<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

નાગરીક બેંકની ચૂંટણી અટકાવો : વહિવટદર નિમોઃ નિદત બારોટે કૌભાંડ અંગે ૭ મહિના પહેલા રીઝર્વ બેંકને ફરિયાદ કરી છે

રાજકોટ કલેકટરને એપ્રીલ-ર૦ર૪માં પણ ફરિયાદ કરાઇ છેઃ કોઇ તપાસ થઇ નથી.... : રીઝર્વ બેંકે ફરિયાદની ગંભીરતા લેવા નાગરિક બેંકને આદેશો કર્યા છેઃ લોકોના પૈસા ડૂબે નહિ તે માટે માંગણી કરાઇ હતી : કલેકટર દ્વારા યોગ્‍ય તપાસ નહિ થાય તો કોર્ટમાં જવાની ફરજ પડશેઃ કોંગ્રેસ આગેવાનોનું કલેકટરને આવેદન

આજે શહેર કોંગ્રેસના આગેવાનોએ રાજકોટ નાગરીક સહકારી બેંકની ચુંટણી  અટકાવવા - વહિવટદાર નિમવા આવેદનપત્ર આપી માંગણી કરી હતી. (ર૬.રપ)

રાજકોટ તા.૧૧ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અતુલ રાજાણી તથા અન્‍ય આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી નાગરિક સહકારી બેંકની ચુંટણી અટકાવીને વહિવટદાર નીમવા બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે રાજકોટ નાગરીક સહકારી બેંકની ડાયરેકટરોની ચુંટણી પ્રક્રિયા આપના  દ્વારા શરૂ કરવામાં આવી છે. વિવિધ લોકો દ્વારા ઉમેદવારીકરવામાં આવી છે. રાજકોટ નાગરીક સહકારી બેંકમાં ૩.પ લાખથી વધુ નાગરીકો શેર હોલ્‍ડર તરીકે છે. હાલમાં ડેલીગેટ પધ્‍ધતિથી ચુંટણી પ્રક્રિયા ચાલી રહી છે.

નાગરીક સહકારી બેંકની ચુંટણીમાં ભુતપુર્વ ચેરમેન અને વર્તમાન ડાયરેકટરો દ્વારા જાહેરમાં  સામ સામે ભ્રષ્‍ટાચાર અને કૌભાંડોના આક્ષેપ કરવામાં આવ્‍યા છે. કોઇ જગ્‍યાએ પોલીસ ફરિયાદ  નોંધાયાની બાબત જાહેર થઇ છે. કરોડો રૂપિયાનું કૌભાંડ થયુ તેવા આક્ષેપો વચ્‍ચે અમારા પક્ષના ડો. નિદત બારોટ દ્વારા આજથી ૭ મહિના પહેલા રીઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયાના ગર્વનરને ફરીયાદ  કરવામાં આવી હતી. સંદર્ભે-૧ થી તેની નકલ સામેલ છે. સંદર્ભ -૪માં રીઝર્વ બેંક ઓફ ઇન્‍ડીયાએ નાગરીક બેંકને સુચના આપી હતી કે આ ફરિયાદની ગંભીરતાને લઇને ફરીયાદીને જવાબ આપવો. હજુ સુધી નાગરીક બેંક રાજકોટ દ્વારા આ જવાબ આપવામાં આવ્‍યો નથી. સંદર્ભ-ર થી જોડેલ પત્ર મુજબ રાજકોટના કલેકટરને તા.૪-૪-ર૦ર૪ના રોજ સવારે ૧૦.૪૩ વાગ્‍યે ઇ-મેઇલ કરીને ફરીયાદ કરવામાં આવી હતી અને નાગરિક બેંમાં ચાલતા કૌભાંડો સંદર્ભે  શેર હોલ્‍ડર્સના હીતને ધ્‍યાનમાં રાખીને તપાસ કરવી જોઇએ તેવી માંગણી કરવામાં આવીહતી. આપના કચેરી દ્વારા આ સંદર્ભે કોઇતપાસ થયાનું જણાતુ નથી. તા.૪-૪-ર૦ર૪ના રોજ સંદર્ભ-૩ થી રજિસ્‍ટ્રાર કો-ઓપરેટીવ સોસાયટી ગુજરાત રાજયને ફરીયાદ કરવામાં આવી હતી. જે સામે પણ હજુ સુધી કોઇ પ્રક્રિયા થઇ નથી. ઉપરોકત તમામ ફરીયાદો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહયુ છે. અમારી ૭ મહિનાની જુની ફરીયાદમાં એમ જણાવ્‍યું

 હતું કે, નાગરીક બેંકમાં ભરતીઅને લોન બાબતમાં કૌભાંડ અને ભ્રષ્‍ટાચાર  ચાલી રહયો છે. નાગરિક બેંકના  સતાધીશોએ જ આ હકિકત પ્રજા સમક્ષજાહેર પણ કરી છે. આવનારા દિવસોમાં રાજકોટ શહેરના સામાન્‍ય  લોકોના પૈસા ડુબે નહી તે માટે તપાસની માંગણી કરવામાં આવી હતી. ચુંટણી પહેલા ૭ મહિને આપ જાણતા હોવા છતાં આપે કોઇ પગલા અથવા તપાસ કરી હોય તેવું જણાતુ નથી.

હાલમાં ચાલી રહેલી ચુંટણી પ્રક્રિયા સ્‍થગિત કરવી જોઇએ. અમારી ફરીયાદની તપાસ થવી જોઇએ. જયાં સુધી તપાસ ચાલે ત્‍યાં સુધી વહીવટદારને નીમવા જોઇએ. વર્તમાન અને ભુતપુર્વ ડાયરેકટરોએ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા છે. તેની પણ તપાસ થવી જોઇએ અને ત્‍યારબાદ જવાબદાર ચુંટણી ન લડે તેને ધ્‍યાનમાં રાખીને નવેસરથી ચુંટણી પ્રક્રિયા થાય તેવી રાજકોટના સામાન્‍ય લોકોના શેર હોલ્‍ડર્સની લાગણી આપ સમક્ષ વ્‍યકત કરીએ છીએ. યોગ્‍ય કરવા વિનંતી છે. અન્‍યથા આવનારા સમયમાં ઉચ્‍ચ ન્‍યાયાલય સમક્ષ અમારે જવાની ફરજ પડશે. આવેદન દેવામાં ડો. અતુલ રાજાણી, ડો.હેમાંગભાઇ વસાવડા, ડો. ધરમ કાંબલીયા, ડો. નિદત બારોટ વિગેરે જોડાયા હતા.

(3:14 PM IST)