇ સહિતની ટીમે કલાકોમાં ઉકેલી નાખ્‍યો :પોતાના ફિંગર પ્રિન્‍ટ ન આવે તે માટે કમલેશે રૂમાલનો ઉપયોગ કર્યો'તોઃ શરીરનું એકેય અંગ કેમેરામાં ન દેખાય એવો પહેરવેશ ધારણ કર્યો હતોઃ પણ હાલચાલને આધારે ઓળખાઇ ગયો

રાજકોટ તા. ૧૩: શહેરની માધાપર ચોકડી નજીક આવેલા એમેઝોન કંપનીના ટ્રાન્‍સપોર્ટની ઓફિસમાંથી તાળા તોડયા વગર ત્‍યાં જ રહેતી ચાવીથી અને પાસવર્ડથી તિજોરી ખોલી અંદરથી રૂા. ૮,૩૯,૦૦૦ની ચોરી કરવામાં આવતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાને આધારે તપાસ કરતાં આ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો. અગાઉ અહિ નોકરી કરી ચુકેલા મુળ યુપીના કમલેશ ઓમપ્રકાશભાઇ પ્રજાપતિ (ઉ.વ.૨૦-રહે. મનહરપુર-૧, એફસીઆઇ ગોડાનિ સામે નવી કોર્ટની સામે જામનગર રોડ)ને પકડી લઇ રોકડ કબ્‍જે લીધી છે. રૂપિયાની જરૂર હોઇ આ શખ્‍સે ડુપ્‍લીકેટ ચાવીનો ઉપયોગ કરી તેમજ પોતે નોકરી કરી ગયો હોઇ ઓફિસની તિજોરીનો પાસવર્ડ જાણતો હોઇ અને રોકડ કયારે આવે છે અને ક્‍યાં સુધી તિજોરીમાં રહે છે તે જાણતો હોઇ ચોરી કરી રોકડની થેલી ઘર નજીક ઝાડી જાખરામાં છુપાવી દીધી હતી. તે રોકડ લઇ ભાગે એ પહેલા પકડી લેવાયો હતો.

ચોરીના બનાવ અંગે ઓફિસના મેનેજર માધાપર ચોકડી માધાપર ચોકડી પાસે શેઠનગરની બાજુમાં વર્ધમાન કોમ્‍પલેક્ષમાં રહેતાં પ્રકાશ ચંદુભાઈ જોગીયા (ઉ.વ.૩૮)ની ફીરયાદ પરથી ગુનો દાખલ કરાયો હતો. તેણે  જણાવ્‍યુ઼ હતું કે તે જય મુરલીધર નામની ટ્રાન્‍સપોર્ટ પેઢીમાં છેલ્લા છ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. તેની પેઢીમાં એમેઝોનના તમામ પાર્સલ આવે છે. જેની ડિલીવરીનું કામ કરવામાં આવે છે. ૧૧મીએ સાંજે આઠેક વાગ્‍યે તે ઓફિસેથી ઘરે જવા રવાના થયો હતો. રાત્રે ૧૧.૩૦ વાગ્‍યાની આસપાસ ઓફિસમાં કામ કરતાં સુપરવાઈઝર દિપભાઈએ મેઈન શટરને એક બાજુ લોક કરી તેનો ફોટો વોટસએપ ગુ્રપમાં શેર કર્યો હતો. બારમીએ સવારે દસેક વાગ્‍યે તે ઘરેથી ઓફિસે જવા માટે નીકળી ગયા હતા ત્‍યારે રસ્‍તામાં ઓફિસના કર્મચારી જીતુભાઈએ કોલ કરી જણાવ્‍યું કે બેન્‍ક વાળા રૂપિયા લેવા આવ્‍યા છે પરંતુ તિજોરીમાં રૂપિયા નથી. તેણે તત્‍કાળ ઓફિસે પહોંચી તપાસ કરતાં  તિજોરીમાં રાખેલા રૂા.૮.૩૯ લાખ  ગાયબ હતા. તિજોરીની ચાવી કાઉન્‍ટરના ખાનામાં રાખે છે. ચાવી અને પાસવર્ડની મદદથી તિજોરી ખુલે છે. 

આ જોતાં કોઇ જાણભેદુની સંડોવણીની શંકા ઉભી થઇ હતી. ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતાં પેઢીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક બુકાનીધારી દેખાયો હતો. આ બીજો કોઇ નહિ પણ અગાઉ નોકરી કરી ચુકેલો મનહરપુર-૧માં રહેતો કમલેશ હોવાનું જણાઇ આવતાં તેને ઉઠાવી લીધો હતો. પુછતાછ કરતાં તેણે ચોરી કબુલી હતી અને રોકડ નવી કોર્ટ સામે ઝાડી જાખરામાં છુપાવી દીધાનું કબુલતાં પોલીસે રકમ પણ કબ્‍જે કરી હતી. પગાર ઓછો પડતો હોવાથી તે બે દિવસ પહેલા જ નોકરીમાંથી છુટો થો હતો. પૈસાની જરૂર હોવાથી ચોરી કર્યાનું રટણ કર્યુ હતું. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ એસ. એલ. ગોહિલ, હેડકોનસ. ભગીરથસિંહ જાડેજા, મશરીભાઇ ભેટારીયા, શબ્‍બીરખાન મલેક, કોન્‍સ. રોહીતદાન ગઢવી, અમીનભાઇ ભલુર, મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, ભરતભાઇ મકવાણાની ટીમે આ ભેદ ઉકેલ્‍યો હતો.

ઝડપાયેલા કમલેશે આ ચોરીને અંજામ આપતાં પહેલા મોબાઇલ ફોનમાં એક ક્રાઇમ બેઝ ટીવી શો જોયો હતો અને તેમાંથી પ્રેરણા લઇ ચોરીને અંજામ આપ્‍યો હતો. ઓફિસમાં કુલ નવ જણા કામ કરે છે. જેમાં પોતે અન્‍ય વિભાગમાં બેસતો હતો, પણ કયારેક કેશીયર બહાર ગયા હોય ત્‍યારે તે તિજોરી પાસે બેસતો હોઇ પાસવર્ડ જાણી લીધા હતાં. પોતાના ફિંગર પ્રિન્‍ટ ન આવે તે માટે હાથ ઉપર પણ રૂમાલ ઢાંકી લીધા હતાં. કમલેશનો પરિવાર મુળ યુપીનો છે. પોતે માતા-પિતા સાથે મનહરપુરમાં રહે છે અને તેના ભાઇઓ યુપી રહે છે. તે રોકડ લઇ નાશી છુટે એ પહેલા ઝડપી લેવામાં સફળતા મળી હતી.

(2:27 PM IST)